ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ (GSDMA)ની સૂચના અન્વયે જિલ્લા કલેક્ટરશ્રી, અમરેલીના માર્ગદર્શન હેઠળ જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ, અમરેલી તથા રાજુલા તાલુકા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે રાજુલા તાલુકાના ઝાંપોદર ગામે વાવાઝોડા સંદર્ભે આપત્તિ વ્યવસ્થાપનની મોકડ્રિલ યોજવામાં આવી હતી.
વાવાઝોડા જેવી કુદરતી આપત્તિની સંભવિત પરિસ્થિતિમાં વિવિધ સરકારી વિભાગો વચ્ચે સંકલન સુદૃઢ બનાવવા, તાત્કાલિક બચાવ અને રાહત કામગીરીની સજ્જતા ચકાસવા તથા જાનમાલનું નુકસાન ઓછું થાય તે હેતુથી આ મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું.
મોકડ્રિલ દરમિયાન સંભવિત જોખમવાળા વિસ્તારમાંથી નાગરિકોને સુરક્ષિત રીતે સ્થળાંતરિત કરી સરકારી શાળામાં આશ્રય આપવાની કામગીરીનું નિદર્શન કરવામાં આવ્યું હતું. વાવાઝોડાને કારણે રસ્તા પર વૃક્ષો ધરાશાયી થતાં વાહનવ્યવહાર અવરોધાય તેવી પરિસ્થિતિનું નિરૂપણ કરી વૃક્ષો દૂર કરીને માર્ગ પુનઃ શરૂ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ ઉપરાંત, ઇજાગ્રસ્તોને ૧૦૮ ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવા મારફતે તાત્કાલિક પ્રાથમિક સારવાર પૂરી પાડવાની કામગીરીનું પણ નિદર્શન કરાયું હતું.
આપત્તિ દરમિયાન નાગરિકોએ રાખવાની સાવચેતી, સુરક્ષિત સ્થળે આશ્રય લેવા, જોખમી વિસ્તારોમાં જવાનું ટાળવા તથા વહીવટી તંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરવા અંગે પણ જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તમામ વિભાગોએ પરસ્પર સંકલન સાથે ભાગ લઈ વાવાઝોડા જેવી કુદરતી આપત્તિ દરમિયાન સ્થળાંતર, બચાવ, રાહત અને તાત્કાલિક પ્રતિસાદની કામગીરીનું વ્યવહારુ નિદર્શન કર્યું હતું.
આ પ્રકારની મોકડ્રિલના આયોજનથી આપત્તિ સમયે વિવિધ વિભાગોની જવાબદારીઓ અને સંકલન વ્યવસ્થાની ચકાસણી થાય છે. સાથે જ તાત્કાલિક પ્રતિસાદની ક્ષમતા વધારવા તથા સ્થાનિક નાગરિકોમાં આપત્તિ વ્યવસ્થાપન અંગે જાગૃતિ કેળવવામાં મદદ મળે છે. આ પહેલ દ્વારા વાવાઝોડા જેવી કુદરતી આપત્તિ સામે અસરકારક રીતે પહોંચી વળવા જિલ્લા અને તાલુકા વહીવટી તંત્રની પૂર્વતૈયારીને વધુ સુદૃઢ બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
આ મોકડ્રિલમાં જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલના ડી.પી.ઓશ્રી, ફાયર વિભાગ, ૧૦૮ ઇમરજન્સી સેવા, શિક્ષણ વિભાગ, પોલીસ વિભાગ, આપદા મિત્ર, મામલતદાર કચેરી, જિલ્લા ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (DEOC)ના કર્મચારીશ્રીઓ, પોર્ટ ઓફિસ જાફરાબાદ, તાલુકા વિકાસ અધિકારીશ્રી, ઝાંપોદર ગામના સરપંચશ્રી તથા તલાટી મંત્રીશ્રી સહિત સંબંધિત વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા.

















Recent Comments