અમરેલી

દેતડ ગામમાં દારૂબંધીના લીરેલીરા.. બુટલેગરોના ત્રાસથી કંટાળી ૧૫૦ જેટલા ગ્રામજનો પોલીસ મથકે ઉમટ્યા

​”નશાના ઓથારે સરેઆમ માનવતા લજવાય છે,

ગામડું તો શાંત હોય એ મુલ્કમાં બુટલેગરોથી જનતા કેવી પીડાય છે.!

​સરેઆમ વેચાય છે ઝેર નશા તણું..!શું કાયદો મૌન છે? કે પછી બેખબર? 

આક્રોશ જનતાનો ક્યાં બહેરા કાને સંભળાય છે?

–” પાંધી સર “–

 દારૂબંધીના કડક અમલની વાતો વચ્ચે સાવરકુંડલા તાલુકાનું દેતડ ગામ હાલ બુટલેગરોના આતંકથી ધ્રૂજી રહ્યું છે. ગામમાં ખુલ્લેઆમ વેચાતા  દારૂ અને તેના કારણે વધતી અસામાજિક પ્રવૃત્તિઓથી કંટાળીને આજે આશરે ૧૫૦ જેટલા ગ્રામજનોએ એકઠા થઈ તાલુકા પોલીસ મથકે ઉગ્ર રજૂઆત કરી હતી.ગ્રામજનોના જણાવ્યા અનુસાર, દેતડ ગામમાં લાંબા સમયથી અમુક તત્વો દ્વારા બેરોકટોક દારૂનું વેચાણ કરવામાં આવે છે. આ દારૂના અડ્ડાઓને કારણે ગામનું વાતાવરણ દૂષિત થઈ રહ્યું છે. પીધેલા શખ્સો દ્વારા અવારનવાર રસ્તા પર નીકળતી મહિલાઓની છેડતી અને ગાળાગાળી કરવામાં આવતી હોવાની ફરિયાદો ઉઠવા પામી છે. સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે કે બુટલેગરો એટલા બેફામ બન્યા છે કે ગામના નિર્દોષ નાગરિકોને ડરાવી-ધમકાવી પણ રહ્યા છે.

આ સંદર્ભે આ પરિસ્થિતિથી પરેશાન થઈ ગામના યુવાનો, વડીલો અને મોટી સંખ્યામાં મહિલાઓ સાવરકુંડલા તાલુકા પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા. “દારૂબંધીનો અમલ કરાવવા તંત્રને સજળ નયને બે હાથ જોડીને વિનંતી કરતા જોવા મળ્યા. આવી પરિસ્થિતિમાં ખાસકરીને મહિલાઓ પોતાની બહેન દિકરીઓની સલામતી અને સુરક્ષા માટે ખૂબ ચિંતિત જોવા મળી. આ સંદર્ભે ગ્રામજનોએ પોલીસ અધિકારીને આવેદનપત્ર આપી માંગ કરી છે કે:

​ગામમાં ચાલતા દારૂના અડ્ડાઓ તાત્કાલિક બંધ કરાવવામાં આવે.​ગામમાં પોલીસ પેટ્રોલિંગ વધારવામાં આવે જેથી અસામાજિક તત્વોમાં કાયદાનો ડર પેસે. 

આ સંદર્ભ પોલીસ અધિકારીએ ગ્રામજનોની રજૂઆતને શાંતિપૂર્વક સાંભળી હતી  કાયદાનો કડક અમલ કરાવાની ખાતરી આપી હતી  જો આગામી દિવસોમાં નક્કર કાર્યવાહી નહીં થાય, તો ગ્રામજનોએ ઉચ્ચ સ્તરે રજૂઆત કરવાની અને આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી હવે જોવાનું એ રહ્યું કે પોલીસ તંત્ર આ સંદર્ભે કાયદાના અમલ કરાવવા માટે કેટલો સમય લે છે?

Related Posts