ભાવનગર

કેન્યાના પૂરગ્રસ્તો પ્રતિ સંવેદના દર્શાવતા મોરારીબાપુ

વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે…આ ન્યાયે પૂજય મોરારિબાપુની સંવેદના વૈશ્વિક સ્તરે ફેલાયેલી છે. તાજેતરમાં આફ્રિકામાં કેન્યાના વિવિધ વિસ્તારોમાં અતિવૃષ્ટિની સ્થિતિ ઉદ્ભવી હતી જેમાં પુરની સ્થિતિ ઉદ્ભવી હતી અને તેને કારણે ૧૦૦ થી વધુ લોકોનાં અકાળે અવસાન થયા હતા. પ્રાપ્ત વિગતો અનુસાર કેન્યાના નાઈરોબી, કિસુમુ કન્ટ્રી, તાના નદીનાં વિસ્તારોમાં અનેક જગ્યાએ પુર આવ્યું હતું અને તેને કારણે ૧૧૦ જેટલી વ્યક્તિઓના મોત નિપજયા હતા. પૂજય મોરારિબાપુએ આ જળ હોનારતમાં જીવ ગુમાવનારા પરત્વે સંવેદના વ્યક્ત કરી તેમનાં પરિવારજનોને રુપિયા ૧૫,૦૦૦ લેખે ૧૬,૫૦,૦૦૦ ની સહાયતા રાશિ અર્પણ કરી છે જે કેન્યા સ્થિત રામકથાના શ્રોતા દ્વારા સ્થાનિક ચલણમાં પહોંચાડવામાં આવી છે. 

        મથુરા ખાતે યમુના નદીમાં પ્રવાસીઓની બોટ પલટી જતાં ૧૦ લોકોનાં મોત થયા હતા ત્યારે તેમના પરિવારજનોને પણ રુપિયા ૧,૫૦,૦૦૦ ની સહાય મોકલવામાં આવી છે. 

        ગુજરાતના હાઈવે પર અકસ્માતનો સિલસિલો અટકવાનું નામ નથી લેતો.  લખતર વિરમગામ હાઈવે પર ગત રાત્રીના સુમારે એક ટ્રક દુર્ઘટના બની હતી જેમાં ૭ પદયાત્રીઓનાં સ્થળ પર જ મોત નિપજયા હતાં. પૂજય મોરારિબાપુએ આ કરુણાંતિકામાં જીવ ગુમાવનારાના પરિજનોને પણ રુપિયા ૧,૦૫૦૦૦ ની સહાયતા રાશિ અર્પણ કરી છે. પૂજય મોરારિબાપુએ સૌના નિર્વાણ માટે હનુમાનજીનાં ચરણોમાં પ્રાર્થના કરી છે. તેમ જયદેવ માંકડ, તલગાજરડાની યાદીમાં જણાવ્યું છે.

Related Posts