અમરેલીના જાળીયા અને રાંઢીયા મુકામે ઉર્જા રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયાના હસ્તે વિવિધ વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. જાળીયા મુકામે અંદાજે રૂ. ૨ કરોડથી વધુના ખર્ચે સુવિધાપથ (સી.સી રોડ) બનશે, રૂ. ૨૫ લાખના ખર્ચે ગ્રામ પંચાયતનું નવું ભવન આકાર પામશે. અંદાજિત રૂ. ૬.૫ કરોડના ખર્ચે જાળીયા-કેરાળા-હડાલા રોડ પર સ્ટ્રક્ચર નિર્માણ કામગીરીનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યુ હતુ. જાળીયા મુકામે વિવિધ વિકાસકામોનું ખાતમુહૂર્ત કરવામાં આવતા નાગરિકોની જનસુવિધાઓમાં વધારો થશે.
રાંઢીયા મુકામે રૂ. ૨૫ લાખના ખર્ચે નવું પંચાયત ભવન આકાર પામશે, રાજ્યમંત્રીશ્રીએ નવા પંચાયત ભવનની કામગીરીનું ખાતમુહૂર્ત કર્યું હતું.
અમરેલીના જાળીયા મુકામે વિવિધ વિકાસકામોના ખાતમુહૂર્ત પ્રસંગે રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયાએ જણાવ્યું હતું કે, સમગ્ર જિલ્લામાં વિકાસકાર્યો તેજ ગતિએ આગળ ધપી રહ્યા છે. રાજ્ય સરકારે મોટું મન રાખીને ખેડૂતોને રૂ. ૧૦ હજાર કરોડનું કૃષિ રાહત પેકેજ આપ્યું હતું. રાજ્યમંત્રીશ્રીએ અમરેલીમાં જિલ્લામાં વિવિધ વિકાસકામોની ભેટ બદલ રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીનો ધન્યવાદ વ્યક્ત કર્યો હતો.
અમરેલીના જાળીયા અને રાંઢીયા મુકામે વિવિધ વિકાસકામોના ખાતમુહૂર્ત પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી સુરેશભાઈ પાથર, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત સભ્યશ્રીઓ, સરપંચશ્રીઓ, ગ્રામ પંચાયત સભ્યશ્રીઓ, સ્થાનિક અગ્રણીશ્રીઓ, ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.


















Recent Comments