અમરેલી

ખેડુત ના દીકરા જતીન ગજેરા એ ખેત ઉત્પાદન ની વેદના સમજી અને હવે શરૂ ખેડૂત માટે ખેતી માટે ગ્રીન ક્રાંતિ ની શરૂઆત

ખેડૂતનો દીકરો હવે નેપિયર ઘાસમાંથી બનાવશે CNG! અમરેલીમાં કરોડોના ખર્ચે ગુજરાતનો પ્રથમ દેશ નો બીજો ગોપીનાથ બાયો CNG LLP

પ્લાન્ટ

અમરેલીમાં બનશે ગુજરાતનો પ્રથમ

ગોપીનાથ બાયો CNG LLP

પ્લાન્ટ, નેપિયર ઘાસમાંથી રોજ 10 ટનથી વધુ બાયો CNG LLPનું ઉત્પાદન થશે

શેડુભાર ગામે બની રહ્યો છે ગોપીનાથ બાયો CNG LLP

પ્લાન્ટ ખેડૂતોને નેપિયર ઘાસની સીધી આવક અને સ્થાનિક યુવાઓને રોજગારી મળવાની આશા

અમરેલી: ગુજરાતના અમરેલી જિલ્લામાં ગ્રીન એનર્જી ક્ષેત્રે એક મહત્વપૂર્ણ પહેલ થવા જઈ રહી છે. અમરેલી તાલુકાના શેડુભાર ગામે ગોપીનાથ બાયો CNG LLP

પ્લાન્ટ નું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. સંચાલકોના જણાવ્યા મુજબ આ ગુજરાતનો પ્રથમ અને ભારતનો બીજો એવો પ્લાન્ટ હશે, જેમાં મુખ્યત્વે નેપિયર ઘાસ સહિત વિવિધ કૃષિ અવશેષોમાંથી  બાયો CNG LLP ઉત્પાદન કરવામાં આવશે.  કરોડો ના ખર્ચે તૈયાર થઈ રહેલો આ પ્લાન્ટ આગામી આઠ મહિનામાં કાર્યરત કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.

આ પ્લાન્ટ શરૂ થયા બાદ ખેડૂતોને કૃષિ આધારિત આવકનું નવું સાધન મળી શકે છે. ખાસ કરીને નેપિયર ઘાસની ખેતી કરતા ખેડૂતોને પ્લાન્ટ માટે ઘાસનું સીધું વેચાણ કરવાની તક મળશે. બીજી તરફ, પ્લાન્ટના સંચાલન, કાચા માલના સંગ્રહ, કાપણી, પેકિંગ, પરિવહન સહિતની વિવિધ કામગીરીમાં સ્થાનિક યુવાઓ અને અન્ય લોકોને રોજગારીની તકો ઊભી થવાની શક્યતા છે.

પ્લાન્ટના સંચાલક જતીન મનસુખભાઈ ગજેરા, જેઓ મૂળ શેડુભાર ગામના વતની છે અને હાલમાં અમદાવાદ ખાતે રહે છે, તેમના જણાવ્યા મુજબ તેમનો મૂળ વ્યવસાય કન્સ્ટ્રક્શનનો છે. પરંતુ પોતાના વતન અને વિસ્તારના ખેડૂતોને લાભ મળે તેમજ સ્થાનિક સ્તરે રોજગારી ઊભી થાય તે હેતુથી બાયો-CNG LLP ક્ષેત્રમાં આ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે.

કૃષિ અવશેષ બનશે બાયો-CNG LLP માટેનું કાચું માલ

આ પ્લાન્ટની ખાસિયત એ રહેશે કે તેમાં બાયો-વેસ્ટ અને કૃષિ અવશેષોનો ઉપયોગ કરવામાં આવશે. જેમાં ખાસ કરીને ઘઉં અને ચણાનું પરાળ, કપાસ તથા એરંડાના સાથી અને નેપિયર ઘાસનો ઉપયોગ કરવામાં આવશે. ખેતીમાંથી નીકળતા આવા અવશેષોને યોગ્ય રીતે ઉપયોગમાં લઈ ગ્રીન એનર્જીનું ઉત્પાદન કરવાનો પ્રયાસ કરવામાં આવશે.

જતીનભાઈ ગજેરાના જણાવ્યા મુજબ શેડુભાર ગામની પસંદગી પાછળ સૌથી મોટું કારણ તેમનું વતન હોવું છે. પોતાના ગામ અને આસપાસના ખેડૂતોને પ્લાન્ટનો સીધો લાભ મળે, ખેતીનો ખર્ચ ઘટે અને ખેડૂતોની આવકમાં વધારો થાય તે મુખ્ય હેતુ છે. સાથે જ ગામ અને આસપાસના વિસ્તારમાં રહેતા યુવાઓ તથા જરૂરિયાતમંદ પરિવારોના લોકોને રોજગારી મળી રહે તે માટે પણ આ સ્થળ પસંદ કરવામાં આવ્યું છે.

1000 વીઘામાં શરૂ કરાયું નેપિયર ઘાસનું વાવેતર

હાલમાં ખેતીમાં દવા, ખાતર અને બિયારણના ખર્ચમાં વધારો થઈ રહ્યો છે. બીજી તરફ પાકને યોગ્ય ઉત્પાદન ન મળવું, ઉત્પાદન થયા બાદ યોગ્ય ભાવ ન મળવો, કમોસમી વરસાદ અને વાવાઝોડા જેવી કુદરતી આફતોના કારણે ખેડૂતોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આવી પરિસ્થિતિ વચ્ચે ખેતી આધારિત વધારાની આવક ઊભી કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

આ માટે વિસ્તારની અંદાજે 1000 વીઘા જમીનમાં નેપિયર ઘાસનું વાવેતર શરૂ કરવામાં આવ્યું છે. પ્લાન્ટમાં આ નેપિયર ઘાસની ખરીદી કરવામાં આવશે અને ખેડૂતોને તેના બદલામાં સીધી રકમ ચૂકવવામાં આવશે.

નેપિયર ઘાસની ખાસિયત એ છે કે એક વખત વાવેતર કર્યા બાદ યોગ્ય વ્યવસ્થાપન સાથે ઘણા વર્ષો સુધી તેની કાપણી કરી શકાય છે. પ્રોજેક્ટ સાથે જોડાયેલા લોકોના જણાવ્યા મુજબ ખેડૂતો દર વર્ષે આશરે ચાર વખત ઘાસની કાપણી કરીને પ્લાન્ટને વેચાણ કરી શકશે.

ખેડૂતના ખેતર સુધી પહોંચશે કંપનીની મશીનરી

આ પ્રોજેક્ટમાં ખેડૂતો માટે વધુ એક મહત્વપૂર્ણ સુવિધા રાખવામાં આવી છે. ખેડૂતોએ નેપિયર ઘાસ કાપીને પોતે પ્લાન્ટ સુધી પહોંચાડવાની જરૂર નહીં પડે. કંપનીની મશીનરી અને માણસો ખેડૂતના ખેતર સુધી જશે. ખેતરમાં જ નેપિયર ઘાસનું કટીંગ, પેકિંગ અને ત્યારબાદ તેને કંપનીના પ્લાન્ટ સુધી પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવશે.

ખેડૂતના ખેતરેથી જ નક્કી કરેલી રકમ ચૂકવવાની વ્યવસ્થા રાખવામાં આવશે. આથી ખેડૂતોને પરિવહન અને કાપણીનો વધારાનો બોજ ઓછો રહેવાની આશા છે.

દરરોજ 10 ટનથી વધુ CNGનું ઉત્પાદન કરવાનો લક્ષ્યાંક

આ બાયો-CNG LLP  પ્લાન્ટમાં દરરોજ 10 ટનથી વધુ CNGનું ઉત્પાદન કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. તૈયાર થયેલા CNGનું સીધું વેચાણ સરકારને કરવામાં આવશે તેમ પ્રોજેક્ટ સંચાલકોનું કહેવું છે.

નેપિયર ઘાસ અને અન્ય બાયોમાસમાંથી સૌપ્રથમ બાયોગેસ તૈયાર કરવામાં આવશે. ત્યારબાદ તેની જરૂરી પ્રક્રિયા કરીને બાયો-CNG તૈયાર કરવામાં આવશે. આ CNGનો ઉપયોગ વાહનોમાં ઇંધણ તરીકે તેમજ રાંધણગેસના વિકલ્પ તરીકે થઈ શકે છે.

આ સમગ્ર પ્રક્રિયા ગ્રીન એનર્જીને પ્રોત્સાહન આપતી હોવાથી કૃષિ અવશેષોનો ઉપયોગ કરીને પરંપરાગત ઊર્જા સ્ત્રોતો પરની નિર્ભરતા ઘટાડવાનો પણ પ્રયાસ થશે.

બાયો-CNG બાદ મળતો વેસ્ટ પણ બનશે ખાતર

પ્લાન્ટમાંથી માત્ર CNG જ નહીં, પરંતુ બાયો-CNG બનાવવાની પ્રક્રિયા બાદ મળતા અવશેષનો પણ ઉપયોગ કરવામાં આવશે. આ વેસ્ટને ઓર્ગેનિક ખાતર તરીકે ઉપયોગમાં લેવાની યોજના છે.

આ રીતે કૃષિમાંથી મળતું નેપિયર ઘાસ અને અન્ય બાયોમાસ ઊર્જા ઉત્પાદનમાં ઉપયોગમાં આવશે અને પ્રક્રિયા બાદ મળતો અવશેષ ખેતી માટે ઓર્ગેનિક ખાતર તરીકે ઉપયોગી બની શકે છે. એટલે એક પ્રકારની સર્ક્યુલર ઇકોનોમી ઊભી કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

ગોબરધન યોજનાનો પણ લાભ મળવાની આશા

પ્લાન્ટના સંચાલકોના જણાવ્યા મુજબ સરકારની ગોબરધન યોજના અંતર્ગત મળતા લાભનો પણ આગામી સમયમાં ઉપયોગ કરવાની યોજના છે. હાલ પ્લાન્ટનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે અને આશરે આઠ મહિનામાં પ્લાન્ટને કાર્યરત કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.

આ પ્રોજેક્ટ માટે જરૂરી ટેકનોલોજી વિદેશમાંથી લાવવામાં આવી હોવાનું જતીનભાઈ ગજેરાએ જણાવ્યું હતું. તેમના જણાવ્યા મુજબ આ ટેકનોલોજીનો સફળ ઉપયોગ કરીને ગુજરાતમાં બાયો-CNG ક્ષેત્રે નવી દિશા ઊભી કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

સફળતા બાદ અમરેલી જિલ્લામાં વધુ પાંચ પ્લાન્ટની યોજના

પ્રોજેક્ટ સંચાલકોનો દાવો છે કે શેડુભાર ખાતેનો પ્લાન્ટ સફળ થાય તો આગામી સમયમાં અમરેલી જિલ્લામાં વધુ પાંચ બાયો-CNG પ્લાન્ટ સ્થાપવાની યોજના છે. જો આ યોજના સાકાર થાય તો વિસ્તારના ખેડૂતોને કૃષિ આધારિત વધારાની આવકના નવા વિકલ્પો મળી શકે છે અને સ્થાનિક સ્તરે મોટી સંખ્યામાં રોજગારીની તકો ઊભી થઈ શકે છે.

આ પ્રોજેક્ટને માત્ર CNG ઉત્પાદનનો પ્રોજેક્ટ નહીં પરંતુ ખેડૂત, યુવા અને ગ્રીન એનર્જીને એકસાથે જોડતી પહેલ તરીકે જોવામાં આવી રહ્યો છે. ખેડૂતોના ખેતરમાં ઉગેલું નેપિયર ઘાસ પ્લાન્ટ સુધી પહોંચશે, તેમાંથી બાયો-CNG બનશે અને પ્રક્રિયા બાદ મળતો અવશેષ ઓર્ગેનિક ખાતર તરીકે ફરી ખેતીમાં ઉપયોગમાં આવી શકે છે.

અમરેલી જેવા કૃષિપ્રધાન જિલ્લામાં કૃષિ અવશેષોમાંથી ઊર્જા ઉત્પાદનની આ પહેલ સફળ થાય તો ખેડૂતો માટે વધારાની આવક, યુવાઓ માટે રોજગારી અને પર્યાવરણ માટે સ્વચ્છ ઊર્જાનો માર્ગ ખૂલી શકે છે. હવે  પ્રોજેક્ટ નિર્ધારિત સમયગાળામાં કાર્યરત થાય અને તેના લાભો ખેડૂતો સુધી કેટલા અસરકારક રીતે પહોંચે છે તેના પર સૌની નજર રહેશે.

Related Posts