અમરેલી જિલ્લા પોલીસની બાળ સુરક્ષા અને કલ્યાણ માટેની અનોખી પહેલ ‘મિશન સ્માઇલ’ને પ્રતિષ્ઠિત SKOCH એવોર્ડથી સન્માનિત કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ ગૌરવપૂર્ણ સિદ્ધિ બદલ અમરેલી જિલ્લા પોલીસ અને તેમની ટીમને અભિનંદન પાઠવ્યા હતા. ગુજરાતમાં અમરેલી જિલ્લા પોલીસ દ્વારા જ આ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો હતો.
‘મિશન સ્માઇલ’ અભિયાન અંતર્ગત શાળાઓ અને આંગણવાડીઓમાં બાળકો, શિક્ષકો, વાલીઓ અને કર્મચારીઓને ગુડ ટચ-બેડ ટચ, POCSO કાયદો, સાયબર સુરક્ષા, આત્મરક્ષા તેમજ શોષણ સામે નિર્ભયતાથી અવાજ ઉઠાવવા અંગે જાગૃતિ અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે. આ પહેલ બાળ સુરક્ષા માટે વધુ સજાગ અને સંવેદનશીલ સામાજિક વાતાવરણનું નિર્માણ કરી રહી છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે SKOCH એવોર્ડ આ લોકઉપયોગી અને સમાજલક્ષી કાર્યની રાષ્ટ્રીય સ્તરે નોંધપાત્ર સ્વીકૃતિ છે. તેમણે ઉમેર્યું હતું કે બાળ સુરક્ષા ક્ષેત્રે અમરેલી જિલ્લા પોલીસની આ પહેલ સમગ્ર રાજ્ય અને દેશ માટે પ્રેરણારૂપ મોડેલ બની છે, જે અન્ય જિલ્લાઓ માટે પણ માર્ગદર્શક સાબિત થશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘વિકસિત ભારત@૨૦૪૭’ના દીર્ઘદૃષ્ટિપૂર્ણ વિઝન અનુસાર, દેશના બાળકો રાષ્ટ્રના મજબૂત આધારસ્તંભ છે. સરકાર દરેક બાળકને સુરક્ષિત, શિક્ષિત, સ્વસ્થ અને સન્માનપૂર્ણ વાતાવરણ મળે તે સુનિશ્ચિત કરવા પર ભાર મૂકે છે. ‘બેટી બચાવો, બેટી પઢાવો’, નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP-2020), પોષણ અભિયાન અને બાળ આરોગ્ય સંબંધિત વિવિધ યોજનાઓ દ્વારા બાળ વિકાસને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવી રહી છે.


















Recent Comments