અમરેલી

કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી અને ઉર્જા રાજ્ય મંત્રીના હસ્તે કુંકાવાવ બસ સ્ટેશનનું લોકાર્પણ

અમરેલી જિલ્લાના કુંકાવાવ મુકામે રાજ્યના કૃષિ મંત્રીશ્રી, જીતુભાઈ વાઘાણી અને ઉર્જા રાજ્યમંત્રીશ્રી, કૌશિકભાઈ વેકરીયાના હસ્તે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ લિ.ના નવ્ય પ્રકલ્પ કુંકાવાવ બસ સ્ટેશનનું લોકાર્પણ અને ધારી તેમજ બગસરા ડેપોના વર્કશોપનું ઈ-ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કુંકાવાવ મુકામે યોજાયેલા સમારોહમાં મંત્રીશ્રીઓએ કુંકાવાવ બસ સ્ટેશનનું લોકાર્પણ કરી નાગરિકોને જરૂરી એવી સુવિધા અર્પણ કરી હતી.

આ પ્રસંગે અમરેલી જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, કુંકાવાવ જેવા નાના ગામમાં જે પ્રકારે અત્યાધુનિક બસડેપો તૈયાર થયો છે. આ પ્રકારના બસપોર્ટ, બસ સ્ટેશનની પરીકલ્પના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ કરી હતી. આજે રાજ્યના ગ્રામિણ વિસ્તારોમાં લાઇટ-રોડ રસ્તા, બ્લોક. નર્મદાના નીર સહિતની માળખાગત અને જરૂરી સુવિધાઓ પહોંચી છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપેલા મૂળમંત્ર સાથે ગુજરાત રાજ્ય મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવીના નેતૃત્વમાં ગામડામાં આત્મા ગામડાનો સુવિધા શહેરનીનો સંકલ્પ ચરિતાર્થ થઈ રહ્યો છે.

તેમણે ઉમેર્યું કે, સહકારથી ખેતીમાં સમૃદ્ધિ લાવવા માટે કેન્દ્રીય ગૃહ અને સહકારમંત્રીશ્રી અમિતભાઈ શાહના માર્ગદર્શનમાં અનોખું મોડેલ ઘડી કાઢવામાં આવ્યું છે. રાજ્ય સરકાર હરહંમેશ ખેડૂતોની પડખે છે. કમોસમી વરસાદની આફતમાં સહાયતાના ફોર્મ ભરવાનું પોર્ટલ બંધ થાય તે પહેલાં સહાય ચૂકવવાની શરૂઆત કરી દેવામાં આવી હતી. અત્યારસુધીમાં રાજ્ય સરકારે જાહેર કરેલી રૂ. ૧૦,૦૦૦ કરોડની રાહત સહાયમાંથી રૂ. ૮,૩૩૯ કરોડ રાજ્યના ખેડૂતોના ખાતામાં જમા કરી દેવામાં આવ્યા છે. રૂ, ૧૫,૦૦૦ કરોડની ટેકાના ભાવની ખરીદીમાંથી રાજ્યના ૩,૮૦,૭૨૨ ખેડૂતોની રૂ. ૬,૦૧૨ કરોડની જણસોની ટેકાના ભાવે ખરીદી કરી લેવામાં આવી છે. ગત રવિ સિઝન કરતાં આ રવિ સિઝનમાં ૨૬,૦૦૦ મેટ્રીક ટન ડી.એ.પીની વધુ માંગ સૂચવે છે કે રાજ્યનો ખેડૂત સ્વમાનથી લડાયક મિજાજ સાથે ફરી બેઠો થઈ રહ્યો છે.

આ પ્રસંગે તેમણે પ્રભારી મંત્રીશ્રી તરીકે અમરેલી જિલ્લામાં થતા વિકાસકાર્યોની ગુણવત્તાની ચકાસણી કરવા માટે નાગરિકોને પણ અનુરોધ કર્યો હતો. જે કામોમાં ગુણવત્તામાં બાંધછોડ જોવા મળશે તેમની સામે રાજ્ય સરકાર કડક કાર્યવાહી કરશે તેવું તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું.

આ પ્રસંગે રાજ્યમંત્રીશ્રી કૌશિકભાઈ વેકરીયાએ કુંકાવાવની વિકાસયાત્રાનો ચિતાર આપતા જણાવ્યું હતું કે, અમરેલી જિલ્લો, અમરેલી વિધાનસભા મતવિસ્તાર રાજ્ય સરકાર દ્વારા મોટાહાથે મંજૂર કરવામાં આવેલા કતારબદ્ધ વિકાસકાર્યોથી હરણફાળ ભરી રહ્યો છે. કુંકાવાવમાં પ્રાથમિક શાળાઓ, સી.સી. રોડ, સનાળામાં નર્મદાના નીર, અત્યાધુનિક બસ ડેપો, અમરેલીથી કુંકાવાવ માર્ગને પહોંળા કરવાના કામ જેવા માળખાકીય કામો થઈ રહ્યા છે. આગામી ૧૦મી જાન્યુઆરીએ રૂ. ૬૭ કરોડના ખર્ચે પહોળા થનારા કુંકાવાવ અમરેલી માર્ગનું ખાતમુહૂર્ત થશે. 

રાજ્ય સરકાર દ્વારા કુંકાવાવ મુકામે રૂ. ૩૨૧.૭૨ લાખના ખર્ચે ૦૪ પ્લેટફોર્મ ધરાવતું મુસાફરો માટેની બેઠક વ્યવસ્થા સાથેનો વેઇટીંગ હોલ, ટ્રાફીક કંટ્રોલર રૂમ, કેન્ટીન, વોટર રૂમ, પાર્સલ રૂમ, ઇલેક્ટ્રીક રૂમ, સ્ટોલ, રેસ્ટ રૂમ, લેડીઝ કંડક્ટર રૂમ, શૌચાલયની સુવિધા ધરાવતું બસ સ્ટેશન તૈયાર કર્યું છે.

આ સાથે બસના સમારકામ સહિતની જરૂરી સેવાઓ માટે મેઇન્ટેનન્સ માટે આવશ્યક એવા ધારી ડેપો વર્કશોપનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. ધારી મુકામે રૂ. ૬૫૮.૦૦ લાખના ખર્ચે અને બગસરા મુકામે અંદાજિત રૂ. ૬૪૮.૦૦ લાખના ખર્ચે આ બસ ડેપો વર્કશોપ તૈયાર થશે. જેમાં ટાયર રૂમ, બેટરી રૂમ, એડમીન રૂમ, સ્ટોર રૂમ, ઓઇલ રૂમ, ઇલેક્ટ્રીમ રૂમ, લોંગ પીટ, યુ પીટ, વોટર રુમ જેવી સુવિધાઓ હશે. આમ કેબિનેટ મંત્રીશ્રી વાઘાણી અને રાજ્યમંત્રીશ્રી કૌશિકભાઈ વેકરીયાના વરદહસ્તે રૂ. ૧૬.૨૭ કરોડના વિકાસકાર્યોનું એસ.ટી. વિભાગના માધ્યમથી ખાતમુહૂર્ત અને લોકાર્પણ થયું હતું.

આ કાર્યક્રમમાં સાંસદશ્રી ભરતભાઈ સુતરિયા, બગસરા-ધારી-ખાંભા મતવિસ્તારના ધારાસભ્યશ્રી જે.વી. કાકડીયા, જિલ્લાપંચાયતના સભ્યશ્રી પુનાભાઈ ગજેરા, કુંકાવાવ તાલુકા પંચાયતના પ્રમુખશ્રી, પરશોત્તમ ભાઈ હીરપરા, જિલ્લા કલેક્ટરશ્રી વિકલ્પ ભારદ્વાજ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી પરિમલ પંડ્યા, પ્રાંત અધિકારીશ્રી વડિયા-બગસરા શ્રી, નંદા, ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ-અમરેલી વિભાગીય નિયામકશ્રી બી.ટી. પટેલ, અગ્રણી સર્વશ્રી અતુલભાઈ કાનાણી, મેહુલભાઈ ધોરાજીયા, વિપૂલભાઈ વાસાણી, મનિષભાઈ ઢોલરિયા,  એપીએએમસી ચેરમેનશ્રી ગોપાલભાઈ અંટાળા, સરપંચશ્રી સંજયભાઈ લાખાણી તેમજ આસપાસના વિસ્તારના સરપંચશ્રીઓ અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

Related Posts