fbpx
ગુજરાત

રાજ્યમાં ૭૭૦૦થી વધુ ખેડૂતોએ સોલાર પંપનો ઉપયોગ શરૂ કરીને વીજળીની બચત કરી

પીએમ કુસુમ યોજના અંતર્ગત રાજ્ય સરકારે ખેડૂતોને સોલાર પંપની ખરીદી માટે ૨૧૮ કરોડથી વધુની સબસિડી આપી
પ્રધાનમંત્રી કુસુમ યોજના અંતર્ગત ખેડૂતોને સોલાર પંપ લગાવવા માટે આર્થિક સહાય આપવામાં આવે છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ આ યોજનાના વ્યાપક અમલીકરણ માટે સક્રિયપણે કામગીરી કરવામાં આવી રહી છે. જેના પરિણામે રાજ્યમાં ડિસેમ્બર ૨૦૨૪ સુધીમાં ૭૭૦૦થી વધુ ખેડૂતોએ ઓફગ્રીડ સોલાર પંપ સ્થાપિત કર્યા છે. આ યોજના અંતર્ગત રાજ્ય સરકારે ખેડૂતોને ?૨૧૮ કરોડથી વધુની સબસિડી ચૂકવી છે જેમાં અંદાજિત ૭૦ ટકા સુધીની રકમની સહાય આપવામાં આવે છે. ખેડૂતોને ઓફગ્રીડ સોલાર પંપની મદદથી વીજળીમાં બચત થવાની સાથે પર્યાવરણને પણ ફાયદો થઇ રહ્યો છે.

ખેતરોમાં સિંચાઈ માટે પાણી અને વીજળીની નિયમિત ઉપલબ્ધિ સુનિશ્ચિત કરાવવા અને સૂર્ય ઊર્જાનો ઉપયોગ થાય તે માટે વર્ષ ૨૦૧૯માં કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી કિસાન ઊર્જા સુરક્ષા અને ઉત્થાન મહાઅભિયાન (પી.એમ. કુસુમ) યોજના શરૂ કરવામાં આવી હતી. આ યોજનાનો લાભ લઈને અનેક ખેડૂતો પ્રદૂષણમુક્ત વીજળીનો ઉપયોગ કૃષિમાં કરી રહ્યા છે. કેન્દ્ર સરકાર દ્વારા માર્ચ ૨૦૨૬ સુધીમાં ૧૨૩૮૨ સ્ટેન્ડઅલોન ઓફ ગ્રીડ સોલાર પંપ સ્થાપિત કરવા ગુજરાત રાજ્યને સેન્ક્‌શન આપવામાં આવ્યું છે.

જુનાગઢના ભેંસાણ તાલુકાના હડમતિયા(ખાખરા) ગામે રહેતા લાભાર્થી વિજયાબેન વી આસોદરિયા જણાવે છે કે આ પંપ લગાવ્યા બાદ દિવસ દરમિયાન આઠથી દસ કલાક સુધી અમે પંપ ચલાવીએ છીએ અને તેમાં કોઈ પણ જાતના વીજળીના સપ્લાયની જરૂર રહેતી નથી. આ પંપમાં પાંચ વર્ષ સુધી કોઈ નિભાવ ખર્ચ રહેતો નથી અને ખેતીમાં ઉપજ અને આવકમાં વધારો થયો છે. સાથે આ પંપ સૂર્ય ઊર્જાથી ચાલતો હોવાથી પ્રદૂષણ પણ થતું નથી.

સૌથી વધારે લાભાર્થી નર્મદા જિલ્લામાં
આ યોજના અંતર્ગત નર્મદા જિલ્લામાં સૌથી વધારે ૫૧૦૦થી વધુ સોલાર પંપ સ્થાપિત કરવામાં આવ્યા છે. સોલાર પંપની સંખ્યાની દૃષ્ટિએ ટોપ ટેન જિલ્લામાં નર્મદા બાદ વલસાડ ૪૬૦થી વધુ, બનાસકાંઠા ૪૫૦થી વધુ, ડાંગ ૩૨૦થી વધુ, મહિસાગર ૨૬૦થી વધુ, ગીર સોમનાથ ૨૨૦થી વધુ, છોટાઉદેપુર ૧૮૦થી વધુ, તાપી ૧૬૦થી વધુ, કચ્છ ૧૩૦થી વધુ અને નવસારી ૧૦૦થી વધુનો સમાવેશ થાય છે.

Follow Me:

Related Posts