અમરેલીના આંગણે વર્ષે ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી થવાની છે. ત્યારે આ ઐતિહાસિક અવસરને ભવ્ય, ગૌરવપૂર્ણ અને જનભાગીદારીથી યાદગાર બનાવવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તા. ૦૧ થી ૧૪ ઓગસ્ટ દરમિયાન પ્રિ-ઇન્ડિપેન્ડન્સ ડે એક્ટિવિટીઝ અંતર્ગત રાષ્ટ્રપ્રેમ, સ્વચ્છતા, પર્યાવરણ સંરક્ષણ, સાંસ્કૃતિક અને જનકલ્યાણને કેન્દ્રસ્થાને રાખી વિવિધ રચનાત્મક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
જિલ્લા કલેક્ટર શ્રી વિકલ્પ ભારદ્વાજના માર્ગદર્શન અને પ્રોબેશનર આઈ.એ.એસ સુશ્રી હર્ષિતા ગોયલના દિશાનિર્દેશ હેઠળ સમગ્ર જિલ્લામાં આ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
આ આયોજન અંતર્ગત તા. ૦૧થી ૧૩ ઓગસ્ટ દરમિયાન જિલ્લાના તમામ શહેરો, ગામો અને શૈક્ષણિક સંસ્થાઓમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરાશે. તા. ૪ ઓગસ્ટે આંગણવાડી કેન્દ્રોમાં સફાઈ અભિયાન સાથે બાળકોને સ્વચ્છતાના શપથ લેવડાવવામાં આવશે.
રાષ્ટ્રપ્રેમને સર્જનાત્મક અભિવ્યક્તિ મળે તે માટે શોર્ટ ફિલ્મ અને રિલ્સ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. ઉપરાંત તા. ૫ ઓગસ્ટે સ્વાતંત્ર્ય પર્વ વિષયક ચિત્ર સ્પર્ધા, તા. ૬ ઓગસ્ટે નિબંધ સ્પર્ધા તેમજ તા. ૭ ઓગસ્ટે રંગોળી અને સિંગિંગ કોમ્પિટિશન યોજાશે.
તા. ૮ ઓગસ્ટે શાળાઓમાં દેશભક્તિનો સંદેશ આપતી રેલી, વક્તૃત્વ સ્પર્ધા, ક્વિઝ સ્પર્ધા અને વિવિધ રમતગમત પ્રવૃત્તિઓ યોજાશે. જ્યારે તા. ૯ ઓગસ્ટે જનભાગીદારીને પ્રોત્સાહન આપવા વોકાથોન, બહેનો માટે ટ્રેડિશનલ પરફેક્ટ મેચિંગ તેમજ દરિયા પૂજનના કાર્યક્રમો યોજાશે. આ જ દિવસે અમરેલી સહિત જિલ્લાના શહેરી વિસ્તારોમાં વોલ પેઇન્ટિંગ દ્વારા રાષ્ટ્રપ્રેમનો સંદેશ પ્રસરાવવામાં આવશે.
તા. ૧૦ ઓગસ્ટે વિશ્વ સિંહ દિવસ ઉજવણી, હેરિટેજ વોક, હેરિટેજ ફોટોગ્રાફી સ્પર્ધા અને પ્રદર્શન, સંગીત સંધ્યા તેમજ જરૂરિયાતમંદ પરિવારોને રાશન કિટ વિતરણ કરવામાં આવશે. તા.૧૧ ઓગસ્ટે વિવિધ વિકાસકાર્યોના લોકાર્પણ -ખાતમુહૂર્તના કાર્યક્રમો યોજાશે.
તા. ૧૨ ઓગસ્ટે સ્વાતંત્ર્ય પર્વ આધારિત મહેંદી સ્પર્ધા, શાળા તેમજ ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં વૃક્ષારોપણ અભિયાન હાથ ધરાશે. આ ઉપરાંત આંગણવાડી કેન્દ્રોમાં દેશભક્તિ વિષયક વેશભૂષા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
પ્રિ-ઇન્ડિપેન્ડન્સ કાર્યક્રમોની શ્રેણીના અંતિમ તબક્કામાં તા. ૧૩ ઓગસ્ટે સિંગલ યુઝ પ્લાસ્ટિક મુક્તિ અંગે જાગૃતિ અભિયાન, શાળા કક્ષાએ વેશભૂષા સ્પર્ધા, તિરંગા યાત્રા અને બીચ ક્લીનિંગ અભિયાન યોજાશે. જ્યારે તા. ૧૪ ઓગસ્ટે પ્રભાતફેરી, ટીબીના દર્દીઓ માટે અક્ષય કિટનું વિતરણ, દરિયામાં ધ્વજવંદન, રોપા વિતરણ, વન વિસ્તારોમાં સ્વચ્છતા અભિયાન તેમજ રાષ્ટ્રધ્વજ વિતરણ અને જનજાગૃતિ કાર્યક્રમો યોજાશે
જિલ્લા વહીવટી તંત્રએ જિલ્લાના નાગરિકોને આ તમામ કાર્યક્રમોમાં ઉત્સાહભેર સહભાગી બનવા માટે અપીલ કરી છે

















Recent Comments