શ્રી નૂતન કેળવણી મંડળ, સાવરકુંડલા સંચાલિત જે.વી.મોદી હાઇસ્કુલ ખાતે શૈક્ષણિક વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન વિવિધ ક્ષેત્રે ઝળકેલા તેજસ્વી તારલાઓનો ‘સન્માન સમારોહ’ અને ધોરણ ૧૦ તથા ૧૨ ના વિદ્યાર્થીઓનો ‘વિદાય સમારંભ’ ભાવસભર વાતાવરણમાં યોજાઈ ગયો હતો.
વર્ષ દરમિયાન શાળામાં આયોજિત સહ-અભ્યાસક પ્રવૃત્તિઓ જેવી કે સંગીત, ચિત્રકામ, રમતગમત, વિજ્ઞાન-ગણિત પ્રદર્શન, ગ્રાહક સુરક્ષા સપ્તાહ અને વિવિધ પ્રમાણપત્ર પરીક્ષાઓમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને મહાનુભાવોના હસ્તે મોમેન્ટો, ગિફ્ટ અને પ્રમાણપત્રો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં શિક્ષણની સાથે સામાજિક જવાબદારીનું પણ દર્શન થયું હતું. શાળાના વિશિષ્ટ શિક્ષક વિમલભાઈ પંડ્યાના સહયોગથી દિવ્યાંગ બાળકોને મહાનુભાવોના હસ્તે ‘દિવ્યાંગ કીટ’નું વિતરણ કરવામાં આવ્યું હતું, જેને ઉપસ્થિત સૌએ બિરદાવ્યું હતું.
કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનોનું શબ્દો અને પુષ્પગુચ્છથી ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
શ્રી પાંધી સાહેબ (પત્રકાર, ‘આપણું કુંડલા’): તેઓએ શાળાના ભવ્ય ઇતિહાસને યાદ કરી વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે આશીર્વાદ આપ્યા હતા.
શ્રી વિનુભાઈ રાવલ (ટ્રસ્ટી, શ્રી નૂતન કેળવણી મંડળ): તેઓએ બોર્ડની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓને ‘હકારાત્મક અભિગમ’ સાથે આગળ વધવા પ્રેરણા આપી હતી.
શાળાના વિદ્યાર્થી ગોહિલ ઉત્સવે પોતાના શાળા જીવનના સંસ્મરણો અને અનુભવો રજૂ કરતા વાતાવરણ લાગણીસભર બન્યું હતું.
આ પ્રસંગે ટ્રસ્ટના પ્રમુખ શ્રીમતી ચંદ્રિકાબેન કામદાર, ઉપપ્રમુખ કનુભાઈ ગેડીયા અને મેનેજિંગ ટ્રસ્ટી મુકુંદભાઈ નાગ્રેચાએ અનિવાર્ય કારણોસર રૂબરૂ ન આવી શકતા ટેકનોલોજીના માધ્યમથી શુભેચ્છા સંદેશ પાઠવી વિદ્યાર્થીઓનું મનોબળ વધાર્યું હતું. સમગ્ર કાર્યક્રમમાં શ્રી જાબીરભાઈ ચૌહાણ, દીપકભાઈ શેઠ સહિતના મહાનુભાવો, શિક્ષકગણ અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.


















Recent Comments