ગણેશ શાળા – ટીમાણાના કુલ 81 બાળકોએ 100 કે તેથી વધારે માર્ક્સ તથા 134 બાળકોએ 90 કે તેથી વધારે માર્ક્સ મેળવીને સમગ્ર રાજ્યમાં આગવું સ્થાન મેળવ્યું
ગઈ કાલે જાહેર થયેલ ગુજકેટ – 2026 ની પરીક્ષાના પરિણામમાં ગ્રામ્ય વિસ્તારમાં આવેલ અને છેલ્લા 24 વર્ષથી ભાવનગર જિલ્લાના ગામડાઓમાં શિક્ષણમાં યજ્ઞરૂપી કાર્ય કરતી ગણેશ શાળા – ટીમાણાના બાળકોએ ઐતિહાસિક પરિણામ મેળવ્યું છે. જેમાં બારૈયા રેનિશ જગદીશભાઈ, મહેતર અનિશ અબ્બાસભાઈ તથા બારૈયા નીતેશ ગિલાભાઈએ 99.98 PR તથા 118.75 ગુણ મેળવ્યા હતા. ગુજકેટમાં 8 વિદ્યાર્થીઓએ કેમેસ્ટ્રી વિષયમાં, 6 વિદ્યાર્થીઓએ બાયોલોજી વિષયમાં, 5 વિદ્યાર્થીઓએ ભૌતિક વિજ્ઞાન વિષયમાં તથા 3 વિદ્યાર્થીઓએ ગણિત વિષયમાં 40 માંથી 40 ગુણ મેળવ્યા છે. આટલી ઊંચી સિધ્ધિ મેળવનાર આ તમામ બાળકોના અંતવ્યને વર્ણવતા શાળાના શિક્ષકશ્રી વિશાલભાઈ કહ્યું હતું કે બાળકો સાથેના પ્રેમાળ વર્તન સાથે યોગ્ય માર્ગદર્શન થકી આ પરિણામ મેળવી શકાય છે. જ્યારે શાળાના અન્ય એક શિક્ષક મનીષભાઈએ કહ્યું હતું કે વાલી સાથે નિયમિત વાર્તાલાપ થકી બાળકોની શૈક્ષણિક સમસ્યાનું યોગ્ય નિરાકરણ તથા શાળાના નિયમિત શૈક્ષણિક આયોજન વડે ઉચ્ચ પરિણામ મેળવી શકાય છે. ગણેશ શાળા – ટીમાણા સખત મહેનત થકી ઉચ્ચ પરિણામ સાથે દરેક પરીક્ષાઓના પરિણામમાં અગ્રેસર રહે છે. ગણેશ શાળા – ટીમાણાના વર્ષ 2022 માં 20 વિદ્યાર્થીઓએ, વર્ષ 2023 માં 21 વિદ્યાર્થીઓએ, વર્ષ 2024 માં 32 વિદ્યાર્થીઓએ તથા વર્ષ 2025 માં 50 વિદ્યાર્થીઓએ એમ છેલ્લા ચાર વર્ષમાં 123 વિદ્યાર્થીઓએ MBBS માં પ્રવેશ મેળવ્યો છે. ગુજકેટમાં ઉત્તમ પરિણામ લાવી રાજ્ય કક્ષાએ શાળાનું ગૌરવ વધારનાર તમામ બાળકોને ગણેશ શાળા – ટીમાણા પરિવાર દ્વારા હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.














Recent Comments