”છોડીને મોબાઈલ સ્ક્રીન, જુઓ ભૂલકાઓ આજે મેદાને આવ્યા છે,”
“શતાબ્દીના આ આંગણે, કુંડલામાં રમતોના અનોખા રંગ છવાયા છે.”
–“પાંધી સર”
સાવરકુંડલાની પ્રતિષ્ઠિત સંસ્થા શ્રી કૃષ્ણકુમારસિંહજી વ્યાયામ મંદિર ખાતે સંસ્થાના શતાબ્દી વર્ષ મહોત્સવ અંતર્ગત ગઈકાલ તારીખ ૨૯/૦૫/૨૦૨૬, શુક્રવારના રોજ સાંજે ૭:૦૦ કલાકે ૩ થી ૬ વર્ષના નાના ભૂલકાઓ માટે એક ભવ્ય અને અનોખા ‘બાળ રમતોત્સવ’નું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર અમરેલી જિલ્લામાં અનોખી ભાત પાડે તેવા આ બાળ રમતોત્સવમાં ખૂબ જ વિશાળ સંખ્યામાં બાળકોએ હોંશે હોંશે ભાગ લીધો હતો. આજના ડિજિટલ હાઈ-ટેક યુગમાં જ્યારે બાળમાનસ પણ મોબાઈલના રવાડે ચડી ગયું હોય અને મેદાની રમતો ધીમે-ધીમે વિસરાઈ રહી હોય, તેવી પરિસ્થિતિ વચ્ચે બાળકોની માનસિક અને શારીરિક શક્તિઓ ખીલે તેવા ઉમદા હેતુથી આ આયોજન કરવામાં આવ્યું હતું.
આ ભવ્ય પ્રસંગે સાવરકુંડલાના લોકપ્રિય ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલા, પોલીસ પ્રશાસન વતી અમરેલી એસ.પી. શ્રી સંજય કરાત, સાવરકુંડલા ડીવાયએસપી (DySP), પીઆઈ (PI) તેમજ મામલતદાર સાહેબ વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત સાવરકુંડલા નગરપાલિકાના પ્રમુખ નયનાબેન કાપડીયા, ઉપપ્રમુખ નૂતનબેન તન્ના, અગ્રણી પ્રવિણભાઈ સાવજ રજનીભાઈ ડોબરીયા અને ડો. વડેરા સાહેબ વગેરે મહાનુભાવોએ પ્રેરક ઉપસ્થિતિ આપી બાળકોનો ઉત્સાહ બમણો કર્યો હતો.
કાર્યક્રમને સફળ બનાવવા માટે વ્યાયામ મંદિર સંસ્થાના પ્રમુખ શ્રી પારેખ, ઉપપ્રમુખ શ્રી દીપકભાઈ શેઠ, મેનેજીંગ ટ્રસ્ટી શ્રી વિનુભાઈ રાવળ તથા ટ્રસ્ટી શ્રી મુકુંદભાઈ નાગ્રેચા સહિતના પદાધિકારીઓએ ભારે જહેમત ઉઠાવી હતી. આ અવસરે શહેરના સામાજિક-રાજકીય અગ્રણીઓ તેમજ પત્રકાર જગતમાંથી શ્રી ફારૂક કાદરી, શ્રી મહેન્દ્રસિંહ અને શ્રી બિપીનભાઈ પાંધી વગેરે પ્રબુદ્ધ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. આજના સમયમાં વેકેશનનો સદઉપયોગ કરી બાળકોને રમતગમતનું શ્રેષ્ઠ સ્ટેજ પૂરું પાડવાના આ ભગીરથ પ્રયાસને શહેરના તમામ બુદ્ધિજીવીઓએ મુક્તકંઠે બિરદાવ્યો હતો.
ખૂબ જ ખુશનુમા વાતાવરણમાં યોજાયેલા આ સમગ્ર કાર્યક્રમનું ઉત્કૃષ્ટ સંચાલન શતાબ્દી મહોત્સવ કમિટીના કન્વીનર શ્રી કેતનભાઈ ખુમાણ દ્વારા કરવામાં આવ્યું હતું. સ્પર્ધાના નિયમ મુજબ વિજેતા થનાર બાળકોને ઇનામો આપી પ્રોત્સાહિત કરાયા હતા અને કાર્યક્રમના અંતે સંસ્થા દ્વારા ઉપસ્થિત તમામ રમતવીરો, વાલીઓ અને મહેમાનો માટે અલ્પાહારની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી.












Recent Comments