અમરેલી

ગીરનું ગૌરવ પાંજરે પૂરાયું: સિંહ દિવસની ઉજવણી વચ્ચે ‘ભગત’ની કરુણતા અને સિસ્ટમ સામે સવાલો

દર વર્ષની જેમ આ વર્ષે પણ શાળાઓ, મહાશાળાઓ અને વન વિભાગ દ્વારા ગીરના ગૌરવ અને કાઠિયાવાડની અસ્મિતા એવા એશિયાટીક સિંહના રખરખાવ સંદર્ભે ‘વિશ્વ સિંહ દિવસ’ની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી રહી છે. સિંહોની સાહસિક વાતો અને રોચક પ્રશંસા વચ્ચે અખબારોના પાના સિંહ દ્વારા માનવ પર થયેલા હુમલાઓના અહેવાલોથી ભરેલા જોવા મળે છે. પરંતુ આ સમગ્ર ઘટનાક્રમમાં એક કડવી વાસ્તવિકતા એ પણ છે કે, પોતાની મસ્તીમાં મસ્ત રહેતા આ રોયલ પ્રાણી પ્રત્યે માનવ સમાજ અને પ્રશાસનિક વ્યવસ્થા ક્યાંક ઘોર અન્યાય તો નથી કરી રહી ને?

​શાંત સ્વભાવના ‘ભગત’ સિંહ સાથે બનેલી કરુણાંતિકા

આશરે ત્રણેક માસ પહેલાં લીલીયા વન વિસ્તારમાં બનેલી એક ઘટના આ માનવ-સિંહ સંઘર્ષનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. ૧૨ વર્ષની ઉંમર ધરાવતો ‘ભગત’ નામનો સિંહ પોતાના અત્યંત શાંત અને રોયલ સ્વભાવ માટે જાણીતો હતો. પોતાના સમગ્ર જીવનકાળ દરમિયાન તેણે ક્યારેય કોઈ નિર્દોષને રંજાડ્યો નહોતો. પરંતુ, પોતાની મસ્તી અને શાંતિમાં અવરોધ ઊભો થતાં અને ઉશ્કેરણીજનક પરિસ્થિતિ નિર્માણ થતાં તેણે એક માનવી પર હુમલો કર્યો, જેમાં તે વ્યક્તિનું મૃત્યુ થયું.

​આ ઘટના બાદ વન વિભાગ દ્વારા શિક્ષાત્મક પગલું ભરીને ‘ભગત’ને કેદ કરી તેના પરિવારથી દૂર કરી દેવામાં આવ્યો. અહીં પ્રશ્ન એ થાય છે કે, પોતાના કુદરતી સ્વભાવ મુજબ વર્તેલા સિંહનો દોષ કેટલો? શું એ માનવીની ભૂલ નહોતી જેણે સિંહની શાંતિનો ભંગ કર્યો? કે પછી દોષ વન વિભાગ અને સાંપ્રત સિસ્ટમનો છે?

​એક ભૂલ અને ચાર વર્ગ દુઃખી:

ખામીયુક્ત સિસ્ટમના કારણે આજે ચારેય પક્ષે દુઃખની છાયા છે:

૧. પાંજરે પૂરાયેલો સિંહ દુઃખી છે.

૨. સિંહથી વિખૂટો પડેલો તેનો પરિવાર દુઃખી છે.

૩. હુમલામાં સ્વજન ગુમાવનાર માનવ પરિવાર દુઃખી છે.

૪. સાચી હકીકત જાણનારા સિંહપ્રેમીઓ પણ દુઃખી છે.

​માનવ એષણાઓ અને ખોરવાયેલું કુદરતનું ચક્ર

વન્ય સંસ્કૃતિ સાથે વર્ષોથી આત્મસાત થઈને જીવતા નેહડાના માલધારીઓ પણ હવે ધીમા સ્વરે સ્વીકારે છે કે, સિંહનો સ્વભાવ નથી બદલાયો પરંતુ માનવજાતની લાલચ, ગેરકાયદેસર સિંહ દર્શન (લાયન શો), સિંહની સતામણી અને સતત ઘટતો વન વિસ્તાર આ પરિસ્થિતિ માટે જવાબદાર છે. માનવીય આકાંક્ષાઓના કારણે કુદરતનું ચક્ર ખોરવાઈ ગયું છે.

*​કોની અદાલતમાં ન્યાય માંગે જંગલનો રાજા?*

વન્યજીવો આજે પણ ‘માઈટ ઈઝ રાઈટ’ (જેની લાઠી તેની ભેંસ)ના કુદરતી નિયમ પર જીવે છે, જ્યારે કાળા માથાનો માનવી બંધારણ અને ન્યાયની વાતો કરે છે. જંગલનો રાજા ગણાતો સિંહ માનવીય બદમાશી કે સિસ્ટમની ખામીનો ભોગ બનીને પાંજરે પૂરાય ત્યારે તે કોની અદાલતમાં કેસ લડે?

​વિશ્વ સિંહ દિવસની સાચી ઉજવણી માત્ર શોબાજી કે ઉત્સવો ઉજવવામાં નથી, પરંતુ સિંહના મનની સ્થિતિ, તેની કરુણતા અને માનવીય અતિક્રમણને સમજીને વનરાજને તેનું નૈસર્ગિક વાતાવરણ અને માન-સન્માન આપવા માટે ગંભીરતાથી વિચારવામાં છે.

Related Posts