અમરેલી

અમરેલી જિલ્લાકક્ષા અને તાલુકા કક્ષાએ તા. ૧૪ અને ૧૫ ઓક્ટોબરના રોજ કૃષિ વિકાસ દિન-૨૦૨૫ તેમજ રવિ કૃષિ મહોત્સવ ૨૦૨૫ના કાર્યક્રમો યોજાશે

રાજ્ય સરકાર દ્વારા વિકાસ સપ્તાહ ઉજવણીના ભાગરૂપે આગામી તા. ૧૪ અને ૧૫ ઓક્ટોબર,૨૦૨૫ના રોજ રાજ્યવ્યાપી કૃષિ વિકાસ દિન-૨૦૨૫ તેમજ રવિ કૃષિ મહોત્સવ ૨૦૨૫ની ઉજવણીના કાર્યક્રમો યોજાશે. આ અંતર્ગત અમરેલી જિલ્લાકક્ષા અને તાલુકા કક્ષાએ પણ કાર્યક્રમ યોજાશે.

જિલ્લા સેવા સદન અમરેલી ખાતે જિલ્લા કલેક્ટર શ્રી વિકલ્પ ભારદ્વાજના અધ્યક્ષ સ્થાને જિલ્લા અમલીકરણ સમિતિની બેઠક યોજાઈ હતી. બેઠકમાં પ્રાંત અધિકારીશ્રીઓ વર્ચ્યુઅલ રીતે જોડાયા હતા. જિલ્લા કક્ષા અને તાલુકા કક્ષાના કાર્યક્રમોનું સુચારું રીતે આયોજન હાથ ધરવા માટે ઉપસ્થિત સંબંધિત અધિકારીશ્રીઓને માર્ગદર્શન પુરું પાડ્યું હતુ અને ઉપયોગી વિવિધ સૂચનાઓ આપી હતી.

ઉલ્લેખનીય છે કે, કૃષિ વિકાસ દિન-૨૦૨૫ તેમજ રવિ કૃષિ મહોત્સવ ૨૦૨૫ના બે દિવસીય કાર્યક્રમ અંતર્ગત પ્રથમ દિવસે કૃષિ વૈજ્ઞાનિક, કૃષિ નિષ્ણાત દ્વારા સસ્ટેનેબલ ફાર્મિંગ, રાસાયણિક ખાતરના કાર્યક્ષમ ઉપયોગ, પ્રાકૃતિક ખેતી દ્વારા ઓર્ગેનિક કાર્બનમાં વધારો, બાગાયત પાકોમાં નવીનતમ ટેક્નોલોજી જેવા વિવિધ વિષયો અંગે માર્ગદર્શન પુરુ પાડવામાં આવશે.  પ્રગતિશીલ ખેડૂતો દ્વારા સંવાદ, વકતવ્ય, ગોષ્ઠી, ખેડૂતો અને પશુપાલકોનું સન્માન, લાભાર્થી ખેડૂતોને વિવિધ સહાયનું વિતરણ, કૃષિ પ્રદર્શન, પશુ આરોગ્ય મેળાનું આયોજન હાથ ધરવામાં આવશે. કાર્યક્રમની ઉજવણીના દ્વિતીય દિવસે પ્રાકૃતિક કૃષિ પ્રદર્શન, ખેડૂતો દ્વારા પ્રાકૃતિક કૃષિના મોડેલ ફાર્મની મુલાકાત સહિતના કાર્યક્રમ યોજાશે.

ઉલ્લેખનીય છે કે, જિલ્લાકક્ષાએ તેમજ તાલુકાકક્ષાએ કાર્યક્રમના સુચારું આયોજન અર્થે જિલ્લા અમલીકરણ સમિતિ અને તાલુકા અમલીકરણ સમિતિની રચના કરવામાં આવી છે. કાર્યક્રમ સ્થળે પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતોના સ્ટોલ, બાગાયતી ખેત પેદાશોનું પ્રદર્શન, શ્રી અન્ન અંતર્ગત ખેડૂતો દ્વારા તૈયાર કરેલ વિવિધ વાનગીઓના પ્રદર્શન અને વેચાણ, એફ.પી.ઓના પ્રદર્શન સ્ટોલ, નવીન ટેક્નોલોજીના આકર્ષણો જેવા કે ડ્રોન ટેક્નોલોજી સહિતના સ્ટોલ ઉભા કરવામાં આવશે.

જિલ્લા અમલીકરણ સમિતિની બેઠકમાં જિલ્લા સ્તરે અને તાલુકા સ્તરે કૃષિ વિષયક વિવિધ સરકારી યોજનાઓ હેઠળની લાભાર્થી અરજદારોની અરજીઓ પેન્ડિંગ ન રહે તે બાબતે ત્વરાએ અરજીના નિકાલની સૂચનાઓ જિલ્લા કલેક્ટરશ્રીએ સંબંધિત અધિકારીશ્રીઓને આપી હતી. 

કૃષિ વિકાસ દિન-૨૦૨૫ તેમજ રવિ કૃષિ મહોત્સવ ૨૦૨૫ જિલ્લા અમલીકરણ સમિતિની બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી પરિમલ પંડ્યા, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી અર્પણ ચાવડા, જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી કાનાણી સહિતના સંબંધિત અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related Posts