કાંટા ઉદ્યોગ માટે વિશ્વભરમાં વિખ્યાત અને હાલ વિકાસના પંથે હરણફાળ ભરી રહેલું સાવરકુંડલા શહેર આજે એક પાયાની જરૂરિયાત માટે વલખાં મારી રહ્યું છે. શહેરમાં આઈકોનિક રોડ, ઓડિટોરિયમ અને અટલ સરોવર જેવા પ્રોજેક્ટ્સ સાકાર થઈ રહ્યા છે, પરંતુ સોનાની થાળીમાં લોઢાની મેખ સમાન નાવલી નદીના પટમાં ભરાતી શાકમાર્કેટ શહેરના આયોજન સામે અનેક સવાલો ઉભા કરે છે.
વર્ષોથી નાવલી નદીના પટમાં શાકભાજીના વિક્રેતાઓ પોતાનો વ્યાપાર કરે છે. પરંતુ જ્યારે ચોમાસામાં નાવલી તોફાને ચડે છે, ત્યારે આ શાકમાર્કેટની હાલત કફોડી બની જાય છે. વિક્રેતાઓને બિલાડીના બચ્ચાની જેમ માલ-સામાન લઈને રોડ પર આશરો લેવો પડે છે. આ અસ્થિરતાને કારણે ટકનું રળીને ખાતા નાના વેપારીઓ અને ગ્રાહકો બંનેને ભારે હાલાકી ભોગવવી પડે છે.
સ્થાનિકોના જણાવ્યા અનુસાર, અગાઉ તંત્ર દ્વારા સાવર અને કુંડલા બંને વિસ્તારમાં શાકમાર્કેટ બનાવવામાં આવી હતી. પરંતુ લોકેશનની પસંદગીમાં થયેલી થાપને કારણે આજે આ ઇમારતો ખાલીખમ ખંડેર જેવી હાલતમાં ઉભી છે. આ નિષ્ફળતામાંથી બોધપાઠ લઈને હવે શહેરના મધ્ય ભાગમાં, જ્યાં લોકોની અવરજવર વધુ હોય, ત્યાં એક કેન્દ્રીય (Central) શાકમાર્કેટ બનાવવાની માંગ પ્રબળ બની છે.હાલ નાવલી નદી પર કરોડોના ખર્ચે રિવરફ્રન્ટનું નિર્માણ થઈ રહ્યું છે અને નર્મદાની પાઈપલાઈન દ્વારા નદીને પુનઃજીવિત કરવાના પ્રયાસો થઈ રહ્યા છે, જે આવકારદાયક છે. પરંતુ આ આધુનિકીકરણની વચ્ચે શાકમાર્કેટ જેવા લોકઉપયોગી સ્થળ માટે કોઈ સુવિધા કે સ્થળાંતરનું આયોજન દૂર-દૂર સુધી દેખાતું નથી.
”શાકમાર્કેટ એ એવી જગ્યા છે જ્યાં અમીર હોય કે ગરીબ, દરેક નાગરિકે રોજ મુલાકાત લેવી પડે છે. આ શહેરના હાર્દ સમાન વિસ્તારમાં જો સુવિધા ન હોય તો વિકાસ અધૂરો ગણાય.” — સ્થાનિક નાગરિક
શહેરના સ્માર્ટ જી.આઈ.ડી.સી. અને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ જેવા પ્રોજેક્ટ્સ બાદ હવે જનતાની મીટ ધારાસભ્યશ્રી પર મંડાયેલી છે. કોર્ટના ટેકનિકલ નિર્ણયોની રાહ જોયા વગર, વહીવટી તંત્ર સાથે સંકલન સાધીને શહેરને એક આધુનિક અને સુવિધાયુક્ત શાકમાર્કેટ અપાવવા માટે ધારાસભ્ય કમર કસે તે સમયની માંગ છે.
સાવરકુંડલાની અસ્મિતા અને નાવલીની સોડમને બરકરાર રાખવા માટે એક સુવ્યવસ્થિત શાકમાર્કેટ હવે અનિવાર્ય બની ગઈ છે.


















Recent Comments