ભાવનગર

ટીંબી સ્થિત સુપ્રસિધ્ધ સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવસેવા સંસ્થાનો યોજાશે પંચ સહસ્ત્રદિન મહોત્સવ

ગોહિલવાડની સુપ્રસિધ્ધ સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવસેવા આરોગ્ય સંસ્થામાં પંચ સહસ્ત્રદિન માનવસેવા મહાયજ્ઞમાં સહયોગીઓની ભાવવંદના થશે. ટીંબી સ્થિત આ સંસ્થાનો અગાઉ મુલત્વી રહેલ પંચ સહસ્ત્રદિન મહોત્સવ કાર્યક્રમનું આગામી રવિવારે આયોજન કરવામાં આવેલ છે.

સ્વામી શ્રી નિર્દોષાનંદ સરસ્વતીજી મહારાજની પ્રેરણાથી ઉમરાળા પાસેના ટીંબીમાં દર્દી નારાયણની તદ્દન વિનામૂલ્યે આરોગ્યલક્ષી સેવા પ્રદાન કરતી ગોહિલવાડની આ સુપ્રસિધ્ધ સંસ્થામાં પંચ સહસ્ત્રદિન માનવસેવા મહાયજ્ઞમાં સહયોગીઓની ભાવવંદના થશે. આ સમારોહનાં અધ્યક્ષસ્થાને સ્વામી શ્રી ભોળાનંદ સરસ્વતીજી તથા સ્વામી શ્રી સદાનંદ સરસ્વતીજી રહેશે.

ગોહિલવાડની સુપ્રસિધ્ધ અને છેલ્લાં પંદર વર્ષથી કાર્યરત આ આરોગ્ય સંસ્થામાં દાનવીરો, કર્મવીરો તથા ધર્મવીરોની ભાવ વંદના માટે આગામી રવિવાર પોષ વદ અષ્ટમી તા.૧૧ના સવારે આ સમારોહ યોજાયેલ છે.

આ દવાખાનામાં સેવા સારવારના પાંચ હજાર દિવસો પૂર્ણ કરી રહેલ છે, ત્યારે આ પંચ સહસ્ત્રદિન મહોત્સવ યોજાઈ રહ્યો છે. ગયા વર્ષે ગુરુવાર તા.૩૦.૧૦.૨૦૨૫ના રાખેલ, જે ભારે વરસાદનાં કારણે મુલત્વી રખાયેલ આ માનવસેવા મહાયજ્ઞ પ્રસંગે દાતા ઉદ્યોગપતિ મહાનુભાવો મોટી સંખ્યામાં જોડાનાર છે, જેઓની ભાવવંદના થશે, આ મહોત્સવની તડામાર તૈયારીઓ થઈ છે.

Related Posts