અમરેલી

તા. ૨૨ માર્ચે અમરેલીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે જિલ્લામાં રૂ. ૨૫.૨૩ કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ થશે

તા. ૨૨ માર્ચને રવિવારના રોજ રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે અમરેલી જિલ્લામાં વિવિધ વિભાગોના કુલ રૂ. ૨૫.૨૩ કરોડના ૧૦ વિકાસકાર્યોનું લોકાર્પણ કરવામાં આવશે. આ વિકાસકાર્યો દ્વારા જિલ્લાના શિક્ષણ, આરોગ્ય, ઊર્જા તથા માર્ગ સુવિધાઓમાં વધારો થશે અને નાગરિકોને વધુ સગવડો ઉપલબ્ધ બનશે.

આ અવસર એપીએમસી અમરેલી ખાતે મુખ્યમંત્રીશ્રી એક વિશાળ જનસભાને સંબોધશે. આ લોકાર્પણના કાર્યોમાં માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) હસ્તક રૂ. ૧.૨૦ કરોડના એક કામ, શિક્ષણ વિભાગ હસ્તક રૂ. ૬.૪૬ કરોડના પાંચ કામો, આરોગ્ય વિભાગ હસ્તક રૂ. ૧.૫૨ કરોડના એક કામ, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ હસ્તક રૂ. ૪.૦૫ કરોડના બે કામો તેમજ સહકાર વિભાગ (APMC) હસ્તક રૂ. ૧૨.૦૦ કરોડના એક કામનો સમાવેશ થાય છે.

APMC અમરેલી ખાતે રૂ ૧૨ કરોડના ખર્ચે નિર્મિત ૦૨ લાખ ચોરસ ફૂટના વિશાળ શેડનું લોકાર્પણ થશે. જ્યારે માર્ગ મકાન પંચાયત હસ્તકના સાવરકુંડલાના ઢસેડીપરા થી ખોડીયાર મંદિર સુધી રૂ.૧.૨૦ કરોડના ખર્ચે નિર્મિત રોડનું લોકાર્પણ થશે.

અમરેલી જિલ્લાના કુકાવાવ ખાતે રૂ. ૧.૧૨ કરોડના ખર્ચે નિર્મિત મોંઘી બા કન્યા શાળા, લાઠી તાલુકાના ટોડા ખાતે  રૂ. ૧.૦૯ કરોડ ખર્ચે નિર્મિત પ્રાથમિક શાળા, રાજુલા તાલુકા ડોળિયા ખાતે રૂ. ૧.૦૬ કરોડના ખર્ચે નિર્મિત પ્રાથમિક શાળા, ધારીના છતડીયા ખાતે રૂ. ૧.૪૭ કરોડના ખર્ચે નિર્મિત માઘ્યમિક શાળાનું, સાવરકુંડલા તાલુકાના મિતિયાળા ખાતે રૂ. ૧.૭૨ કરોડના ખર્ચે નિર્મિત માધ્યમિક શાળાનું લોકાર્પણ થશે. જ્યારે સાવરકુંડલા તાલુકાના આંબરડી મુકામે રૂ.૧.૫૨ કરોડ ખર્ચે નિર્મિત. પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ થશે.

PGVCL દ્વારા અમરેલી વર્તુળ કચેરી દ્વારા રૂ. ૨.૬૯ કરોડના ખર્ચે નવનિર્મિત અમરેલીની ૦૨ વિભાગીય કચેરીઓ તથા રાજુલા શહેર અને રાજુલા ગ્રામ્ય વિભાગની રૂ ૧.૭૩ કરોડના ખર્ચે નિર્મિત કચેરીનું લોકાર્પણ થશે.

આ વિકાસકાર્યોના લોકાર્પણથી સ્થાનિક નાગરિકોને વધુ સારી અને ગુણવત્તાસભર સુવિધાઓ ઉપલબ્ધ બનશે તથા જિલ્લાના સર્વાંગી વિકાસને વધુ વેગ મળશે.

Related Posts