અમરેલી

શેલણા પ્રાથમિક શાળામાં ડેન્ગ્યુ માસ અંતર્ગત જાગૃતિ કાર્યક્રમ યોજાયો: મચ્છરજન્ય રોગો નિવારણ અંગે વિદ્યાર્થીઓને માર્ગદર્શન અપાયું

ચોમાસાની ઋતુ દરમિયાન ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકનગુનિયા જેવા મચ્છરજન્ય રોગોનો ઉપદ્રવ વધતો હોવાથી આરોગ્ય વિભાગ દ્વારા શાળા સ્તરે જાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. જેના ભાગરૂપે સાવરકુંડલા તાલુકાના શેલણા ગામ ખાતે આવેલ પ્રાથમિક શાળામાં ‘ડેન્ગ્યુ માસ’ની ઉજવણી અંતર્ગત મચ્છરજન્ય રોગો અંગે એક વિશેષ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

​આ કાર્યક્રમ આયુષ મેડિકલ ઓફિસર ડૉ. પારધી, સુપરવાઇઝર મુકુંદભાઈ ખુમાણના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો. જેમાં હિંમતભાઈ પરમાર દ્વારા શાળાના વિદ્યાર્થીઓને ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકનગુનિયા જેવા રોગોના લક્ષણો, તેના ફેલાવાના કારણો તથા તેનાથી બચવાના વિવિધ ઉપાયો વિશે વિગતવાર માહિતી આપવામાં આવી હતી.

કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને મચ્છરોના લાર્વા (પોરા) નાશ કરવા માટે ઉપયોગી એવી ગપ્પી માછલીનું પ્રત્યક્ષ નિદર્શન કરાવવામાં આવ્યું હતું અને તેના ઉપયોગથી મચ્છર નિયંત્રણ કેવી રીતે થાય તે સમજાવવામાં આવ્યું હતું. આ ઉપરાંત આરોગ્ય વિભાગની ટીમો દ્વારા ગામના અનેક ઘરોમાં ગપ્પી માછલીઓ મૂકવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી હતી.

​અભિયાનના ભાગરૂપે આરોગ્યની ખાસ ટીમો બનાવીને શેલણા ગામમાં ચોમાસાના કારણે ભરાયેલા વરસાદી પાણીના ખાડા-ખાબોચિયાંમાં બળેલું ઓઈલ નાખવાની પ્રક્રિયા કરવામાં આવી હતી, જેથી મચ્છરોનો પ્રજનન દર અટકાવી શકાય.

​વિદ્યાર્થીઓ પોતાના ઘર તેમજ આસપાસના વિસ્તારમાં પાણી ભરાઈ ન રહે તે માટે સ્વચ્છતા જાળવે અને પોતાના પરિવાર તથા સમાજમાં પણ ડેન્ગ્યુ નિવારણ અંગે જાગૃતિ ફેલાવે તે માટે તેમને ખાસ પ્રેરિત કરવામાં આવ્યા હતા.

Related Posts