અમરેલી

બદલાતા સમય વચ્ચે પ્રકૃતિના ઓથે ધબકતું શૈશવ: સિમેન્ટના જંગલોમાં પણ જીવંત છે ‘કુદરતી એ.સી.’

​ભલે આ વક્તનો મિજાજ 

પલટાયા કરે મિત્રો 

આંબાની ઘટા નીચે આજેય 

એ જ એ.સી.નો આનંદ છે.

​ટેકનોલોજીના આ યુગમાં 

પણ શૈશવ ચિરંજીવી રહ્યું,

કંતાનના એ ભીના પડદામાં જ                          ઠંડકની અનોખી સોડમ છે.

–“પાંધી સર”

​આજકાલ ગ્લોબલ વોર્મિંગની પ્રચંડ અસરોને કારણે ઉનાળામાં તાપમાનનો પારો સતત નવી ઊંચાઈઓ આંબી રહ્યો છે. કાળઝાળ ગરમીને પગલે હવામાન વિભાગ દ્વારા લોકોને બિનજરૂરી ઘરની બહાર ન નીકળવાની કડક સલાહ આપવામાં આવી રહી છે. આવા કપરા સમયમાં પણ, શહેરના એક ખૂણે પ્રકૃતિની ગોદમાં શિશુત્વ આરામ ફરમાવતું હોય તેવા અનોખા અને હૃદયસ્પર્શી દ્રશ્યો જોવા મળ્યા છે. કાતિલ તડકા વચ્ચે એક ઘટાદાર આંબાના વૃક્ષ નીચે નાના-નાના ભૂલકાઓ આ ઓથને જ પોતાનું ‘કુદરતી એ.સી.’ સમજીને ગરમીથી રાહત મેળવતા અને મસ્તી કરતા નજરે પડ્યા છે.

​આ દ્રશ્ય જોઈને વરિષ્ઠ પત્રકાર પાંધીસરને પોતાનું બાળપણ યાદ આવી ગયું હતું. આજથી પંચાવન-સાંઈઠ વર્ષ પહેલાંના એ સમયમાં એર કન્ડિશનર (એ.સી.) એક અજાયબી સમાન ગણાતું. એ દિવસોમાં ભલે સરેરાશ તાપમાન આજ કરતાં ઓછું હતું, છતાં ગરમી તો ગરમી જ હતી! ત્યારે વડલા, પીપળા, લીંબડા કે આંબાના વૃક્ષ નીચે બિન્દાસ રખડવાનો અને ગરમીથી રાહત મેળવવાનો આનંદ જ કંઈક ઓર હતો. એ સમયે દેશી કે વિલાયતી નળિયાવાળા મકાનોના દરવાજે ભીના કરેલા કંતાન (કોથળા) ટાંગીને ઘરને ઠંડું રાખવાના દેશી જુગાડ કરવામાં આવતા. કાળા તડકામાં ખુલ્લા પગે રખડવાનો એ આનંદ આજે પણ વડીલોના મનમાં જીવંત છે.

​સમય હંમેશા પરિવર્તનશીલ રહ્યો છે. કોઈએ સાચું જ કહ્યું છે કે:

​”આદમી કો ચાહિએ વક્ત સે બચકર રહે, કૌન જાને કિસ ઘડી વક્ત કા બદલે મિજાજ.”

​આજે ભલે સમગ્ર વિશ્વમાં ટેકનોલોજીએ માણસના જીવનની કાયાપલટ કરી નાખી હોય અને વૈભવી સાધનો લાવી દીધા હોય, પરંતુ કોંક્રીટના આ જંગલો વચ્ચે શહેરના કોઈ ખૂણે હજુ પણ એ પ્રાકૃતિક જીવન જીવતું શૈશવ ચિરંજીવી છે. આ દ્રશ્યો સાબિત કરે છે કે ગમે તેટલો સમય બદલાય, પણ કુદરતનો આનંદ આજે પણ અજોડ છે.વૃક્ષ ઉછેરની પ્રવૃત્તિઓને વેગ મળે તો હજુ પણ આવતાં દિવસોમાં ગ્લોબલ વોર્મિંગની ભયંકર અસરોને ખાળી શકાય તેમ  છે.. અભી ભી દેર નહી હુઈ.. જાગ્યા ત્યાંથી સવાર એ બાબતને જીવનમંત્ર બનાવી વૃક્ષ ઉછેરની પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવું જોઈએ. એટલે જ  વન વિભાગ તો તેની ફરજ બજાવતા હોય છે પરંતુ આમ જનતાએ પણ હવે વૃક્ષ ઉછેરની ભાવના કેળવવી પડશે

Related Posts