ડિસ્ટ્રિક્ટ એન્ફોર્સમેન્ટ સ્ક્વોડ અમરેલી દ્વારા જિલ્લામાં તમાકુ નિયંત્રણને વધુ અસરકારક બનાવવા માટે વિવિધ વિભાગોના સંયુક્ત સહયોગથી કામગીરી હાથ ધરવામાં આવી છે. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી તથા નોડલ અધિકારી (તમાકુ નિયંત્રણ કાર્યક્રમ)ના નેતૃત્વમાં જિલ્લા કલેક્ટરશ્રી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રીની સૂચના અને માર્ગદર્શન અન્વયે તમાકુ નિયંત્રણ અધિનિયમ – ૨૦૦૩ (COTPA-2003) અંતર્ગત તપાસ અને કાર્યવાહી કરવામાં આવી રહી છે.
જિલ્લામાં આરોગ્ય વિભાગ, પોલીસ વિભાગ, માહિતી નિયામકશ્રીની કચેરી, પ્રાથમિક તેમજ માધ્યમિક શિક્ષણ વિભાગ, આર.ટી.ઓ. અને સ્થાનિક સંસ્થાઓના સંયુક્ત ટીમ દ્વારા છેલ્લા સમયગાળા દરમિયાન જાહેર સ્થળો પર ધુમ્રપાન કરનારાઓ, પ્રતિબંધિત સ્થળોએ તમાકુ ઉત્પાદનોના વેચાણ તેમજ નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે.
તમાકુ ઉત્પાદનોના પેકેટ પર કાયદેસર ચેતવણી ન હોવી, શાળાઓ તથા શૈક્ષણિક સંસ્થાઓની ૧૦૦ ગજની અંદર તમાકુ વેચાણ, તેમજ જાહેર સ્થળોએ ધુમ્રપાન જેવા ગુનાઓ બદલ તમાકુ નિયંત્રણ અધિનિયમ–૨૦૦૩ની વિવિધ કલમો હેઠળ દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી છે. આ કાર્યવાહી દરમિયાન દંડની રકમ વસુલ કરી સરકારી ખાતામાં જમા કરાવવામાં આવી છે.
આ કાર્યવાહી અંતર્ગત અમરેલી શહેરના નાગનાથ બસસ્ટેન્ડ, લાઠી રોડ, કોલેજ સર્કલ, માર્કેટીંગ યાર્ડ, સ્ટેશન રોડ, બાયપાસ વિસ્તારમાં ૫૯ વિક્રેતાઓને ત્યાં ચેકીંગ હાથ ધરી તમાકુ નિયંત્રણ અધિનિયમ-૨૦૦૩ની વિવિધ કલમોના ભંગ હેઠળ કુલ ૧૪ કેસ કરી રૂ. ૨,૬૦૦નો દંડ કરવામાં આવ્યો છે.
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીએ જનતાને અપીલ કરી છે કે, તમાકુના ઉપયોગથી થતી ગંભીર આરોગ્ય હાનિને ધ્યાનમાં રાખી, જાહેર આરોગ્યના હિતમાં તમાકુથી દૂર રહે અને કાયદાનું પાલન કરે. સાથે જ તમામ વેપારીઓ અને નાગરિકોને તમાકુ નિયંત્રણ અધિનિયમ–૨૦૦૩ના નિયમોનું કડક પાલન કરવા અનુરોધ કરવામાં આવ્યો છે તેમ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી-વ-નોડલ અધિકારીશ્રી (ટોબેકો કંટ્રોલ) દ્વારા એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.


















Recent Comments