અમરેલી

શિક્ષણ મારફતે મૌસમ પરિવર્તન મુદ્દે જાગૃતિ : આજની સમજણ, આવતીકાલની સુરક્ષા

“ગ્લોબલ વોર્મિંગ: એક વૈશ્વિક સમસ્યા” વિષય પર શ્રી રજનીભાઈ દ્વારા લખાયેલ પુસ્તકનું લોકાર્પણ અને મૌસમ પરિવર્તન અંગેનો પરિસંવાદ પર્યાવરણ મિત્ર અને આ મુદ્દે ગુજરાતમાં કાર્યરત નાગરિક સંગઠનો દ્વારા અમદાવાદ ખાતે યોજાઈ ગયો. ગ્લોબલ વોર્મિંગને લીધે છેલ્લા વીસ વર્ષો દરમિયાન સ્થાનિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે વિષમ હવામાનની અનેક ઘટનાઓ બની છે, આપણે સૌ મૌસમ પરિવર્તનની અસરો અનુભવ રહ્યા છીએ તેનું આલેખન આ પુસ્તકમાં કરાયું છે. વિવિધ નિષ્ણાતો દ્વારા ગ્લોબલ વોર્મિંગની સમસ્યાને હલ કરવા શું કરી શકાય ઉપરાંત આંતરરાષ્ટ્રીય સ્તરે કેવા કેવા પ્રયત્નો થઈ રહ્યાં છે તેનું નિરૂપણ આ પુસ્તકમાં છે.

પરિસંવાદનો હેતુ સમજાવતા પર્યાવરણ મિત્ર સંસ્થાના નિયામક શ્રી મહેશ પંડ્યાએ કલાઈમેટ ચેન્જથી બેઘર થયેલા રેફ્યુજી લોકો અને કાર્બન ઉત્સર્જન ઘટાડવા માટેની નવી નવી પદ્ધતિઓના અમલીકરણથી રોજગાર ગુમાવનારા લોકો માટે ન્યાયપૂર્ણ નીતિઓ ઘડવાની હિમાયત કરી.

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શ્રી સુરેશચંદ્ર મહેતાના અધ્યક્ષપદે યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગુજરાતના નાગરિક સંસ્થાઓના પ્રતિનિધિઓ, અધ્યાપકો, વિદ્યાર્થીઓ, વકીલો જેવા પ્રબુદ્ધ નાગરિકો આ પરિસંવાદમાં સહભાગી થયા હતા.

કલાઈમેટ ચેઈન્જ પર વર્ષોથી કામ કરતાં શ્રી શ્વેતલ શાહ દ્વારા કરકસર અને જીવન જીવવાની પધ્ધતિમાં બદલાવ લાવીને કાર્બન ફૂટપ્રિન્ટ ઘટાડવા તરફ ભાર મૂકાયો. વસુધા સંસ્થાના સુશ્રી રીની દત્ત દ્વારા ડીકાર્બનાઈઝેશનના જે પ્રયત્નો ગુજરાતમાં થઈ રહ્યાં છે તેની જાણકારી આપીને રીન્યુએબલ એનર્જીને લીધે લોકોની રોજગારી છૂટી ના જાય તે તરફ કામ કરવાની જરૂરિયાત પર ભાર મૂકાયો.

પુસ્તકનું વિવેચન કરતાં પ્રોફેસર ડો.રોહિતભાઈ શુક્લ એ મૂડીવાદી યુગમાં સમતોલિત વિકાસ પર ભાર મૂક્યો. વિસ્તારવાદ અને આર્થિક લાભો મેળવવા જે યુધ્ધો થઇ રહ્યા છે તેની પર્યાવરણ પર થતી અસરો અંગેની ચિંતા પણ તેમણે વ્યક્ત કરી.પુસ્તકના લેખક શ્રી રજનીભાઈએ ખૂબજ લાગણીસભર થઈને આજની ગ્લોબલ વોર્મિંગની પરિસ્થિતિને લીધે ઉભી થયેલી સમસ્યાઓને લીધે વંચિત સમાજને જે ભોગવવું પડે છે તેનું દુઃખ વ્યક્ત કર્યું. ગ્લોબલ વોર્મિંગ એક વૈશ્વિક સમસ્યા છે, તેનું એકલ દોકલ પ્રયાસોથી નિરાકરણ નહિ આવે – તેમણે તમામ લોકોનો સહકાર અને તે માટે યોગ્ય આંતરરાષ્ટ્રીય નીતિઓ અને તેનું સ્થાનિક સ્તરે અમલીકરણ થાય તેની પર ભાર મૂક્યો.કાર્યક્રમના અધ્યક્ષ સ્થાનેથી સંબોધતા શ્રી સુરેશચંદ્ર મહેતાએ પર્યાવરણ અને ગ્લોબલ વોર્મિંગની સમસ્યાઓ માટે લોકોનું માનસ ઘડવા પર ભાર મૂક્યો. જન ચેતના અને લોકો દ્વારા સ્થાનિક કક્ષાએ કામગીરી થશે તો જરૂર આપણે આ સમસ્યા હળવી બનાવી શકીશું તેવી આશા પણ તેમણે વ્યકત કરી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પર્યાવરણ મિત્રના ડો.ફાલ્ગુની જોશી દ્વારા કરાયું હતું.

Related Posts