ભાવનગર

માત્ર 90 દિવસમાં શક્કર ટેટીના વાવેતરથી મેળવી રહ્યાં છે મબલક આવક, પાલિતાણા તાલુકાના લાપાળીયા ગામના ખેડૂત પોપટભાઈ ડાભીની પ્રાકૃતિક ખેતી ફળી

ભાવનગર જિલ્લામાં આવેલ પાલિતાણા તાલુકાના લાપાળીયા ગામના ખેડૂતશ્રી પોપટભાઈ ડાભીએ
પ્રાકૃતિક ખેતી અપનાવીને માત્ર 90 દિવસમાં શક્કર ટેટીના પાકથી નોંધપાત્ર આવક મેળવી પ્રેરણાદાયી
ઉદાહરણ પૂરું પાડ્યું છે.
પોપટભાઈએ ચાર વિઘા જમીનમાં બહુચર પ્રાકૃતિક ફાર્મ હેઠળ શક્કર ટેટીનું વાવેતર કર્યું હતું. આ
પાકમાંથી અંદાજે 800 મણ જેટલું ઉત્પાદન મળવાની શક્યતા છે. હાલ બજારમાં એક મણનો ભાવ અંદાજે
રૂ. 400 થી 600 સુધી મળતા, કુલ મળીને તેમને રૂ. 3 લાખથી વધુ આવક થવાની ધારણા છે.
પોપટભાઈ જણાવે છે કે સંપૂર્ણ પ્રાકૃતિક પદ્ધતિથી ઉગાડેલી શક્કર ટેટી બજારમાં મળતી અન્ય ટેટી
કરતાં વધુ મીઠી અને ગુણવત્તાસભર હોય છે. પરિણામે બજારમાં તેને સારો ભાવ મળે છે અને ગ્રાહકોમાં
તેની માંગ પણ વધી રહી છે.
સુરત, અમદાવાદ અને રાજકોટ જેવા મોટા શહેરોમાં આ શક્કર ટેટીની સારી માંગ છે. ઉપરાંત
ભાવનગરના અમૃત બજારમાં પણ તેનું વેચાણ કરી શકાય છે. ખાસ વાત એ છે કે પોપટભાઈની શક્કર
ટેટીનું મોટાભાગનું વેચાણ તેમના ઘરઆંગણે જ થઈ જાય છે, જેથી બહાર જવાની જરૂર પડતી નથી અને
પરિવહન ખર્ચમાં પણ બચત થાય છે. આ રીતે પ્રાકૃતિક ખેતી અપનાવી ઓછી મુદતમાં વધુ આવક
મેળવતા પોપટભાઈ ડાભી અન્ય ખેડૂતો માટે પ્રેરણાસ્ત્રોત બન્યા છે.

Related Posts