ગુજરાત

રાજ્યની તમામ શાળાઓ માટે ‘સ્કૂલ ક્વૉલિટી એસેસમેન્ટ એન્ડ એશ્યોરન્સ ફ્રેમવર્ક’ વિષયક એકદિવસીય તાલીમ યોજાશે: ૫મી ઓગસ્ટે BISAG-N ના માધ્યમથી GCERT દ્વારા આયોજન

  • રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) ૨૦૨૦ અંતર્ગત રાજ્યની તમામ શાળાઓનું SQAAF માળખા મુજબ થશે ગુણવત્તાસભર મૂલ્યાંકન
  • શૈક્ષણિક વર્ષ ૨૦૨૬-૨૭ થી સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી શાળાઓમાં એકસમાન રીતે અમલીકરણ
  • ૬ મુખ્ય ક્ષેત્રોના ૨૧૧ માપદંડો આધારે થશે મૂલ્યાંકન: તમામ આચાર્યો અને શિક્ષકોને તાલીમમાં જોડાવા GCERT ની અપીલ

રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) ૨૦૨૦ ના સુચારુ અમલીકરણ અને શાળાઓના સર્વગ્રાહી તથા પારદર્શી મૂલ્યાંકન માટે શિક્ષણ વિભાગ દ્વારા ‘સ્કૂલ ક્વૉલિટી એસેસમેન્ટ એન્ડ એશ્યોરન્સ ફ્રેમવર્ક’ (SQAAF) અમલી બનાવવામાં આવ્યું છે. આ નવીન માળખા અંગે રાજ્યની તમામ શાળાઓને સજ્જ કરવાના હેતુથી ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ GCERT દ્વારા આગામી તા.૦૫ મી ઓગસ્ટ, સવારે ૧૧:૦૦ કલાકે BISAG-N ના માધ્યમથી એક દિવસીય રાજ્યવ્યાપી તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ગુણોત્સવ ૨.૦ કાર્યક્રમ હવે રાષ્ટ્ર કક્ષાના માપદંડો અને NCERT ના માર્ગદર્શક માળખાને આધારે તૈયાર કરાયેલ SQAAF મુજબ યોજવામાં આવશે. મુખ્યમંત્રીશ્રી દ્વારા ગત જૂન માસમાં આ SQAAF નું વિધિવત લોકાર્પણ કરવામાં આવ્યું હતું. શૈક્ષણિક વર્ષ ૨૦૨૬-૨૭ થી રાજ્યની તમામ સરકારી, ગ્રાન્ટ-ઈન-એઈડ તેમજ ખાનગી શાળાઓના તમામ તબક્કાઓમાં આ માળખું લાગુ કરવામાં આવ્યું છે.

SQAAF પોર્ટલના માધ્યમથી શાળાઓનું મૂલ્યાંકન મુખ્ય ૬ ક્ષેત્રોના ૨૧૧ માપદંડોના આધારે કરવામાં આવશે. જેમાં અધ્યયન અને અધ્યાપન, મૂલ્યાંકન, શાળા વ્યવસ્થાપન સર્વાંગી વિકાસની પ્રવૃત્તિઓ, શાળા સંસાધનો, શાળા છાત્રાલય જેવા વિષયો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.

આ પ્રક્રિયા બે તબક્કામાં હાથ ધરાશે. જેમાં પ્રથમ તબક્કામાં રાજ્યની તમામ શાળાઓએ SQAAF પોર્ટલ પર સ્વ-મૂલ્યાંકન કરવાનું રહેશે. બીજા તબક્કામાં સ્વ-મૂલ્યાંકન પૂર્ણ કરનાર શાળાઓમાંથી મહત્તમ ૩૩ ટકા શાળાઓમાં બાહ્ય મૂલ્યાંકન કરવામાં આવશે.

શાળાઓના આખરી મૂલ્યાંકન રિપોર્ટ કાર્ડ પબ્લિક ડિસ્ક્લોઝરના ભાગરૂપે SQAAF પોર્ટલ પર જાહેર જનતા માટે મૂકવામાં આવશે.
GCERT દ્વારા રાજ્યની તમામ સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી શાળાઓના આચાર્યશ્રીઓ તેમજ શિક્ષકશ્રીઓને ૫મી ઓગસ્ટે યોજાનાર આ ઓનલાઈન તાલીમમાં સક્રિય રીતે જોડાવા અનુરોધ કરવામાં આવ્યો છે.

Related Posts