ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ, અમરેલીના નેજા હેઠળ દડવા રાંદલ મુકામે પ્રાકૃતિક કૃષિ તાલીમશાળાનું સફળ આયોજન હાથ ધરવામાં આવ્યું હતું. તાલીમશાળામાં પ્રાકૃતિક કૃષિના વિવિધ આયામો વિષયક વિસ્તૃત માહિતી અને માર્ગદર્શન ખેડૂતોને આપવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં મહિલા ખેડૂતોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ તાલીમશાળાનો લાભ મેળવ્યો હતો. તાલીમશાળા દ્વારા ખેડૂતોને પર્યાવરણમિત્ર અને ખર્ચ બચતવાળી પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવવા પ્રેરણા પૂરી પાડવામાં આવી હતી.
દડવા રાંદલ ગામના ખેડૂતોએ પ્રાકૃતિક કૃષિમાં બીજ સંરક્ષણ અને સ્વદેશી બીજનો ઉપયોગ, જીવામૃત અને ઘનજીવામૃત દ્વારા જમીન પોષણ, આચ્છાદન (મલ્ચિંગ), જીવાત અને રોગ નિયંત્રણના કુદરતી ઉપાયો, વૈવિધ્યસભર ખેતી અને પ્રાકૃતિક સંતુલન ઉપરાંત રાસાયણિક ખેતી થકી માનવ આરોગ્ય પર ખતરો અને જમીનની ઘટતી જતી ગુણવત્તા સંદર્ભે માહિતી પ્રાપ્ત કરી હતી. એગ્રીકલ્ચર આસિસ્ટન્ટ શ્રી જનકભાઈ ચાવડા દ્વારા ભવિષ્યમાં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ અને ખેડૂત સમૃદ્ધિ સહિતની બાબતો પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, સમગ્ર ગુજરાતમાં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ સતત અને નિરંતર વધી રહ્યો છે.
અમરેલી જિલ્લામાં પણ અનેક ખેડૂતોએ પરંપરાગત કૃષિ પદ્ધતિ છોડીને ગૌ આધારિત પ્રાકૃતિક કૃષિ પદ્ધતિને અપનાવી છે. જિલ્લામાં પ્રાકૃતિક કૃષિ અન્વયે ધાન્ય પાકો, બાગાયતી પાક, કઠોળ સહિત વિવિધ પાકોનું વાવેતર કરવામાં આવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, પ્રાકૃતિક કૃષિ વિષયક તાલીમશાળાઓ થકી ખેડૂતોમાં સ્વસ્થ જમીન, ગુણવત્તાસભર પાક ઉત્પાદન અને સ્થિર કૃષિ વ્યવસ્થા અંગે સકારાત્મક દૃષ્ટિકોણ વિકસે છે.




















Recent Comments