ગુજરાત સરકાર દ્વારા વર્ષ ૨૦૨૬-૨૭ માટે કપાસ પાકમાં ટૂંકા અંતરે વાવેતર કરનારા અથવા વાવેતર કરવા ઇચ્છતા ખેડૂતો માટે ‘કપાસ ક્રાંતિ યોજના’ અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના અંતર્ગત ક્લોઝ સ્પેસીંગ ટેકનોલોજી (CST) તથા ઇન્ટીગ્રેટેડ ક્રોપ મેનેજમેન્ટ (ICM) એમ બે ઘટકોમાં સહાય મેળવવા માટે આઇ-ખેડૂત પોર્ટલ ૨.૦ મારફત ખેડૂતો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી હતી. પ્રાપ્ત થયેલી અરજીઓના આધારે ઓનલાઈન ડ્રો પણ કરવામાં આવ્યો છે.
સરકારશ્રીના નિયત ધારા-ધોરણ મુજબ ક્લોઝ સ્પેસીંગ ટેકનોલોજી (CST) હેઠળ ૯૦ X ૩૦ મુજબ એટલે કે બે હાર વચ્ચે ૩ ફૂટ તથા બે છોડ વચ્ચે ૧ ફૂટના અંતરે કપાસનું વાવેતર કરનાર લાભાર્થીઓને પાત્રતા આપવામાં આવશે. જ્યારે ઇન્ટીગ્રેટેડ ક્રોપ મેનેજમેન્ટ (ICM) હેઠળ ૯૦ X ૬૦ મુજબ એટલે કે બે હાર વચ્ચે ૩ ફૂટ તથા બે છોડ વચ્ચે ૨ ફૂટના અંતરે કપાસનું વાવેતર કરનાર લાભાર્થીઓને પાત્રતા આપવામાં આવશે.
આ ઉપરાંત, યોજના હેઠળ નિયત કરવામાં આવેલી બિયારણની જાતનું વાવેતર કરનાર ખેડૂતોને જ સહાય માટે પાત્રતા મળવાપાત્ર રહેશે.
પોર્ટલ પર નોંધાયેલ લાભાર્થીઓની સંખ્યા મોટી હોવાથી તેમજ પોર્ટલ પર લાભાર્થીઓના મોબાઈલ નંબર ઉપલબ્ધ ન હોવાથી લાઠી તાલુકાના ઓનલાઈન અરજી કરનાર તમામ ખેડૂતમિત્રોને જાહેર અપીલ કરવામાં આવે છે કે, જો તેમણે ઉપરોક્ત સરકારશ્રીના નિયત ધારા-ધોરણ મુજબ કપાસનું વાવેતર કરેલ હોય તો તેઓએ તા. ૧૫/૦૮/૨૦૨૬ના રોજ સાંજે ૫:૦૦ કલાક સુધીમાં પોતાના ગામના ખેતીવાડી ગ્રામસેવકશ્રી (ખેતી)ને પોતાની વિગતો સાથે ટેલિફોનિક અથવા રૂબરૂ જાણ કરવી.
ખેડૂત દ્વારા કરવામાં આવેલી રજૂઆતના આધારે જરૂરી ચકાસણી તથા સહાય બાબતે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. તા. ૧૫/૦૮/૨૦૨૬ના રોજ સાંજે ૫:૦૦ કલાક સુધીમાં કોઈ રજૂઆત કરવામાં નહીં આવે તો સરકારશ્રીના ધારા-ધોરણ મુજબ વાવેતર કરવામાં આવેલ નથી તેમ માની સંબંધિત અરજી ફાઈલ કરવાની કાર્યવાહી કરવામાં આવશે, જેની તમામ ખેડૂતમિત્રોએ ખાસ નોંધ લેવા અનુરોધ છે.
આ અંગે વધુ માહિતી અથવા રજૂઆત માટે લાઠી તાલુકાના સંબંધિત ગામના ખેતીવાડી ગ્રામસેવકશ્રી (ખેતી)નો સંપર્ક કરવા તમામ ખેડૂતમિત્રોને અનુરોધ કરવામાં આવ્યો છે.


















Recent Comments