તળાજા નજીકના અંતરિયાળ ગામ ભદ્રાવળ-3 માંથી એક એવી પ્રેરણાદાયી કહાની સામે આવી છે, જે માત્ર એક વિદ્યાર્થીની સફળતા નથી, પરંતુ સમગ્ર ગ્રામ્ય સમાજના સપનાઓને પાંખ આપે છે. પરમાર પાર્થકુમાર પાંચાભાઈએ ધોરણ-12 (સાયન્સ) બોર્ડ પરીક્ષામાં 99.83 PR મેળવી શાળામાં પ્રથમ ક્રમાંક હાંસલ કર્યો છે,એક એવી સિદ્ધિ, જે સંઘર્ષ, સંકલ્પ અને અવિરત મહેનતનો જીવંત પુરાવો છે.માટીની સુગંધમાં ઉછરેલો પાર્થ એક સામાન્ય ખેડૂત પરિવારમાં જન્મ્યો. માતા-પિતા રોજ મજૂરી કરીને પરિવાર ચલાવતા.પરંતુ આ મુશ્કેલીઓએ તેની હિંમતને ક્યારેય ડગમગાવી નહીં,તેણે દરેક અડચણને પગથિયું બનાવી આગળ વધવાનું શીખી લીધું.
બાળપણથી જ અભ્યાસ પ્રત્યેનો ઝુકાવ અને શીખવાની જિજ્ઞાસાએ પાર્થને અન્ય વિદ્યાર્થીઓથી અલગ ઓળખ આપી. શ્રી ભદ્રાવળ-3 પ્રાથમિક શાળાના શિક્ષક અરજણભાઈ બી.ડાંગરએ તેની અંદરની પ્રતિભાને ઓળખી તેને યોગ્ય દિશા આપી. આ માર્ગદર્શન પાર્થના જીવનમાં એક વળાંક સાબિત થયું.આગળ જઈને, આલ્ફા વિદ્યા સંકુલ કેમ્પસ-પાર્થ વિદ્યાલય-વરલ ખાતે અભ્યાસ દરમિયાન પાર્થએ પોતાને કડક નિયમોમાં બાંધી દીધો. તેણે પોતાના માટે કેટલીક “જીવનશૈલીના નિયમો” બનાવ્યા, જે તેની સફળતાનો આધારસ્તંભ બન્યા:
રોજનું કામ એ દિવસે જ પૂર્ણ કરવું-કોઈ પણ વિષય બાકી ન રાખવો.
દરરોજ નિયમિત પુનરાવર્તન (Revision)-શીખેલું મગજમાં મજબૂત કરવું.
સમયનું સચોટ આયોજન- અભ્યાસ અને આરામ બંનેનું સંતુલન.
મોબાઈલ અને વ્યર્થ વિખેરાવથી દૂર રહેવું.
દર અઠવાડિયે સ્વ-મૂલ્યાંકન (Self Test) -પોતાની ભૂલો ઓળખવી.
શંકા રાખવી નહીં- તરત જ શિક્ષકને પૂછવું.
આ નિયમો માત્ર શબ્દો નહોતા, પરંતુ પાર્થના દૈનિક જીવનનો હિસ્સો બની ગયા હતા. તેની આ અનુક્રમિતતા અને એકાગ્રતાએ તેને સતત આગળ ધપાવ્યો.શાળાના શિક્ષકોનું માર્ગદર્શન પણ એટલું જ મહત્વપૂર્ણ રહ્યું. શાળાના સાયન્સ વિભાગના દરેક શિક્ષકે પાર્થને પોતાની ક્ષમતા ઓળખવામાં અને તેને ઘડવામાં મહેનત કરી. શાળાએ માત્ર પાઠ્યપુસ્તક જ નહીં, પરંતુ જીવનના મૂલ્યો પણ શીખવ્યા.જે આજે તેની સફળતાની પાછળનો મજબૂત આધાર છે.બોર્ડ પરીક્ષામાં તેજસ્વી પરિણામ સાથે સાથે પાર્થકુમારે GUJCET-2026માં પણ 111.25 ગુણ મેળવી પોતાની પ્રતિભા સાબિત કરી છે. હવે તેની નજર NEET-2026 પરીક્ષામાં ઉત્તમ પરિણામ મેળવી ભવિષ્યમાં ડોક્ટર બનવાની છે,એક એવું સપનું, જે તે માત્ર પોતાના માટે નહીં, પરંતુ સમાજના ગરીબ અને જરૂરિયાતમંદ લોકો માટે જોઈ રહ્યો છે.પાર્થ કહે છે,
“સંઘર્ષે મને તોડ્યો નથી, પરંતુ ઘડ્યો છે. ગરીબી મારા માટે અવરોધ નહીં, પરંતુ પ્રેરણા બની. જો મનમાં હિંમત અને વિશ્વાસ હોય, તો કોઈ પણ પરિસ્થિતિ આપણને રોકી શકતી નથી.”
આ કહાની માત્ર એક વિદ્યાર્થીની નથી.આ દરેક એવા વિદ્યાર્થી માટે દીવો છે, જે ગામડાંમાં રહેતા હોવા છતાં મોટા સપનાઓ જોવાની હિંમત રાખે છે. પાર્થ આજે એ સાબિતી છે કે સફળતા માટે મોટા શહેરોની જરૂર નથી, જરૂરી છે તો માત્ર મજબૂત ઇચ્છાશક્તિ, સતત મહેનત અને યોગ્ય માર્ગદર્શન.આલ્ફા વિદ્યા સંકુલ, વરલ અને સમગ્ર ભદ્રાવળ ગામ આજે પાર્થની સિદ્ધિ પર ગર્વ અનુભવે છે. તેની સફળતા અનેક યુવાનો માટે આશાનો કિરણ બની છે,એક સંદેશ કે,
“પરિસ્થિતિ નહીં, પરંતુ પ્રયત્નો તમારા ભવિષ્યને નક્કી કરે છે.”














Recent Comments