અમરેલી

પરિસ્થિતિ બદલાઈ પણ સંસ્મરણો અકબંધ: ચલાલાની રાવળ શેરી અને ભટ્ટ શેરીની વિસરાયેલી વૈભવી સ્મૃતિઓ.

​​બદલાઈ ગઈ પરિસ્થિતિ પણ                        યાદના હૈયા કદી સુકાતા નથી,

આ ધંધાદારી રાહમાં પણ એ                  લીલાછમ સ્મરણો વિસરાતા નથી.

–“પાંધી સર” 

સમયનું ચક્ર નિરંતર ફરતું રહે છે અને પરિસ્થિતિઓ બદલાતી રહે છે, પરંતુ બાળપણના સ્મરણો હૃદયના કોઈ ખૂણે કાયમ માટે લીલાછમ રહે છે. દાન મહારાજની પવિત્ર ભૂમિ તરીકે ઓળખાતું ચલાલા એક સમયે આસપાસના પંદરથી વીસ ગામોનું વ્યાપારી કેન્દ્ર (હટાણું) હતું. આ ભૂમિ માત્ર વેપારનું જ નહીં, પરંતુ નાગરદાસ દોશી (નાગરબાપા), નરસિંહ દાસ ગોંધિયા, નંદલાલભાઈ જોષી, નાથાલાલ ચંદારાણા, નાથાલાલ ઉનડકટ, નાગજીભાઈ અંટાળા અને વીરજીભાઈ કાકડીયા જેવા મહાનુભાવો દ્વારા રોપાયેલા નૈતિક મૂલ્યો અને આદર્શ પંચાયતી રાજનું પ્રતીક રહી છે.

ગામની રાવળ શેરી અને ભટ્ટ શેરી વચ્ચેનો આંતરિક નાતો એવો હતો કે એક શેરીમાંથી બીજી શેરીમાં આસાનીથી અવરજવર થઈ શકતી. રાવળ શેરી ભલે વાંકીચૂકી હતી, પરંતુ ત્યાં વસતા લોકો અત્યંત સીધા અને માયાળુ હતા. શેરીના ખૂણે આવેલી લાલભાઈ મોચીની દુકાન, સામે ફીદુભાઈની હાર્ડવેરની દુકાન અને બાબુભાઈ મીના ટ્રાન્સપોર્ટ વાળાનું મકાન અતીતની યાદ અપાવે છે.

*​આ જ શેરીમાં મોહનભાઈ માસ્તર, ત્રિભુવનભાઈ દરજી અને પત્રકાર બિપીનભાઈ પાંધી (પાંધીસર) અને લઘુબંધુ મુકેશભાઈ પાંધીના પિતાજી હરગોવિંદભાઈ મૂળજીભાઈ પાંધીનું ઘર આવેલું હતું.* ગુલાબભાઈ સોનીનો પરિવાર તથા આજે ‘દાનેવ ભજીયા’ તરીકે પ્રખ્યાત વાસુરભાઈનું મકાન પણ અહીં જ છે હા આ જ શેરીમાં પ્રવેશતા જ નિષ્ઠાવાન પોસ્ટ કર્મચારી ગોલણબાપુ દરબાર પણ નિવાસ કરતા આ શેરી પાસેથી પસાર થઈએ ત્યારે નવરાત્રિમાં ગરબી માટે ફાળો ઉઘરાવવાની સ્મૃતિઓ આજે પણ તાજી થાય છે.

​આ જ રાવળ શેરીમાં રહેતા નંદલાલભાઈ જોષીના ઘરે જેનો જન્મદિવસ આવતી કાલે છે એવા કાનજી ભુટા બારોટ, નટુભાઈ જોષી, પી. સી. મગદાણી, એમ. આર. ભટ્ટ સાહેબ, છેલભાઈ જોષી અને પૂજ્ય મોરારીબાપુ જેવા રાજનેતાઓ તથા સાહિત્યકારોની બેઠકો જામતી અને રાત સુધી સાહિત્યની રમઝટ ચાલતી. અને આ જ રાવળ શેરીમાં જે.પી.નો ઈલ્કાબ ધરાવતા અને કાનૂની વિદ્યાના નિષ્ણાત નાથાલાલ કાનજીભાઈ ઉનડકટ (નાથાબાપા)નું જાજરમાન વ્યક્તિત્વ હતું. પચાસ વર્ષ પહેલાં તેમના પુત્ર જયેન્દ્રભાઈ અમેરિકા ગયા ત્યારે આખી શેરી શુભેચ્છા આપવા ઉમટી પડી હતી. આ ઉપરાંત આર. કે. એમ. એમ. હાઈસ્કૂલના દાતા દુલેરાય મહેતાનું જૂનું નિવાસસ્થાન પણ આ જ શેરીમાં હતું.

ભટ્ટ શેરીમાં ભગવાનભાઈ દરજીના ઘર પાસેથી સીધો રસ્તો દાનબાપુની જગ્યા તરફ જતો. અહીં આવેલ ‘માધવ ભુવન’માં સ્વાધ્યાયી લહેરી પરિવાર દ્વારા રાત્રે થતા શ્લોકગાન વાતાવરણને પવિત્ર બનાવતા. આ જ ગાળામાં ‘ઝરૂખા મંડળ’ની સ્થાપના થઈ અને પ્રેમજીભાઈ નથવાણીના માર્ગદર્શન હેઠળ મૂળીમાની જગ્યામાં ગુરુવારે જલારામ બાપાની ધૂન શરૂ થઈ, જે આજે લાખો શ્રદ્ધાળુઓનું આસ્થાકેન્દ્ર છે.

​આ સિવાય આર. કે. એમ. એમ. હાઈસ્કૂલના વિનોદી સ્વભાવના સીદીબાપુ, લોટ દળવાની ઘંટી, ઈસાભાઈ ધુપેલ તેલ વાળા, પટેલ શેરીના બાબુભાઈ કરિયાણાવાળાનું પાંચ પૈસાનું પળી દૂધ અને બે પૈસાની ચકલી છાપ ચા, અમન આર્ટ સ્ટુડિયો, ફિરોજભાઈની ફોટોગ્રાફી, ટપુભાઈ બકાલીનો માયાળુ સ્વભાવ અને જનતા ટી સ્ટોલ વાળા ગફારભાઈનો શાહી ઠાઠ… આ બધી જ યાદો આજે પણ અકબંધ છે. લોહાણા મહાજન વાડીના ચોકમાં ઉજવાતો પ્રાચીન ગરબા મહોત્સવ એ ચલાલાના સુવર્ણકાળની સાક્ષી પૂરે છે. મારા જીવનના સડસઠ વર્ષમાં ચલાલાની સુરતમાં ઘણા પરિવર્તનો આવ્યા પરંતુ એ બચપણના સંસ્મરણો અને વૈભવ હજુ પણ માનસપટ પર લીલાછમ છે. 

​

Related Posts