ભાવનગર

રવિ માર્કેટિંગ સીઝન ૨૦૨૬-૨૭ અંતર્ગત લઘુત્તમ ટેકાના ભાવે ઘઉંની સીધી ખરીદી માટે ૨૭ માર્ચ સુધી ઓનલાઈન નોંધણીની તક

ભારત સરકાર દ્વારા રવિ માર્કેટિંગ સીઝન ૨૦૨૬-૨૭ માટે ઘઉંનો લઘુત્તમ ટેકાનો ભાવ રૂ. ૨,૫૮૫ પ્રતિ
ક્વિન્ટલ જાહેર કરવામાં આવેલ છે. રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને તેમના કૃષિ ઉત્પાદનનો પોષણક્ષમ અને વાજબી
ભાવ મળી રહે તે હેતુસર ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ મારફતે ઘઉંની સીધી ખરીદી હાથ
ધરવામાં આવનાર છે.
આ અંતર્ગત લઘુત્તમ ટેકાના ભાવે ઘઉંનું વેચાણ કરવા ઇચ્છુક ખેડૂતો માટે ઓનલાઈન નોંધણી પ્રક્રિયા સમગ્ર
રાજ્યમાં ગ્રામ્ય કક્ષાએ VCE મારફતે તા. ૦૧/૦૨/૨૦૨૬ થી તા. ૦૧/૦૩/૨૦૨૬ સુધી હાથ ધરવામાં આવી હતી.
ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખીને નોંધણી સમયમર્યાદામાં વધારો કરી તા. ૧૩/૦૩/૨૦૨૬ થી તા. ૨૭/૦૩/૨૦૨૬
સુધી નોંધણી ચાલુ રાખવામાં આવેલ છે.
તમામ ખેડૂત મિત્રોને સમયસર નોંધણી કરાવવા અપીલ કરવામાં આવે છે.ખેડૂત ખાતેદાર પાસેથી જ
જથ્થાની ખરીદી બાયોમેટ્રિક ઓથેન્ટીકેશન દ્વારા કરવામાં આવશે.

નોંધણી માટે ખેડૂતોને આધાર કાર્ડની નકલ, અધ્યતન ગામ નમૂનો, ૭/૧૨ અને ૮-અ ના દાખલા, પાક
વાવણીની એન્ટ્રી સંબંધિત દસ્તાવેજો (અથવા તલાટીનો સહી-સિક્કાવાળો દાખલો), બેંક ખાતાની વિગત તથા
પાસબુક/કેન્સલ ચેકની નકલ રજૂ કરવી ફરજિયાત રહેશે.
ટેકાના ભાવે ઘઉં ખરીદી માટે નોંધણી કરાવનાર ખેડૂતોને ખરીદી અંગેની જાણ SMS મારફતે કરવામાં આવશે.
ખરીદી સમયે ખેડૂતે પોતાનું આધાર કાર્ડ અથવા માન્ય ઓળખપત્ર સાથે રાખવાનું રહેશે.
દસ્તાવેજોની ચકાસણી દરમિયાન ખોટી માહિતી કે દસ્તાવેજો જણાશે તો નોંધણી રદ કરવામાં આવશે.
વધુ માહિતી માટે હેલ્પલાઇન નંબર ૮૫૧૧૧૭૧૭૧૮ અને ૮૫૧૧૧૭૧૭૧૯ પર સંપર્ક કરવા જિલ્લા પુરવઠા
અધિકારી અને જિલ્લા મેનેજર, ભાવનગરની અખબારી યાદીમાં જણાવ્યું છે.

Related Posts