અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની દિશા અને ઝડપમાં અચાનક ફેરફાર થતાં હવે તેનું ગતિપથ બદલાઈ ગયું છે. તાજા હવામાન વિભાગના અંદાજ મુજબ, આ વાવાઝોડું હવે 2 નવેમ્બરની રાત્રે પોરબંદર અને માંગરોળના દરિયાકાંઠે ટકરાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
અગાઉ આ વાવાઝોડું 3 નવેમ્બરે દ્વારકા અને નલિયા વચ્ચે દસ્તક આપવાનું હતું, પરંતુ ઝડપમાં વધારો થતાં તે એક દિવસ પહેલા જ ગુજરાતના કિનારા પર પહોંચે તેવી સંભાવના છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, વાવાઝોડાની ગતિ પ્રતિ કલાકે આશરે 120 થી 130 કિમી સુધી પહોંચી શકે છે.
વાવાઝોડાના કારણે 2 નવેમ્બરની રાત્રે 1 વાગ્યાથી માધુપુર, પોરબંદર અને વેરાવળ જેવા દરિયાકાંઠાના વિસ્તારોમાં તેની અસર જોવા મળશે. ત્યારબાદ વાવાઝોડું જમીન તરફ આગળ વધતાં જૂનાગઢ-ભાણવડ વચ્ચે થી પસાર થઈને જામનગર અને રાજકોટ જિલ્લાના વિસ્તારો સુધી પહોંચશે.
હવામાન વિભાગે ચેતવણી આપી છે કે વાવાઝોડા સાથે તીવ્ર વંટોળ અને ભારે વરસાદ પણ વરસી શકે છે. અંદાજે 150 કિલોમીટરના વિસ્તારમાં આ વાવાઝોડાની સીધી અસર થવાની સંભાવના છે.
માછીમારોને દરિયામાં ન જવા સૂચના અપાઈ છે જ્યારે કિનારાના વિસ્તારોમાં પ્રશાસનને એલર્ટ પર રાખવામાં આવ્યું છે. જૂનાગઢ, ભાણવડ, જામનગર અને રાજકોટ જિલ્લામાં ભારે વરસાદ અને પવનની તીવ્રતા વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. વાવાઝોડાની સ્થિતિ પર હવામાન વિભાગ સતત નજર રાખી રહ્યું છે.

















Recent Comments