માનવ સેવા એ જ પ્રભુ સેવા એ ઉક્તિને સાવરકુંડલાના ચોડવડીયા પરિવારે સાચા અર્થમાં સાર્થક કરી બતાવી છે. પરિવારના મોભી સવિતાબેન ધીરજલાલ ચોડવડીયાનું તારીખ ૧-૬-૨૦૨૬, સોમવારના રોજ દુખદ અવસાન થતાં સમગ્ર પરિવાર શોકમાં ડૂબી ગયો હતો. પરંતુ, આ અણધાર્યા આઘાત અને પરમ દુઃખની ઘડીમાં પણ ચોડવડીયા પરિવારે ભારે હિંમત રાખીને સમાજને એક નવો રાહ ચીંધતો અત્યંત પ્રેરણાદાયી નિર્ણય લીધો હતો. પરિવારે મૃતક સવિતાબેનના અંગો અન્ય કોઈને નવું જીવન આપી શકે તે માટે ત્વરિત ચક્ષુદાન અને દેહદાન કરવાનો પવિત્ર સંકલ્પ જાહેર કર્યો હતો.
પરિવાર દ્વારા આ ઉમદા ઈચ્છા વ્યક્ત કરાતા જ શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિરના મેડિકલ સુપ્રિટેન્ડેન્ટ ડો. પ્રકાશભાઈ કટારીયાએ ત્વરિત સંવેદનશીલતા દાખવી ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી, સાવરકુંડલા બ્રાન્ચના સેક્રેટરી મેહુલભાઈ વ્યાસનો સંપર્ક સાધ્યો હતો અને પરિવારના આ ભગીરથ સંકલ્પની જાણ કરી હતી.
માહિતી મળતાની સાથે જ રેડક્રોસ સોસાયટીના સેક્રેટરી મેહુલભાઈ વ્યાસ એક્શનમાં આવ્યા હતા. તેમણે તરત જ ‘શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર’ની ટીમનો સંપર્ક કરી પવિત્ર ચક્ષુદાનની પ્રક્રિયા પૂર્ણ કરાવી હતી, જેથી કોઈ અંધ વ્યક્તિના જીવનમાં ઉજાસ પથરાઈ શકે.
ચક્ષુદાન સંપન્ન થયા બાદ, પૂજ્ય સવિતાબેનનો પાર્થિવ દેહ તબીબી શિક્ષણ અને સંશોધનના ઉપયોગમાં આવી શકે તે માટે અમરેલી ખાતે આવેલી મેડિકલ કોલેજમાં અર્પણ કરવાનું નક્કી કરાયું હતું. મેહુલભાઈ વ્યાસ પોતે રેડક્રોસ બ્રાન્ચની એમ્બ્યુલન્સ લઈને અમરેલી મેડિકલ કોલેજ પહોંચ્યા હતા અને તમામ કાયદાકીય પ્રક્રિયાઓ પૂર્ણ કરી આદરપૂર્વક દેહદાનની વિધિ સંપન્ન કરી હતી. આ સમગ્ર સેવકીય અને માનવતાવાદી કાર્યમાં સુરેશભાઈ ઠાકર તરફથી પણ નોંધપાત્ર સહયોગ સાંપડ્યો હતો.
સ્વજનના ગુમાવવાનું અસહ્ય વેદનાસભર દુઃખ હોવા છતાં, અંધશ્રદ્ધા કે જૂની રૂઢિઓથી ઉપર ઊઠીને ચોડવડીયા પરિવારે જે સામાજિક જાગૃતિનું ઉદાહરણ પૂરું પાડ્યું છે તે ખરેખર વંદનીય છે. મૃત્યુ બાદ પણ સવિતાબેન પોતાના ચક્ષુઓ અને દેહ થકી સમાજમાં સદાય માટે ‘અમર’ બની ગયા છે. આ સેવાકાર્ય બદલ સમગ્ર સાવરકુંડલા પંથક ચોડવડીયા પરિવારની ઉદારતા અને હિંમતને બિરદાવી રહ્યો છે અને મૃતાત્માને કોટિ-કોટિ વંદન પાઠવે છે.



















Recent Comments