અમરેલી

સાવરકુંડલા સ્વામિનારાયણ ગુરુકુળમાં ‘વિશ્વ ચકલી દિન’ની ભવ્ય ઉજવણી… અબોલ જીવોના જતન માટે વિદ્યાર્થીઓ-વાલીઓએ લીધા શપથ. 

​ગુંજશે આંગણું ફરી એ કલરવના સાદથી,

બાંધશે માળો હવે ચકલી મજાના ભાવથી.

​જીવ માત્ર પ્રત્યે કરુણા એ જ સાચું શિક્ષણ છે,

માનવતા મહેકશે અબોલના આશીર્વાદથી.

–“પાંધી સર”

સંસ્કાર અને ચારિત્ર્ય નિર્માણના ધામ ગણાતા શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સાવરકુંડલા સંચાલિત અંગ્રેજી માધ્યમની શાળામાં ૨૦ માર્ચના રોજ ‘વિશ્વ ચકલી દિવસ’ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. પર્યાવરણની જાળવણી અને લુપ્ત થતી જતી ચકલીઓના સંરક્ષણ માટે વિદ્યાર્થીઓમાં જાગૃતિ લાવવાના હેતુથી આ સુંદર કાર્યક્રમનું આયોજન થયું હતું.

​ગુરુકુળના ઘેલાણી હોલમાં આયોજિત આ કાર્યક્રમ સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી પૂજ્ય કોઠારી અક્ષરમુક્તદાસજી સ્વામીના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. આ પ્રસંગે વિદ્યાર્થીઓ પોતે તૈયાર કરેલા કલાત્મક માળાઓ સાથે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ જાણીતા પક્ષીપ્રેમી શ્રી વિનોદભાઈ રાઠોડ રહ્યા હતા, જેઓ દેશભરમાં ચકલીના માળાઓ પહોંચાડવાનું સેવાકાર્ય કરી રહ્યા છે. તેમણે આ પ્રસંગે મોટી સંખ્યામાં માળાઓ શાળાને અર્પણ કરી અબોલ જીવોની સેવા માટે સૌને પ્રેરિત કર્યા હતા.

​કાર્યક્રમના અંતે ઉપસ્થિત તમામ વિદ્યાર્થીઓ અને વાલીઓએ પક્ષીઓના રક્ષણ અને જીવસૃષ્ટિના જતન માટે શપથ ગ્રહણ કર્યા હતા. શાળાના આ પ્રયાસને સાવરકુંડલાના નગરજનોએ બિરદાવ્યો હતો.

Related Posts