દર વર્ષે તા. ૦૫ સપ્ટેમ્બરના રોજ ભારત રત્ન અને દેશના શ્રેષ્ઠ શિક્ષકશ્રી ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનના બહુમાનમાં શિક્ષક દિવસની ભવ્ય ઉજવણીનું આયોજન હાથ ધરવામાં આવે છે.
આજરોજ અમરેલી સ્થિત શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા શૈક્ષણિક સંકુલ જિલ્લાકક્ષાના ‘શિક્ષક દિવસ’ની ભવ્ય ઉજવણી સંપન્ન થઈ હતી. જિલ્લાકક્ષાએ વિવિધ કેટેગરીમાં કુલ ૦૩ શ્રેષ્ઠ શિક્ષકશ્રીઓને પારિતોષિત એનાયત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં સાવરકુંડલાના વતની અને ગાધકડા ક્લસ્ટર સી.આર.સી કો-ઓર્ડિનેટર શ્રી ડો. મયુરભાઈ દેસાઈનું જિલ્લાકક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક તરીકે બહુમાન-સન્માન કરવામાં આવ્યું હતું.
સ્વભાવે સરળ વ્યક્તિત્વ ધરાવતા એવા શ્રી ડો. મયુરભાઈને પરિવારમાંથી શિક્ષણનો વારસો મળ્યો છે. તેમના માતૃશ્રી અને બહેનશ્રી બંને શિક્ષણ વ્યવસાય સાથે જોડાયેલા હતા. શ્રી ડો. મયુરભાઈએ ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશન બંને અંગ્રેજી લીટરેચરમાં પૂર્ણ કર્યુ હતું. ત્યારબાદ શિક્ષણની ભૂખ એટલી વધતી રહી કે, તેઓએ અંગ્રેજી લિટરેચરમાં પી.એચ.ડી પણ પૂર્ણ કર્યુ. વર્ષ ૧૯૯૯માં તેઓ સાવરકુંડલાની સાકરપરા પ્રાથમિક શાળા ખાતે મદદનીશ શિક્ષક તરીકે જોડાયા હતા અને ત્યારબાદ વર્ષ ૨૦૧૩થી ગાધકડા ક્લસ્ટર સી.આર.સી કો-ઓર્ડિનેટર તરીકે પોતાની ફરજ નિભાવી રહ્યા છે.
ગાધકડા ક્લસ્ટર અંતર્ગત વિવિધ પ્રાથમિક શાળાઓ જિલ્લા અને રાજ્ય કક્ષાએ આયોજિત થતા વિવિધ ઇનોવેશન ફેર (નવતર પ્રયોગો)માં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી શકે તે માટે શ્રી મયુરભાઈ સતત સક્રિય રહીને માહિતી-માર્ગદર્શન પૂરું પાડે છે. ઉપરાંત બાળકોમાં સર્જનાત્મક શક્તિઓ સતત ખીલે તે માટે તેઓ સતત પ્રેરણાત્મક કામગીરી કરી રહ્યા છે.
માહિતી સંચાર, ટેક્નોલોજી ક્રાંતિના યુગમાં બાળકો વાંચનથી વિમૂખ ન થાય તે માટે સાવરકુંડલાની વિવિધ શાળાઓમાં શિક્ષણ રત્ન શ્રી મયુરભાઈએ વાંચન-પ્રેરણા યજ્ઞ શરૂ કર્યો છે. આ યજ્ઞ થકી બાળકો મોબાઈલ હાથમાંથી સાઇડમાં મુકીને પુસ્તક પ્રેમી બન્યા છે.
શૈક્ષણિક સિદ્ધીઓ-વ્યાવસાયિક સજ્જતા, શિક્ષકોને તાલીમ, લેખનનો અનુભવ, ઇનોવેશન ફેરમાં ભાગીદારી અને સંશોધનાત્મક કાર્ય જેવા વિવિધ માપદંડોના આધારે જિલ્લાકક્ષાએ શ્રેષ્ઠ શિક્ષકની પસંદગી કરવામાં આવે છે. જિલ્લાકક્ષાની પસંદગી સમિતિએ શ્રી મયુરભાઈની શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદગી કરીને તેમનું બહુમાન કર્યું છે.
જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા, વિવિધ શિષ્યવૃત્તિલક્ષી પરીક્ષાઓ સહિતની સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં બાળકો ઉત્કૃષ્ટ દેખાવ કરે તે માટે તેઓ માહિતી-માર્ગદર્શન પૂરું પાડે છે.
ઉલ્લેખનીય છે કે, જી.પી.એસ.સી (ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન)ના પૂર્વ ચેરમેનશ્રી દિનેશ દાસાના કાર્યકાળ દરમિયાન વર્ષ ૨૦૧૭માં શ્રી ડો. મયુરભાઈ વર્ગ ૧ અને ૨ની સ્પર્ધાત્મક પરીક્ષા આપીને ઇન્ટરવ્યુ સુધી પણ પહોંચ્યા હતા. તેઓ ગુજરાત સરકારની વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓને પણ ચોક્કસ દિશાનું માહિતી-માર્ગદર્શન પૂરું પાડે છે.
જિલ્લા કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષકશ્રીનો પારિતોષિક પુરસ્કાર વિજેતા ડો. શ્રી મયુરભાઈ દેસાઇએ શિક્ષક અને સી.આર.સી તરીકે કામગીરી દરમિયાન પોતાના પ્રતિભાવો વ્યક્ત કર્યા હતા. તેમણે જણાવ્યું કે, શિક્ષણ થકી બાળકોની ક્ષિતિજો વિસ્તાર પામે છે, શિક્ષણનો ઉપયોગ સમાજ માટે થાય ત્યારે શિક્ષા એ કેળવણી બને છે. શ્રી મયુરભાઈએ શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદગી થવા બદલ અમરેલી જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની કચેરી, શિક્ષણ વિભાગ અને ગુજરાત સરકારનો ધન્યવાદ વ્યક્ત કર્યો હતો.


















Recent Comments