અમરેલી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત ૦૬ નગરપાલિકા, તેમજ તાલુકા અને જિલ્લા પંચયાચતની ચૂંટણીનું મતદાન આગામી ૨૬.૦૪.૨૦૨૬નો રોજ થશે. ચૂંટણીપ્રચાર અભિયાનરૂપે રાજકીય, બિનરાજકીય પક્ષના કાર્યકરો અને ચૂંટણી ઉમેદવારો તરફથી પોતપોતાના મત વિસ્તારોમાં ચૂંટણી પ્રચાર ઝુંબેશ શરુ કરવામાં આવે છે. ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગના આદેશથી મુક્ત અને પારદર્શી વાતાવરણમાં ચૂંટણી પ્રક્રિયા સંપન્ન થાય તે માટે આદર્શ આચાર સંહિતા લાગુ કરવામાં આવી છે.
પ્રચારના હેતુ માટે તેઓ દ્વારા કે તેઓની સહમતિથી બીજા કોઇ વ્યક્તિ દ્વારા પ્રચાર માટે વાહનોનો ઉપયોગ કરવામાં આવે છે આવા વાહનો પર દેખરેખ રાખવા અને ઉમેદવારોના પ્રચાર માટે વપરાતા વાહનોના સંબંધમાં થતો ખર્ચ યોગ્ય રીતે જાહેર થાય તે હેતુથી અને જો આમ ન કરવામાં આવે તો તેમના પ્રતિસ્પર્ધી ઉમેદવારો તથા જનસામાન્ય તરફથી સાચી-ખોટી ફરિયાદો ઉપસ્થિત થવા અને એકબીજા જૂથો વચ્ચે મનદુઃખ અને ઘર્ષણ થવાની સંભાવના તેમજ સુલેહ-શાંતિનો ભંગ થવા સંભવ રહે છે.
અમરેલી અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી દ્વારા ફોજદારી કાર્યરીતિ અધિનિયમ-૧૯૭૩ની (૧૯૭૪નો બીજો અધિનિયમ) કલમ-૧૪૪ અન્વયે જાહેરનામુ ફરમાવવામાં આવ્યું છે. કોઇપણ રાજકીય પક્ષો કે બિનરાજકીય પક્ષો તેમના ઉમેદવારો કે તેની સહમતિથી બીજા કોઇ વ્યક્તિ દ્વારા ચૂંટણી પ્રચાર માટે વાહનોનો ઉપયોગ કરવામાં આવે તેવા તમામ વાહનો ચૂંટણી ઉમેદવારે તેમના વાહનો રજિસ્ટર કરાવી પરમીટ લેવાની રહેશે.
ઉમેદવારે તેમના ચૂંટણી અધિકારીશ્રી/મદદનીશ ચૂંટણી અધિકારીશ્રી પાસે આવા વાહનો રજીસ્ટર કરાવવાના રહેશે. રજિસ્ટર કરવામાં આવેલી વાહનની પરમીટ તેમના પાસેથી મેળવી, અસલ પરમીટ જ વાહનની ઉપર સહેલાઇથી દેખાઇ આવે તે રીતે વિન્ડ સ્ક્રીન પર ચોંટાડવાની રહેશે. કોઇપણ સંજોગોમાં પરમીટની ફોટોકોપી ચાલશે નહિ. ઉપરાંત પરમીટ મેળવ્યા સિવાય અને વાહન રજીસ્ટર કરાવ્યા સિવાય કોઇપણ વાહનોનો ચૂંટણીપ્રચાર માટે ઉપયોગ કરી શકાશે નહિ. આ નિયંત્રણો યાંત્રિક શક્તિ કે અન્યો રીતે ચાલતા તમામ વાહનોને લાગુ પડશે. ચૂંટણી પ્રચારમાં ઉપયોગમાં લેનાર વાહનમાં જો વધારાની એસસરીઝ ફીટ કરાવવામાં આવી હશે તો તેના માટે આર.ટી.ઓ.ની મંજૂરી રજૂ લેવાની રહેશે
હુકમનો અમલ અમરેલી જિલ્લામાં ચૂંટણી હેઠળની નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ૧૭ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના મતદાન હેઠળ સમાવિષ્ટ વિસ્તારમાં તા.૩૦-૦૪-૨૦૨૬ સુધી કરવાનો રહેશે. હુકમનું ઉલ્લંઘન કરનાર કે ઉલ્લંઘન માટે મદદ કરનાર શખ્સો ભારતીય ન્યાય સંહિતાની કલમ-૨૨૩ હેઠળ સજાપાત્ર થશે. જાહેરનામાનો અમલ કરવા માટે સંબંધિત પોલીસ સ્ટેશનના ધાણા અધિકારીશ્રી, ફરજ પરના પોલીસ અધિકારીશ્રી તથા મતદાન મથકના વિસ્તાર માટે મતદાન મથકના મુખ્ય અધિકારીશ્રીઓને અધિકૃત કરવામાં આવેલ છે.












Recent Comments