અમરેલી જિલ્લાના ખેડૂતોને વધુ સુદ્રઢ અને સુલભ સિંચાઈ સુવિધા ઉપલબ્ધ કરાવવાના હેતુથી રાજ્યના ઉર્જા અને કાયદો રાજ્ય મંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયાના હસ્તે ખોડીયાર સિંચાઈ યોજનાના કેનાલ નેટવર્કના સમારકામ અને નવીનીકરણની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો. આશરે ૯૩ કિલોમીટર લાંબી ખોડીયાર સિંચાઈ યોજનાની કેનાલના લાઈનીંગ તેમજ સ્ટ્રક્ચરોના આધુનિકીકરણ, પુનઃસ્થાપન અને નવીનીકરણના કામો કુલ રૂ. ૪૪.૦૯ કરોડના ખર્ચે ૬ પેકેજમાં હાથ ધરવામાં આવશે, જેના થકી અમરેલી જિલ્લાના અંદાજિત ૧૮ ગામોના ખેડૂતોને સીધો લાભ મળશે તેમજ કુલ ૯૮૬૪ હેક્ટર વિસ્તારને સિંચાઈ સુવિધાનો લાભ પ્રાપ્ત થશે.
મંત્રીશ્રી કૌશિકભાઈ વેકરિયાએ જણાવ્યું હતું કે, ખોડીયાર કેનાલ નેટવર્કના નવીનીકરણથી કેનાલમાં પાણી વહન ક્ષમતા વધશે, પાણીનો બગાડ ઘટશે, લીકેજમાં ઘટાડો થશે અને ખેડૂતોને તેમની માંગ મુજબ સમયસર સિંચાઈ માટે પાણી ઉપલબ્ધ થઈ શકશે. કેનાલના આધુનિકીકરણથી કૃષિ ઉત્પાદન વધારવામાં પણ નોંધપાત્ર ફાયદો થશે.
આ યોજના અમરેલી જિલ્લાના કૃષિ વિકાસ માટે મહત્વપૂર્ણ સાબિત થશે અને ખેડૂતોને લાંબા ગાળે સ્થિર સિંચાઈ સુવિધા ઉપલબ્ધ કરાવશે. આ કામગીરીના પ્રથમ તબક્કામાં મેઇન કેનાલ સંબંધિત પેકેજ-૧, ૨ અને ૩ના અંદાજિત રૂ. ૧૨ કરોડના કામો હાથ ધરવામાં આવ્યા છે, જ્યારે આગામી તબક્કામાં માઇનોર કેનાલના પેકેજ-૪ થી ૬ના કામો અમલમાં મુકવામાં આવશે. પેકેજ-૧ હેઠળ ૧૫૮ હેક્ટર, પેકેજ-૨ હેઠળ ૧૪૩ હેક્ટર, પેકેજ-૩ હેઠળ ૨૦૧.૨૩ હેક્ટર, પેકેજ-૪ હેઠળ ૧૮૭૩.૭૩ હેક્ટર, પેકેજ-૫ હેઠળ ૧૯૩૧.૮૭ હેક્ટર અને પેકેજ-૬ હેઠળ ૪૫૯૦.૪૧ હેક્ટર વિસ્તારને લાભ મળશે.
આ પેકેજ અંતર્ગત ચલાલા, માળીલા, દેવરાજીયા, કેરિયાચાડ, મેડી, તરવડા, વાંકિયા, સાજીયાવગર, તરકતળાવ,પીઠવાજાળ, રાજસ્થળી, શંભુપરા, ગોખરવાળા, ખડખંભાળિયા, નાના ગોખરવાળા, ચાંદગઢ, લાપાળીયા, ગરમલીસ નવા ચરખા, કથીરવગરને લાભ મળશે
આ પ્રસંગે જિલ્લા પંચાયતના સભ્યશ્રી આશિષભાઈ અકબરી, શ્રી, ગાંગડીયા, તાલુકા પંચાયતના સભ્યશ્રી નાગજીભાઈ મકવાણા, ઈરીગેશન રાજ્યના નાયબ કાર્યપાલક ઇજનેરશ્રી વાજા, સ્થાનિક સરપંચશ્રી ઉપસ્થિત રહ્યા હતા.


















Recent Comments