સમગ્ર ભારતમાં દર વર્ષે તા. ૦૫ સપ્ટેમ્બરના રોજ ભારતના શ્રેષ્ઠ શિક્ષકશ્રી ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનના બહુમાનમાં ‘શિક્ષક દિવસ’ની ભવ્ય ઉજવણીનું આયોજન હાથ ધરવામાં આવે છે. આ ઉજવણીના ભાગરૂપે આજરોજ અમરેલી સ્થિત શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા શૈક્ષણિક સંકુલ ખાતે ગુજરાત વિધાનસભા નાયબ મુખ્ય દંડક અને અમરેલી-કુંકાવાવ-વડીયા વિસ્તારના ધારાસભ્યશ્રી કૌશિકભાઈ વેકરીયાના અધ્યક્ષ સ્થાને જિલ્લાકક્ષાના ‘શિક્ષક દિવસ’ની ભવ્ય ઉજવણી સંપન્ન થઈ હતી.
શિક્ષક દિવસની ઉજવણી કાર્યક્રમ પ્રાંરભે શ્રી ગણેશ વંદના અને દેશભક્તિ ગીતોની પ્રસ્તુતિ કરવામાં આવી હતી. જિલ્લા તથા તાલુકા કક્ષાએ પસંદગી થયેલા શ્રેષ્ઠ શિક્ષકશ્રીઓને પારિતોષિક એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. જેમાં તાલુકા કક્ષાએ પ્રાથમિક શાળા શિક્ષક પારિતોષિક કેડરમાં કુલ ૦૬ અને જિલ્લાકક્ષાએ અલગ અલગ કેટેગરીમાં કુલ ૦૩ શિક્ષકોને સન્માન-બહુમાન પ્રાપ્ત થયું હતું. ઉલ્લેખનીય છે કે, તાલુકા કક્ષાએ પ્રાથમિક શાળા કેટેગરીમાં પસંદગી પામેલા શ્રેષ્ઠ શિક્ષકશ્રીને પારિતોષિકની સાથે રૂ. ૫ હજારની રાશી પણ આપવામાં આવે છે. ઉપરાંત જિલ્લાકક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદગી પામેલા શિક્ષકશ્રીને રૂ. ૧૫ હજારની રાશી આપવામાં આવે છે.
શિક્ષક દિનની ઉજવણી પ્રસંગે ગુજરાત વિધાનસભા નાયબ મુખ્ય દંડક અને અમરેલી-કુંકાવાવ-વડીયા વિસ્તારના ધારાસભ્ય શ્રી કૌશિકભાઈ વેકરીયાએ જણાવ્યું હતું કે, દરેક વ્યક્તિના જીવનમાં શિક્ષકોનું અમૂલ્ય યોગદાન હોય છે. ગુરૂજનો બાળકોને શિક્ષણ આપવાની સાથે સાથે બાળકોમાં સંસ્કાર સિંચન સહિતના મૂલ્યોનું પણ શિક્ષણ આપે છે અને તેમનું યોગ્ય ઘડતર કરે છે, તેમને ઉમદા નાગરિક બનાવે છે. તેમણે જિલ્લા તથા તાલુકા કક્ષાએ પસંદગી થયેલ શ્રેષ્ઠ શિક્ષકોને અભિનંદન સહ શુભેચ્છાઓ પાઠવી હતી.
આ તકે જિલ્લા કલેક્ટરશ્રી વિકલ્પ ભારદ્વાજે સંબોધન કરતા કહ્યું હતું કે, દરેક બાળકના ભવિષ્ય ઘડતરમાં શિક્ષકોનો સિંહફાળો હોય છે. વિકસિત ભારતની સંકલ્પનાને સાકાર કરવામાં આજના સર્વ શિક્ષકશ્રીઓ પોતાનું યથાયોગ્ય યોગદાન આપે તે જરૂરી છે. જિલ્લા કલેક્ટરશ્રીએ શ્રેષ્ઠ શિક્ષકશ્રીઓને અને તેમની કામગીરીને બિરદાવી હતી.
કાર્યક્રમમાં જિલ્લાની વિવિધ શાળાના પ્રતિભાશાળી બાળકોને મહાનુભાવોના હસ્તે પ્રોત્સાહન સ્વરૂપ સન્માનપત્ર એનાયત કરવામાં આવ્યા હતા.
સાવરકુંડલાના ગાધકડા ક્લસ્ટર સી.આર.સી અને જિલ્લા કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષકશ્રીનો પારિતોષિક પુરસ્કાર વિજેતા ડો. શ્રી મયુરભાઈ દેસાઇએ શિક્ષક અને સી.આર.સી તરીકે કામગીરી દરમિયાન પોતાના અનુભવો અને પ્રતિભાવો વ્યક્ત કર્યા હતા.
જિલ્લાકક્ષાના ‘શિક્ષક દિવસ’ની ઉજવણી પ્રસંગે જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરપર્સનશ્રી રમીલાબેન, જિલ્લા કલેક્ટરશ્રી વિકલ્પ ભારદ્વાજ, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ચેરમેનશ્રી તુષાર જોષી, જિલ્લાના વિવિધ શિક્ષણ સંઘના હોદ્દેદારો, શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા શૈક્ષણિક સંકુલના ટ્રસ્ટી શ્રી, જિલ્લા શિક્ષણાધિકારીશ્રી મનહરસિંહ ગોહિલ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી મિયાણી, નાયબ પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી સોલંકી, બહોળી સંખ્યામાં શિક્ષકશ્રીઓ, વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
















Recent Comments