”ચહેરા પર જે મહોરાં છે એ ઉતારવા જોઈએ, જનતાના પ્રશ્નો હવે સરેઆમ ગાજવા જોઈએ.”
–“પાંધીસર”
લોકશાહીમાં જનતા જ જનાર્દન છે, પરંતુ આ જનાર્દન દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ પાલિકાના બંધ બારણે યોજાતી ‘સામાન્ય સભા’માં પોતાના વોર્ડના પ્રશ્નો માટે કેટલા સક્રિય છે, તે જાણવાનો હક મતદારોને છે. હાલમાં જ્યારે દેશની લોકસભા, રાજ્યસભા, નામદાર સુપ્રીમ કોર્ટ અને ગુજરાતની તમામ જિલ્લા અદાલતોનું કામકાજ જીવંત પ્રસારણ (Live Streaming) દ્વારા લોકો સુધી પહોંચી રહ્યું છે, ત્યારે સાવરકુંડલા નગરપાલિકાની કાર્યવાહી પણ લાઈવ થવી જોઈએ તેવી માંગણીએ જોર પકડ્યું છે.
નગરપાલિકાના વિવિધ વોર્ડના સભ્યોને લોકો પોતાની સુખાકારી અને પ્રશ્નોના નિકાલ માટે ચૂંટીને મોકલે છે. સામાન્ય સભામાં શહેરના વિકાસના કામો, બજેટ અને નીતિવિષયક નિર્ણયો લેવાતા હોય છે. જો આ સભાનું લાઈવ પ્રસારણ કરવામાં આવે તો:
સભામાં કયા સભ્યએ કયા પ્રશ્નો ઉઠાવ્યા અને સત્તાધારી પક્ષે શું જવાબ આપ્યા તે જનતા નજરે જોઈ શકશે. જે સભ્યો માત્ર હાજરી પૂરાવવા જાય છે અથવા મૌન રહે છે, તેમની કામગીરી લોકો સામે ખુલ્લી પડશે.
જાહેર જનતાની નજર સામે લેવાતા નિર્ણયોમાં ગેરરીતિની શક્યતાઓ નહિવત થઈ જાય છે. આજના ડિજિટલ યુગમાં સોશિયલ મીડિયાના માધ્યમથી શૂન્ય ખર્ચે આ પ્રસારણ શક્ય છે.અરે કથા કે અન્ય કાર્યક્રમો હોય ત્યારે ભાવિકો અને કાર્યકર્તાઓ પણ જે તે પ્રસંગ કે ઘટનાનું લાઈવ કરીને ગૌરવની લાગણી અનુભવે છે. અરે અમુક લોકો તો કોઈ કચેરીમાં થતી કાર્યવાહીને પણ ત્યાં થતી ગતિવિધિ દર્શાવવા એક દસ્તાવેજી આધાર તરીકે પણ લાઈવ કરતા હોય છે ત્યારે નગરપાલિકા જેવી સંસ્થાને સાધારણ સભાનું લાઈવ પ્રસારણ કરવામાં શેનું પેટમાં દુઃખે? શું આ લાઈવ ટેલીકાસ્ટથી રાષ્ટ્રીય સુરક્ષા જોખમાતી હશે? એવો વ્યંગ પણ લોકો કરતા જોવા મળે છે
સ્થાનિક જાગૃત નાગરિકોનું કહેવું છે કે, જો આપણે ડિજિટલ ઇન્ડિયાની વાતો કરતા હોઈએ અને ન્યાયતંત્ર જેવી સંવેદનશીલ સંસ્થાઓ લાઈવ થઈ શકતી હોય, તો સ્થાનિક પ્રશ્નોની ચર્ચા કરતી પાલિકાએ બંધ બારણે કામ કરવાની શું જરૂર? સાવરકુંડલા નગરપાલિકા જો આ પહેલ કરે તો તે સમગ્ર રાજ્યમાં એક આદર્શ ઉદાહરણ પૂરું પાડી શકે છે. હવે જોવાનું એ રહ્યું કે પાલિકા તંત્ર અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ જનતાની આ ‘લાઈવ’ માંગણી સ્વીકારીને લોકશાહીના મૂલ્યોને વધુ મજબૂત બનાવે છે કે નહીં. જો કે આ અંગે જાણવા મળતી માહિતી અનુસાર જો લાઈવ અથવા આમ જનતા આ સભાની કાર્યવાહી જોઈ શકે તો ખરેખર એ ખરાં અર્થમાં રામ રાજ્યની પ્રણાલી કહેવાય.. એમ આમ જનતા માને છે. અને જો કોઈ કાયદાકીય ગૂંચ હોય તો કાયદામાં સુધારો પણ કરી શકાય કારણ કે આફ્ટર ઓલ લોકતંત્ર એટલે લોકો દ્વારા લોકો વડે અને લોકો માટે સુચારું શાસન પ્રણાલી એ જ ખરાં અર્થમાં લોકશાહી ગણાય. અમારા એક મિત્રએ મને અનાયાસે પૂછી લીધું હતું કે સાહેબ આપણે ત્યાં રામ જન્મભૂમિ છતાં ભ્રષ્ટાચારના મૂળ પણ કેમ ઉંડા છે? અને પેલા સિંગાપોર જેવા યવનની ધરતી પર આપણી કરતા કાયદાનું પાલન અને પારદર્શિતાનું પ્રમાણ વધું છે આવું કેમ?? મારી પાસે એને સમજાવવા કોઈ તર્કબધ્ધ દલીલ ન હતી.?!


















Recent Comments