સાવરકુંડલા નગરપાલિકાના શ્રમ યોગી સંગઠન હેઠળના તમામ વિભાગના રોજમદાર કર્મચારીઓ ગાંધી ચિંધ્યા માર્ગે આજે પોતાની વિવિધ પડતર માંગણીઓને લઈને અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરી જતાં શહેરમાં વહીવટી તંત્ર અને જનજીવન પર વ્યાપક અસર જોવા મળી રહી છે. ખાસ કરીને પાણી વિતરણ અને ગટર સફાઈ જેવી પાયાની સેવાઓ ખોરવાઈ જતાં શહેરીજનો ભારે મુશ્કેલીમાં મુકાયા છે.
કર્મચારી સંગઠન દ્વારા મુખ્યત્વે નીચે મુજબના મુદ્દાઓ પર ભાર મૂકવામાં આવ્યો છે:
પગાર વધારા સાથે સરકારના ધારાધોરણ મુજબ લઘુત્તમ વેતનની માંગ.
બીજા અને ચોથા શનિવારે રજા આપવાની માંગણી. હાઈકોર્ટના પરિપત્રોનું તાકીદે અમલીકરણ.
નિર્મળભાઈ ખુમાણ, યુવરાજભાઈ વિછીયા, જયરાજભાઈ ખુમાણ, નકુલભાઈ વિઠલાણી તેમજ ચંદુભાઈ તેરૈયા અને અન્ય આઠ વ્યક્તિઓના કોર્ટ કેસ બાબતે યોગ્ય નિરાકરણ લાવવું
હડતાળની ગંભીરતાને જોતા નગરપાલિકા પ્રમુખ મેહુલભાઈ ત્રિવેદી પોતે મેદાનમાં આવ્યા છે. આજે નગરપાલિકાના પટાંગણમાં જઈને તેમણે હડતાળ પર ઉતરેલા કર્મચારીઓ સાથે પ્રત્યક્ષ સંવાદ સાધ્યો હતો. નગરપાલિકા સ્તરે જે પ્રશ્નો ઉકેલી શકાય તેમ છે, તેનો વહેલી તકે હલ લાવવા માટે તેઓ સતત મનોમંથન અને વાટાઘાટો કરી રહ્યા છે. શ્રમ યોગી સંગઠનના આગેવાનો સાથે બેસીને વચગાળાનો રસ્તો કાઢવા માટે તંત્ર દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી રહી છે. ઈમરજન્સી સેવાઓ ચાલુ રહેશે
હડતાળ હોવા છતાં, શ્રમ યોગી સંગઠને જવાબદારીપૂર્વક નિર્ણય લીધો છે કે આગ જેવી કોઈ દુર્ઘટનાના સમયે ‘ફાયર બ્રિગેડ’ અને અન્ય ઈમરજન્સી સેવાઓના કર્મચારીઓ પોતાની ફરજ બજાવશે, જેથી કોઈ જાનહાનિ ન થાય.
બીજી તરફ, સફાઈ અને પાણી વગર હાલાકી ભોગવી રહેલા સાવરકુંડલાના રહીશો ઈચ્છી રહ્યા છે કે પાલિકા તંત્ર અને કર્મચારીઓ વચ્ચેનો આ ગતિરોધ વહેલી તકે દૂર થાય અને શહેરની સુખાકારી ફરી પૂર્વવત બને. હવે જોવાનું એ રહેશે કે પાલિકાની આ વાટાઘાટો શું રંગ લાવે છે.??


















Recent Comments