જાપાનમાં ભારતના રાજદૂત સુશ્રી નગ્મા મોહમ્મદ મલિકે આજે ગાંધીનગર સ્થિત લોકભવન ખાતે ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન રાજ્યપાલશ્રીએ સુશ્રી નગ્મા મલિકને તેમની નવી જવાબદારી માટે અભિનંદન પાઠવ્યા હતા અને ભારત-જાપાનના સંબંધોમાં ગુજરાતની મહત્વની ભૂમિકા અંગે ચર્ચા કરી હતી.
સુશ્રી નગ્મા મોહમ્મદ મલિક ૧૯૯૧ બેચના ભારતીય વિદેશ સેવા (IFS) ના અધિકારી છે. તેમણે નવેમ્બર ૨૦૨૫ માં જાપાનમાં ભારતના રાજદૂત તરીકે કાર્યભાર સંભાળ્યો છે. તે પહેલાં તેઓ પોલેન્ડ, બ્રુનેઈ દારુસલામ અને ટ્યુનિશિયામાં ભારતના રાજદૂત અને ઉચ્ચાયુક્ત તરીકે સેવા આપી ચૂક્યા છે.
સુશ્રી નગ્મા મલિક ભારત સરકારના વિદેશ મંત્રાલયમાં ‘ડેપ્યુટી ચીફ પ્રોટોકોલ (ફોર્મલ)’ નું પ્રતિષ્ઠિત પદ સંભાળનાર અત્યાર સુધીના એકમાત્ર મહિલા અધિકારી છે.
મુલાકાત દરમિયાન રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે, ગુજરાત અને જાપાન વચ્ચે વર્ષોથી ગાઢ આર્થિક અને સાંસ્કૃતિક સંબંધો રહ્યા છે. વાઇબ્રન્ટ ગુજરાત સમિટ જેવી પહેલોમાં જાપાન હંમેશા એક મજબૂત ભાગીદાર રહ્યું છે. સુશ્રી નગ્મા મલિકે રાજ્યપાલશ્રીના માર્ગદર્શન હેઠળ ગુજરાતમાં ચાલી રહેલા ‘પ્રાકૃતિક ખેતી’ અને ‘ગ્રામ કલ્યાણ કાર્યક્રમ’ જેવા અભિયાનોમાં ઊંડો રસ દાખવ્યો હતો.
અંગ્રેજી સાહિત્ય અને સમાજશાસ્ત્રમાં ઉચ્ચ અભ્યાસ કરનાર સુશ્રી નગ્મા મલિક પાંચ ભાષાઓ અંગ્રેજી, ફ્રેન્ચ, હિન્દી, ઉર્દૂ અને મલયાલમ પર પ્રભુત્વ ધરાવે છે. કૂટનીતિની સાથે તેઓ ભારતીય શાસ્ત્રીય નૃત્ય, સંગીત અને સાહિત્યમાં પણ વિશેષ રુચિ ધરાવે છે.














Recent Comments