ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અંતર્ગત જૂનાગઢ જિલ્લાના વડાલ ખાતે તા. 30/04/2026 થી 02/05/2026 દરમિયાન યોગ ટ્રેનરો માટે ત્રણ દિવસીય રિફ્રેશર ટ્રેનીંગ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.
આ તાલીમનો મુખ્ય હેતુ યોગ ટ્રેનરોના જ્ઞાન, કૌશલ્ય અને શિક્ષણ પદ્ધતિમાં ગુણવત્તા વધારો કરી યોગના પ્રચાર-પ્રસારને વધુ મજબૂત બનાવવાનો હતો. તાલીમ દરમિયાન આસન, પ્રાણાયામ, ધ્યાન તેમજ શટકર્મ વિષયક તાત્વિક અને પ્રાયોગિક માર્ગદર્શન નિષ્ણાતો દ્વારા આપવામાં આવ્યું. સાથે સાથે સલામતી, યોગ્ય ટેકનિક અને અસરકારક શિક્ષણ પદ્ધતિઓ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો.
આ તાલીમમાં માનનીય ચેરમેન શ્રી યોગસેવક શીશપાલજી, સ્ટેટ કોર્ડિનેટર અનિલભાઈ ત્રિવેદી, ઝોન કોર્ડિનેટર વાલજીભાઈ ડાભી, અમરેલી જિલ્લા કોર્ડિનેટર સાગર મહેતા ઉપસ્થિત રહ્યા હતા અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
ખાસ નોંધનીય બાબત એ રહી કે આ તાલીમમાં અમરેલી જિલ્લાના કુલ 8 યોગ ટ્રેનરો — શારદાબેન, અનિતાબેન, ચેતનાબેન, મનુબેન, ચેતનાબેન, સંગિતાબેન, બિન્દુબેન અને રશ્મિબેન — એ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. તેમણે તાલીમ દરમિયાન સક્રિય સહભાગિતા દર્શાવી અને પોતાના અનુભવોથી તાલીમને વધુ સમૃદ્ધ બનાવી.
ભાગ લેનાર ટ્રેનરો દ્વારા જણાવાયું કે આ રિફ્રેશર ટ્રેનીંગ તેમના માટે ખૂબ જ લાભદાયી રહી અને હવે તેઓ વધુ આત્મવિશ્વાસ સાથે પોતાના વિસ્તારમાં યોગ શિક્ષણ આપી શકશે.
અંતમાં આયોજકો દ્વારા જણાવાયું કે આવી તાલીમો દ્વારા રાજ્યમાં યોગનું સ્તર વધુ મજબૂત બનશે અને સ્વસ્થ સમાજ નિર્માણ માટે મહત્વપૂર્ણ યોગદાન મળશે.
જૂનાગઢ (વડાલ) ખાતે યોગ ટ્રેનર રિફ્રેશર ટ્રેનીંગમાં અમરેલી જિલ્લાના ટ્રેનરોની સક્રિય ભાગીદારી















Recent Comments