ગુજરાત

અમદાવાદમાં ગે એપ્લિકેશનનો વધુ એક યુવાન ભોગ બન્યો

યુવકને એપ્લિકેશન દ્વારા મિત્રતા કરીને લૂંટી લીધો, પોલીસે ૨ આરોપીઓની ધરપકડ કરી અમદાવાદમાં ગે એપ્લિકેશનનો વધુ એક યુવાન ભોગ બન્યો છે. આરોપી કરણ શર્મા અને વિશાલ તિવારીએ નારોલના એક યુવકને ગે એપ્લિકેશન દ્વારા મિત્રતા કરીને લૂંટી લીધો હોવાની ઘટના બની છે. આ સમગ્ર ઘટનાની વાત કરીએ તો નારોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે કે એક યુવક છેલ્લા બે વર્ષથી ગે ડેટિંગ એપ્લિકેશનનો ઉપયોગ કરે છે.

૨૩મી નવેમ્બરના દિવસે આ એપ્લિકેશન પર યુવકને એક આઈડી પરથી મેસેજ આવ્યો અને બાદમાં બંન્ને વચ્ચે વાતચીત થતી હતી. ૨૫મી નવેમ્બરના દિવસે સામેવાળી વ્યક્તિએ મળવા માટે બોલાવતા આ યુવક સીટીએમ ચાર રસ્તા તેને મળવા માટે ગયો હતો. જ્યાં તેને કરણ ઉર્ફે કાનો શર્મા અને યુવરાજ દરબાર નામના બે યુવકો મળવા માટે આવ્યા હતાં. બાદમાં આરોપીઓ યુવકને એક્ટિવા પર બેસાડીને નારોલ રંગોલીનગર ખાતે એક મકાનમાં લઇ ગયા હતાં. જ્યાં રૂમના દરવાજા પાસે પહોંચતા જ કરણએ તેને રૂમમાં ધક્કો માર્યો અને બળજબરીથી શારીરિક સંબંધ બાંધવા દબાણ કર્યું. યુવકે ઇન્કાર કર્યો તો ૩ આરોપીઓ કરણ, વિશાલ અને યુવરાજે છરી બતાવીને ધમકી આપીને ૨ મોબાઈલ અને ૩૦૦ રૂપિયા રોકડની લૂંટ કરી તેમજ બેંકના એકાઉન્ટમાંથી રૂ ૨૦ હજાર ટ્રાન્સફર કરાવીને લૂંટ કરી હતી. નારોલ પોલીસે લૂંટનો ગુનો નોંધીને ૨ આરોપીની ધરપકડ કરી છે.

Related Posts