ગુજરાત

રાજ્યમાં હૃદય રોગની સારવારના વિસ્તરણ અંગે આરોગ્ય રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની અધ્યક્ષતામાં યોજાઈ ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ

“ગુજરાતના નાગરિકોને ઘરઆંગણે અત્યાધુનિક અને ગુણવત્તાસભર આરોગ્ય સેવાઓ મળી રહે તેવા ઉદ્દેશ્ય સાથે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર આરોગ્ય ક્ષેત્રે સતત કાર્યશીલ છે. આ અંતર્ગત આરોગ્ય રાજ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાની અધ્યક્ષતામાં સમગ્ર રાજ્યમાં કાર્ડિયાક સેવાઓના વિસ્તરણ અંગે ગાંધીનગર ખાતે ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ હતી.”

આરોગ્ય રાજ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ રાજ્યની આરોગ્ય સેવાઓને વધુ સુદ્રઢ, આધુનિક અને જનકેન્દ્રિત બનાવવાના સરકારના પ્રયાસોને બિરદાવતા જણાવ્યું હતું કે, ગત વર્ષ-૨૦૨૫ દરમિયાન યુ.એન. મહેતા કાર્ડિયાક ઈન્સ્ટિટ્યૂટ દ્વારા અભૂતપૂર્વ કામગીરી કરવામાં આવી છે. આ વર્ષ દરમિયાન સંસ્થા દ્વારા ૮,૫૦૪ સફળ કાર્ડિયાક સર્જરી – હૃદયના ઓપરેશન કરવામાં આવ્યા છે, તેમજ સરેરાશ ૩.૯૪ લાખથી વધુ દર્દીઓની OPD ચકાસણી અને ૫૨,૧૬૭ જેટલા ગંભીર દર્દીઓને IPD અંતર્ગત ઉત્કૃષ્ટ ઇન્ડોર સારવાર પૂરી પાડવામાં આવી છે.

આ બેઠકમાં આરોગ્ય રાજ્ય મંત્રીશ્રીએ રાજ્યમાં આગામી દિવસોમાં કાર્યરત થનારા યુ.એન. મહેતા કાર્ડિયાક ઇન્સ્ટિટ્યૂટના પોરબંદર, ભાવનગર, સુરત અને સોલા -અમદાવાદ ખાતેના સેટેલાઈટ સેન્ટર્સના બાંધકામની પ્રગતિની વિગતવાર સમીક્ષા કરી હતી. આ ઉપરાંત કામગીરી ઝડપથી પૂર્ણ કરવા માટે જરૂરી સૂચનો મંત્રીશ્રીએ આપ્યા હતા તેમજ હાલ કાર્યરત ગાંધીનગર અને રાજકોટના સેન્ટરોની કામગીરી તથા ત્યાં ઉપલબ્ધ સુવિધાઓનું પણ મંત્રીશ્રી દ્વારા આકલન કરવામાં આવ્યું હતું.

આરોગ્ય રાજ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ વધુમાં ઉમેર્યું હતું કે, ગુજરાત આજે માત્ર રાજ્યના નાગરિકો માટે જ નહીં, પરંતુ દેશના અન્ય રાજ્યો તેમજ વિદેશથી આવતા દર્દીઓ માટે પણ એક અત્યંત વિશ્વસનીય અને આધુનિક હેલ્થકેર હબ તરીકે ઊભરી રહ્યું છે. દરેક ગરીબ અને મધ્યમવર્ગીય દર્દીને ગુણવત્તાસભર, સુલભ અને આધુનિક સારવારની સાથે માનવીય સંવેદનાનો સ્પર્શ મળે તે માટે રાજ્ય સરકાર સંપૂર્ણપણે કટિબદ્ધ છે.

મંત્રીશ્રી પાનશેરીયા દ્વારા “Healthcare with Humanity” ના અભિગમને વધુ મજબૂત બનાવવા માટે એક મહત્વની બેઠક યોજવામાં આવી હતી. જેમાં સમગ્ર રાજ્યમાં કાર્ડિયાક સેવાઓના સુનિયોજિત વિસ્તરણ અંગે આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને યુ.એન. મહેતા ઇન્સ્ટિટ્યૂટ -અમદાવાદના પદાધિકારીઓ સાથે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.

Related Posts