અમરેલીના દીકરાનું ઘર સ્થિત સત્સંગ હોલ ખાતે શબ્દસમિધ દ્વારા આયોજિત યુવા લેખક-કવિ ગોપાલ ધકાણના પ્રથમ હાસ્યનિબંધસંગ્રહ *”સજ્જડ સર્વે'” નું ભાવકો અને સાહિત્યરસિકોની બહોળી ઉપસ્થિતિમાં ભવ્ય વિમોચન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં જાણીતા હાસ્યલેખક શ્રી પ્રકાશ દવેના હસ્તે પુસ્તકનું અભ્યાસપૂર્ણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ શ્રી પ્રકાશ જોષી અને શ્રી ઉમેશ ચાવડાએ વાચિકમ અંતર્ગત સંગ્રહમાંથી એક-એક હાસ્યનિબંધનું વાચન કરી ઉપસ્થિતોને હાસ્યરસનો આસ્વાદ કરાવ્યો હતો.
અતિથિવિશેષ શ્રી દિલીપભાઈ ભટ્ટએ ગોપાલ ધકાણની સર્જનયાત્રાને યાદ કરી તેમના સાહિત્યિક ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી. મુખ્ય વક્તા શ્રી મહેન્દ્રસિંહ પરમારએ હળવી અને રસાળ શૈલીમાં હાસ્યનિબંધના વિવિધ પાસાંઓ પર ઊંડાણપૂર્વકનું માર્ગદર્શન આપતાં હાસ્યસાહિત્યના મહત્વને ઉજાગર કર્યું હતું.
કાર્યક્રમના અધ્યક્ષ શ્રી છેલભાઈ વ્યાસએ પોતાના અધ્યક્ષીય ઉદ્બોધનમાં ગોપાલ ધકાણની સરળ, સહજ અને અસરકારક લેખનશૈલીને બિરદાવી તેમને આશીર્વાદ પાઠવ્યા હતા.
કાર્યક્રમનું સંચાલન શ્રી વિજયભાઈ મહેતાએ કર્યું હતું, જ્યારે આભારવિધિ કવિશ્રી હરેશ વડાવિયાએ વ્યક્ત કરી હતી.
આ કાર્યક્રમને સફળ બનાવવા શબ્દસમિધના મુકેશ દવે, મુકેશ જોગી, પંકજ ચૌહાણ, ધર્મેશ ઉનાગર અને પ્રકાશ મકવાણા સહિતના કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી.
કાર્યક્રમમાં પ્રણવ પંડ્યા, ઉમેશ જોશી, ઉદય દેસાઈ, જૈમિન જોશી, અભિષેક ઠાકર, જસ્મિન જોશી, કિરણભાઈ નાંઢા, પરેશ મહેતા, કેતન કાનપરિયા, ગોપીબેન રાઠોડ, કાલિંદીબેન પરીખ, બાલકિશન જોગી, વિપુલ ભટ્ટી, નીતિન પીઠડીયા સહિતના કવિઓ, સર્જકો અને સાહિત્યરસિકોની નોંધપાત્ર ઉપસ્થિતિએ સમગ્ર કાર્યક્રમને યાદગાર બનાવ્યો હતો.












Recent Comments