રાજ્યના ઊર્જા અને કાયદો રાજ્ય મંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયાના હસ્તે અમરેલી જિલ્લામાં શિક્ષણને વેગ આપતા વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ સંપન્ન થયું હતું. રવિવારે વડિયા તાલુકાના ઢુંઢિયાપીપળીયા ખાતે પ્રાથમિક શાળાના નવા મકાનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, જ્યારે વડિયા શહેર સ્થિત મોઘીબા પ્રાથમિક શાળાના નવા મકાનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે મંત્રીશ્રી કૌશિકભાઈ વેકરિયાએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર શિક્ષણક્ષેત્રે ગુણવત્તાસભર માળખાકીય સુવિધાઓ ઉભી કરીને વિદ્યાર્થીઓને ઉત્તમ શિક્ષણ ઉપલબ્ધ કરાવવા પ્રતિબદ્ધ છે. વડિયાને સરકારી કોલેજની સુવિધા મળ્યા બાદ હવે આગામી સમયમાં ધોરણ ૧૧-૧૨ માટે સરકારી શાળા શરૂ કરવાની દિશામાં પણ આયોજન કરવામાં આવી રહ્યું છે. વડિયાના વિદ્યાર્થીઓને પ્રાથમિક શિક્ષણથી લઈને કોલેજ સુધીનો અભ્યાસ ઘર આંગણે જ ઉપલબ્ધ થાય તે માટે રાજ્ય સરકાર કટીબદ્ધ છે.
વડિયા મુકામે મંત્રીશ્રીના હસ્તે આશરે રૂ. ૧.૦૬ કરોડના ખર્ચે નિર્માણ પામેલી મોંઘીબા પ્રાથમિક શાળાના નવા મકાનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત, ઢુંઢિયાપીપળીયા મુકામે આશરે રૂ. ૧.૨૫ કરોડના ખર્ચે નિર્માણ પામનારી પ્રાથમિક શાળાના નવા મકાનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ વિકાસકાર્યો શિક્ષણક્ષેત્રે મહત્વપૂર્ણ માઈલસ્ટોન સાબિત થશે.
આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના સભ્યશ્રી અકબરી, તાલુકા પંચાયતના સભ્યશ્રી પાઘડાળ, અગ્રણીશ્રી પી.વી. વસાણી, સ્થાનિક આગેવાનો, શાળાના આચાર્યશ્રી, શિક્ષકો તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.


















Recent Comments