અમરેલી

સાવરકુંડલાની કે.કે. મહેતા સરકારી હોસ્પિટલની મોટી સિદ્ધિ: ૩૭ વર્ષીય મહિલાના ગર્ભાશયમાંથી ૧.૪ કિલોની જટિલ ગાંઠનું સફળ ઓપરેશન

અમરેલી જિલ્લાના સાવરકુંડલા મુકામે આવેલી શ્રી કે.કે. મહેતા સરકારી હોસ્પિટલે તબીબી ક્ષેત્રે એક મોટી સફળતા હાંસલ કરી છે. હોસ્પિટલના કુશળ ગાયનેકોલોજીસ્ટ અને તેમની ટીમે તાજેતરમાં એક ૩૭ વર્ષીય મહિલા દર્દીના ગર્ભાશયમાંથી ૧૫ સેન્ટીમીટર કદની અને અંદાજે ૧.૪ કિલોગ્રામ વજન ધરાવતી જટિલ ગાંઠ ઓપરેશન કરીને સફળતાપૂર્વક બહાર કાઢી છે.

​હોસ્પિટલમાંથી મળતી વિગતો અનુસાર, તાજેતરમાં જ બે અત્યંત જટિલ અને જોખમી ઓપરેશનોને સફળતાપૂર્વક અંજામ આપવામાં આવ્યો છે:

​૧. ગર્ભાશયની ૧.૪ કિલોની ગાંઠનું ઓપરેશન (તા. ૦૨-૦૬-૨૦૨૬): ૩૭ વર્ષીય મહિલા દર્દીની ગર્ભાશયની કોથળી અને અંદર રહેલી ૧૫ સે.મી.ની મોટી ગાંઠ દૂર કરવાનું હાઈ-રિસ્ક ઓપરેશન ગાયનેકોલોજીસ્ટ ડો. અભિષેક ચૌહાણ, એનેસ્થેટિસ્ટ ડો. હસમુખ કાપડિયા, નર્સિંગ સ્ટાફના સંજયભાઈ દેવાણી અને સહાયક ઉદિત પરમાર દ્વારા સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું હતું.

૨. અંડાશયની ૧૨ સે.મી.ની ગાંઠનું ઓપરેશન (તા. ૨૯-૫-૨૦૨૬): આ પૂર્વે અન્ય એક ૩૭ વર્ષીય મહિલાના અંડાશયમાંથી અંદાજે ૧૨ સે.મી.ની ગાંઠ દૂર કરવામાં આવી હતી. આ ઓપરેશન ગાયનેકોલોજીસ્ટ ડો. દર્શિતા સોલંકી, ડો. અભિષેક ચૌહાણ, એનેસ્થેટિસ્ટ ડો. હસમુખ કાપડિયા અને ઓટી સ્ટાફના કૌશિક મહેતા દ્વારા સફળતાપૂર્વક કરાયું હતું.

​ખાનગી હોસ્પિટલોમાં આ પ્રકારના મોટા અને જોખમી ઓપરેશનો માટે દર્દીઓએ લાખો રૂપિયા ચૂકવવા પડતા હોય છે, ત્યારે કે.કે. મહેતા સરકારી હોસ્પિટલમાં આ તમામ સારવાર હોસ્પિટલના અધિક્ષકના યોગ્ય માર્ગદર્શન હેઠળ દર્દીઓ માટે તદ્દન મફત (ફ્રી) કરવામાં આવી છે.

​આધુનિક સ્ત્રીરોગ વિભાગ અને તમામ સુવિધાઓથી સજ્જ હોસ્પિટલ

​કે.કે. મહેતા સરકારી હોસ્પિટલનો ગાયનેક વિભાગ સ્ત્રી રોગો માટેની તમામ આધુનિક સુવિધાઓથી સજ્જ છે. અહીં ગર્ભાવસ્થા દરમિયાન અને પ્રસૂતિ સમયે માતા અને બાળકની શ્રેષ્ઠ કાળજી લેવામાં આવે છે તેમજ નવજાત શિશુને જન્મની સાથે જ આપવામાં આવતી તમામ વેક્સિન (રસી) પણ વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવવામાં આવે છે.

​એક જ છત નીચે ઉપલબ્ધ અન્ય તમામ તબીબી સેવાઓ:

​આ હોસ્પિટલ વિસ્તારના દર્દી નારાયણ માટે આશીર્વાદરૂપ બની રહી છે, જ્યાં નીચે મુજબની સુવિધાઓ આયુષ્માન કાર્ડ અંતર્ગત ઉપલબ્ધ છે:

​૨૪*૭ ઇમરજન્સી સેવાઓ અને જનરલ ઓ.પી.ડી. (OPD) તેમજ MLC કેસ.

​નિષ્ણાંત તબીબો: જનરલ સર્જન, એમ.ડી. ફિઝિશ્યન, સ્ત્રીરોગ નિષ્ણાંત, બાળરોગ નિષ્ણાંત, ઓર્થોપેડીક (હાડકાના), સ્કિન (ચામડી), આંખ, દાંત અને માનસિક રોગના નિષ્ણાંત તબીબો.

​ડાયગ્નોસ્ટિક સેવાઓ: રેડિયોલોજીસ્ટ (સોનોગ્રાફી), આધુનિક લેબોરેટરી (માઇક્રોબાયોલોજીસ્ટ અને પેથોલોજીસ્ટ) અને એક્સ-રે સુવિધા.

​વિશેષ વિભાગો: બ્લડ બેંક, ડાયાલીસીસ સેન્ટર, ફિઝિયોથેરાપી (કસરત વિભાગ), હોમિયોપેથીક, ટી.બી. વિભાગ, આઇ.સી.ટી.સી. (એચ.આઇ.વી.) સેન્ટર અને કુપોષિત બાળકો માટે (સી.એ.ટી.સી.) સેન્ટર.

​હોસ્પિટલ પ્રશાસન દ્વારા આ તમામ ઉચ્ચ કક્ષાની આરોગ્ય સેવાઓનો લાભ સાવરકુંડલા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારના વધુમાં વધુ જરૂરિયાતમંદ દર્દીઓ સુધી પહોંચે તેવું સુંદર આયોજન કરવામાં આવ્યું છે.

Related Posts