અમરેલી

સાવરકુંડલામાં લોકશાહીનું ‘ચીરહરણ’: ૭,૦૦૦ જીવિત મતદારોના નામ કમી કરવાનું મસમોટું કૌભાંડ?

લોકશાહીના પર્વ સમાન ચૂંટણી પ્રક્રિયા પહેલા જ સાવરકુંડલા પંથકમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ (SIR) દરમિયાન એક ચોંકાવનારું કૌભાંડ સામે આવ્યું છે. સાવરકુંડલા નગરપાલિકાના સદસ્ય નાસીરભાઈ ચૌહાણે સ્થાનિક પોલીસ મથકે લેખિત અરજી આપી ૭,૦૦૦થી વધુ જીવિત મતદારોના નામ યાદીમાંથી દૂર કરવાના ષડયંત્ર બદલ ત્રાહિત વ્યક્તિઓ સામે ગુન્હો નોંધવાની માંગ કરી છે. આ ઘટનાને પગલે સ્થાનિક રાજકારણમાં ભારે ગરમાવો વ્યાપી ગયો છે.

​શું છે સમગ્ર મામલો?

​હાલમાં સમગ્ર ગુજરાતમાં ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદી સુધારણાની કામગીરી ચાલી રહી છે. આ પ્રક્રિયા દરમિયાન સાવરકુંડલા શહેરમાં BLO (બૂથ લેવલ ઓફિસર) દ્વારા સત્તાવાર રીતે જે કામગીરી કરવામાં આવી છે તેની સામે કોઈ વાંધો નથી, પરંતુ આક્ષેપ એવો છે કે આશરે ૪૫ જેટલી વ્યક્તિઓએ સંગઠિત થઈને એક ગુનાહિત ષડયંત્ર રચ્યું છે.

​આ વ્યક્તિઓએ સાવરકુંડલા મામલતદાર કચેરીની ચૂંટણી શાખામાં ફોર્મ નં. ૭ (નામ રદ કરવા માટેનું ફોર્મ) ભરીને અંદાજે ૭,૦૦૦થી વધુ એવા મતદારોના નામ કમી કરાવવાનો પ્રયાસ કર્યો છે, જેઓ ખરેખર જીવિત છે અને પોતાના નિયત સરનામે જ વસવાટ કરે છે.

​‘આ તો લોકશાહીના મૂલ્યોની હત્યા’: નાસીરભાઈ ચૌહાણ

​નગરસેવક નાસીરભાઈ ચૌહાણે પોતાની રજૂઆતમાં આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે,

​”નિર્દોષ નાગરિકોના મતાધિકાર પર તરાપ મારનારા તત્વો ખરા અર્થમાં ‘ત્રાસવાદી’ સમાન છે. હયાત વ્યક્તિનું અસ્તિત્વ રેકર્ડ પરથી નિર્મૂળ કરવું એ તેની હત્યા કરવા સમાન ઘોર નીંદનીય કૃત્ય છે. આવા તત્વો લોકશાહી માટે કલંક છે.”

​તપાસ માટેની મુખ્ય માંગણીઓ:

​ મામલતદાર કચેરીમાં જમા થયેલા તમામ શંકાસ્પદ ફોર્મ નં. ૭ તાત્કાલિક કબજે કરવામાં આવે. ફોર્મમાં ભરેલા અક્ષરો કોના છે તે જાણવા માટે ફોરેન્સિક હેન્ડ રાઈટિંગ એક્સપર્ટનો અભિપ્રાય લેવામાં આવે.

 ખોટી માહિતી આપનાર ૪૫ વ્યક્તિઓ અને જો કોઈ સરકારી અધિકારીની મિલીભગત હોય, તો તેમની સામે પણ કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે.

​રાજકીય ગરમાવો વધવાની શક્યતા

​એકસાથે આટલી મોટી સંખ્યામાં મતદારોના નામ દૂર કરવાના પ્રયાસ પાછળ કોઈ મોટું રાજકીય હિત છુપાયેલું છે કે કેમ, તે ચર્ચાનો વિષય બન્યો છે. પોલીસ આ મામલે હવે કેવા પગલાં ભરે છે અને ચૂંટણી પંચ આ ગંભીર બેદરકારી કે ષડયંત્ર સામે શું એક્શન લે છે તેના પર સૌની મીટ મંડાયેલી છે. આવનારા દિવસોમાં આ મુદ્દો સાવરકુંડલા જ નહીં પણ આખા જિલ્લામાં વધુ ગરમાય તેવી પૂરેપૂરી સંભાવના છે.

Related Posts