ભારતની રાજધાની દિલ્હીમાં ૭ મે થી શરૂ થયેલી ત્રણ દિવસીય ‘ગ્લોબલ સ્પેસ એક્સપ્લોરેશન કોન્ફરન્સ ૨૦૨૫’ (ય્ન્ઈઠ) સમિટનું આયોજન ભારતમાં પહેલીવાર થયું છે. ભારત માટે ગૌરવની ક્ષણ લઈને આવેલા આ કાર્યક્રમમાં જગતની સૌથી વિખ્યાત અવકાશ સંશોધન સંસ્થા અમેરિકાની ‘નાસા’ના વિજ્ઞાનીઓની જ ગેરહાજરી હતી, જેનું સૌને આશ્ચર્ય થયું છે.
‘ઈન્ટરનેશનલ એસ્ટ્રોનોટિકલ ફેડરેશન’ અને ‘ઈસરો’ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં ‘નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન’ (નાસા) ના પ્રતિનિધિઓની ગેરહાજરીથી બધાનું ધ્યાન ખેંચાયું છે. ઓછામાં ઓછા એક ડઝન નાસા અંતરિક્ષ યાત્રીઓ અને વિજ્ઞાનીઓ આ પરિષદમાં હાજરી આપે તેવી અપેક્ષા હતી. એમના ભારત ન આવવા માટે બજેટના અભાવનું કારણ અપાયું છે, જે પહેલી નજરે કોઈના માન્યામાં આવે એમ નથી. અમેરિકા જેવા સમૃદ્ધ દેશની અવકાશ સંશોધન સંસ્થાને વળી નાણાંની તંગી કઈ રીતે નડી શકે, એવો પ્રશ્ન થઈ શકે છે.
આ મામલે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાના તમામ સરકારી ક્ષેત્રોમાં વહીવટી ખર્ચ ઘટાડવા માટે બજેટ કાપ મૂક્યો છે, એનો ભોગ નાસા પણ બની ગયું છે. યુએસ વહીવટી તંત્રે નાસાના બજેટમાં ૨૪.૩ ટકાનો ઘટાડો કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. ટ્રમ્પની નીતિને લીધે મંગળ પરથી નમૂનાઓ લાવવાના મિશન સહિત નાસાના ઘણા મિશન રદ અથવા મુલતવી રાખવામાં આવ્યા છે. આ બજેટ કાપને કારણે જ નાસાની આંતરરાષ્ટ્રીય કાર્યક્રમોમાં ભાગીદારી પણ ઓછી થઈ ગઈ છે અને તેના પ્રતિનિધિઓ ભારત નથી આવી શક્યા.
અંતરિક્ષ સંશોધન ક્ષેત્રે નવીનતમ પ્રગતિ અને સહયોગની ચર્ચા કરવા માટે આયોજિત કરવામાં આવેલી આ પરિષદમાં ૩૫ દેશોના પ્રતિનિધિ ભાગ લઈ રહ્યા છે. ચીન, જાપાન, કેનેડા અને યુરોપિયન યુનિયન એમ બધું મળીને ૩૭ દેશોની મુખ્ય અંતરિક્ષ એજન્સીઓના વરિષ્ઠ અધિકારીઓ, ૧૭૦૦થી વધુ પ્રતિનિધિઓ અને દસ અંતરિક્ષ યાત્રી એમાં સહભાગી બન્યા છે. ય્ન્ઈઠમાં આ વર્ષે ઈતિહાસમાં સૌથી વધુ ભાગીદારી જાેવા મળી છે, જે અંતરિક્ષ સંશોધન ક્ષેત્રે ભારતના વધતા કદને દર્શાવે છે.
આ પરિષદમાં અંતરિક્ષ સંશોધનનું ભવિષ્ય, ચંદ્ર અને મંગળ મિશન અને ક્લાઈમેટ ચેન્જના અભ્યાસમાં ટેકનોલોજીનો ઉપયોગ જેવા વિષયો પર ચર્ચા થઈ રહી છે. ઈસરોના વિજ્ઞાનીઓએ ભારતના ગગનયાન મિશન અને આગામી ચંદ્રયાન-૪ મિશન વિશે માહિતી શેર કરી. આ ઉપરાંત, સ્પેસએક્સ અને બ્લુ ઓરિજિન જેવી ખાનગી અવકાશ કંપનીઓના પ્રતિનિધિઓએ પણ તેમની યોજનાઓ રજૂ કરી હતી.
નાસાના વિજ્ઞાનીઓ દિલ્હીમાં ‘ગ્લોબલ સ્પેસ એક્સપ્લોરેશન કોન્ફરન્સ ૨૦૨૫’માં હાજરી નહિ આપે

Recent Comments