ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં સાબરકાંઠાના વડાલી ખાતે આવેલ સંત માતૃશ્રી કુંવરબા વિદ્યાસંકુલ અને સંતશ્રી રામજીબાપા શારદા વિદ્યામંદિર ખાતે શ્રી કચ્છ કડવા પાટીદાર સનાતન સતપંથ યુવા સંઘ તેમજ ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ સાબરકાંઠાના સંયુક્ત ઉપક્રમે ‘પ્રાકૃતિક કૃષિ ખેડૂત સંમેલન’ યોજાયું હતું.
રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ સાબરકાંઠામાં પ્રાકૃતિક કૃષિ અભિયાનને વેગવંતુ બનાવવા પ્રાકૃતિક ખેતી અંગે માર્ગદર્શન આપવા સાથે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી શરૂ કરવા સંકલ્પબદ્ધ કર્યા હતા. પરિસંવાદમાં પ્રાકૃતિક કૃષિ ઉત્પાદન વેચાણના વિવિધ સ્ટોલની મુલાકાત લીધી હતી અને પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનો નિહાળી ખેડૂતો સાથે સહજ સંવાદ કર્યો હતો.
આ કાર્યક્રમમાં રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે, ૬૦ના દાયકામાં ડૉ. સ્વામીનાથને હરિયાળી ક્રાંતિ શરૂ કરી હતી. તે એ સમયની માંગ હતી, પરંતુ આપણે લોકોએ પરંપરાગત ખેતીને બિલકુલ છોડી દીધી, પશુપાલન છોડી દીધું. છાણ, ગૌમૂત્ર વગેરે જે ખેતરોમાં નાખતા હતા, તે હવે નહિવત જેવું થઈ ગયું.
આજના સમયમાં વધુ ઉત્પાદનની લ્હાયમાં ઝેરી યુરીયા, ડીએપી તથા જતુંનાશકોનો બેફામ ઉપયોગ કરાઇ રહ્યો છે. જેના કારણે જીવલેણ બિમારી વધી રહી છે. ટુંકા સમયના ફાયદા માટે આપણે પર્યાવરણ અને માનવજાતને નુકશાન પહોંચાડી અપરાધ કરી રહ્યા છીએ. આ રાસાયણિક ખેતીથી ધરતી પથ્થરસમાન બની ગઇ છે, હવામાં ઝેરી તત્વો ભળવા સાથે ભૂગર્ભ જળ પણ દૂષિત બન્યા છે. આમ, સમગ્ર પર્યાવરણ અને માનવજાત સામે મોટું સંકટ ઉભું થયું છે. ત્યારે ધરતીપુત્રોએ ખરા અર્થમાં જીવનદાતા બનવા કમર કસવી જોઇએ. સમગ્ર સમાજ અને પોતાના પરિવારના કલ્યાણ માટે પ્રાકૃતિક ખેતી અપનાવવી જોઇએ.
પ્રાકૃતિક ખેતીથી ઉત્પાદન ઘટતું હોવાનો ભય ભ્રામક હોવાનું જણાવીને રાજ્યપાલશ્રીએ સાબરકાંઠાના પ્રાકૃતિક કૃષિ કરતા પ્રગતિશીલ ખેડૂતોના ઉદાહરણ સાથે ખેડૂતોને સમજ આપતા જણાવ્યું હતું કે, પ્રાકૃતિક ખેતી ઝીરો બજેટ ખેતી છે, સમય સાથે ઉત્પાદન વધવા ઉપરાંત જમીન ફળદ્રુપ થાય છે તેમજ ઓછા પાણીએ ખેતી કરવી શક્ય બને છે. તેમણે પ્રાકૃતિક ખેતી માટે અળસિયા તેમજ સુક્ષ્મ જીવાણુંની જરૂરીયાત તથા જીવામૃત અને ઘનજીવામૃત અંગે માહિતી આપી હતી.
રાસાયણિક ખેતી થકી આજે દેશનું ધન વિદેશમાં ચાલ્યું જતું હોવાનું જણાવી રાજ્યપાલશ્રીએ વડાપ્રધાનશ્રીના રાષ્ટ્રીય પ્રાકૃતિક કૃષિ મિશનમાં સહભાગી બનવા હાંકલ કરી હતી. સાબરકાંઠાના ખેડૂતોને શરૂઆતમાં પોતાની જમીનના માત્ર એક ભાગથી પ્રયોગાત્મક ધોરણે પ્રાકૃતિક ખેતી શરૂ કરવા સંકલ્પબદ્ધ થઇને દર વર્ષે તેમાં વધારો કરતા જવા અનુરોધ કર્યો હતો. તેમણે રાસાયણિક ખેતીની વિનાશકારી અસરો અંગેના કેટલાક સંશોધનોનો ઉલ્લેખ કરીને માતાઓના દુધમાં પણ યૂરિયા અને જંતુનાશકો મળી આવ્યા અંગેનો મીડિયા રિપોર્ટ બતાવી ચિંતા વ્યકત કરી હતી. આવનારી પેઢીને જીવલેણ બીમારીઓનો શિકાર બનતા અટકાવવા પ્રાકૃતિક ખેતી જ એકમાત્ર વિકલ્પ હોવાનું ઉમેર્યું હતું.
રાજ્યપાલશ્રીએ હરિયાણા, ગુરુકુલ કુરુક્ષેત્રની જમીનમાં પ્રાકૃતિક ખેતીના સફળ પરિણામ તથા ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી અપનાવ્યા બાદ જોવા મળેલા અભૂતપૂર્વ પરીણામનો ઉલ્લેખ કરતા સાબરકાંઠાના ખેડૂતોને કોઇપણ રાસાયણિક ખાતર કે જંતુનાશક વગર કઇ રીતે સફળ પ્રાકૃતિક ખેતી કરાય તે અંગે વિગતવાર માહિતી આપી હતી. ખેડૂતોને ઉત્પાદન ઘટવાની ભ્રાંતિમાંથી બહાર નિકળવા જિલ્લાના સફળ પ્રગતિશીલ ખેડૂતોના મોડેલ ફાર્મની મુલાકાત લઇ પોતાનો વિશ્વાસ દ્રઢ કરવા સૂચવ્યું હતું.
દેશી ગાયના મહત્વ પર ભાર મૂકતા રાજ્યપાલશ્રીએ ગાયને ખેતી માટે વરદાનરૂપ ગણાવી હતી. તેના ગોબર અને ગૌમુત્ર પ્રાકૃતિક ખેતી માટે અમૃત સમાન હોવાનું જણાવતા દુધના માધ્યમથી આવક વધારવા ખેડૂતોને ઉન્નત ઓૈલાદની ગાય માટે આધુનિક ટેક્નોલોજીની મદદથી બ્રીડીંગ કરવા જણાવ્યું હતું.
વધુમાં તેમણે કહ્યું કે, હું ખેડૂત છું, તમારી વચ્ચે જ રહું છું. હું જે રાત-દિવસ ફરી રહ્યો છું, જે પ્રયાસ કરું છું, મારો એક જ ઉદ્દેશ્ય છે, ખેડૂતોનું ભલું થાય, આવનારી પેઢીઓનું કલ્યાણ થાય, ધરતી માતા બચે, ગૌમાતા બચે, પર્યાવરણ બચે, પાણી બચે, લોકોનું સ્વાસ્થ્ય બચે અને દેશનું ધન બચે.
સાબરકાંઠા જિલ્લાની કૃષિ સખીઓ અને સી.પી.આર.ને જિલ્લામાં પ્રાકૃતિક કૃષિ અભિયાનને વધુ વેગવંતુ બનાવવા આહવાન કર્યું હતું.
કાર્યક્રમમાં જિલ્લાના પ્રગતિશીલ ખેડૂત શ્રી મહેન્દ્રભાઈ પટેલ, અલ્પેશભાઈ પટેલ તેમજ ખેડૂત શ્રી રતિલાલે પોતાની સફળ પ્રાકૃતિક ખેતી અંગે પોતાના અનુભવો વર્ણવ્યા હતા. ઉલ્લેખનીય છે કે આગામી 9 જૂનના રોજ ધામણી પ્રાકૃતિક ખેતી તાલીમ યોજાશે.
આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી રીનાબેન પટેલ, ધારાસભ્યશ્રી રમણલાલ વોરા, કલેકટર શ્રી લલિત નારાયણસિંઘ સાંદુ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી એચ પી પટેલ, શ્રી કચ્છ કડવા પાટીદાર સનાતન સતપંથ યુવા સંઘ સહિત વિવિધ વિભાગના અધિકારીશ્રીઓ સહિત મોટી સંખ્યામાં જિલ્લાના ધરતીપુત્રો, કૃષિ સખીઓ અને CRP તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતાં.












Recent Comments