હવે ક્યાં એ પંચરની રાહો
અને એ પવનની લહેરો છે,
યાદોમાં જ બસ હવે ચલાલા ને સાવરકુંડલાનો એ પહેરો છે.
-” પાંધીસર”
આજે વિશ્વ સાયકલ દિવસ છે ત્યારે ભૂતકાળની કેટલીક જૂની અને પુરાણી યાદો આંખ સામે તરી આવે છે. એ દિવસોમાં વેકેશન પડતાં જ મામા અને કાકાના ઘેર જવાનો ઉત્સાહ ચરમસીમાએ હતો. ચલાલાથી સાવરકુંડલા અને ત્યાંથી ૩૪ કિલોમીટર દૂર આવેલા તાતણિયા સુધીની સફર સાયકલ દ્વારા જ ખેડાતી! આજે પેટ્રોલના ભાવો અને ઝંઝટ વચ્ચે એ સમયની સાયકલ સફર મુક્ત હતી. હા, ઘણીવખત રસ્તામાં પંચર પડી જતાં ત્યારે બે-ચાર કિલોમીટર પગપાળા ચાલીને પંચર કરનારની દુકાને પહોંચવું અને પંચર સંધાવવું, એ મુશ્કેલીમાં પણ એક અનોખો આનંદ અને જૂની યાદો છુપાયેલી છે.
પિતાજીનો સાયકલ પ્રેમ અને ગામડાની એ ફેરી
મારા પિતાજીને બચપણથી જ સાયકલનો ગજબનો શોખ હતો. ઓગણીસ વર્ષની નાની ઉંમરે પણ તેમની પાસે પોતાની સાયકલ હતી. એ જમાનામાં સાયકલ માત્ર પરિવહનનું સાધન નહોતી, પણ રોજીરોટીનું માધ્યમ પણ હતી. સાયકલના સ્ટેન્ડ પાછળ મોટું ખોખું બાંધી, તેમાં સાબુ અને ધૂપેલ તેલ, તો વળી કોઈ કુલ્ફી ભરીને ગામડાઓમાં ૨૦-૩૦ કિલોમીટર સુધી વેચવા નીકળતા અને ગામડાના લોકો પણ હોંશે-હોંશે આ તમામ ચીજો ખરીદતા.
ચલાલાના ઇસાકભાઈ ધૂપેલ તેલ વાળાએ તો જીવનભર સાયકલ પર ફેરી કરીને જ પોતાનું માથામાં નાખવાનું તેલ વેચ્યું હતું. આ જ રીતે ચલાલાના પ્રેમજીભાઈ નથવાણી પણ સાયકલના ગજબના શોખીન હતા, જો કે સમય બદલાતા તેમણે સાયકલના સ્થાને સ્કૂટર અપનાવ્યું હતું. પરંતુ ચલાલાના સિનિયર પત્રકાર હરગોવિંદભાઈ પાંધી અને રવજીભાઈ સોલંકીએ તો જીવનભર સાયકલનો જ ઉપયોગ કર્યો એ પણ એક હકીકત છે.
ચલાલાના સાયકલ સ્ટોર્સ અને કલાકના ‘૩૦ પૈસા’ ભાડું!
એ સમયે ચલાલા ખાતે હરિયાણી સાયકલ સ્ટોર, મોરવાડિયા સાયકલ સ્ટોર અને હૂસેનભાઈ કુરેશી સાયકલ સ્ટોર ખૂબ નામી હતા. આ સ્ટોર્સ સાયકલ રિપેર કરી આપતા અને ભાડે પણ આપતા. હૂસેનભાઈ કુરેશી તો બેહદ દિલદાર, મિલનસાર અને મોહમ્મદ રફી સાહેબના પરમ ચાહક હતા. તેઓ પોતાના નિજાનંદ માટે રફી સાહેબના જ અવાજમાં તેમના ગીતો લલકારતા જોવા મળતા. એ જમાનામાં સાયકલ ભાડે ચલાવવાનો ચાર્જ કલાકના ૩૦ પૈસા અને અડધા કલાકના માત્ર ૧૫ પૈસા હતો!
એક અવિસ્મરણીય અકસ્માત અને બાળપણના રોમાંચ
એક પ્રસંગ હજુ પણ હૃદયમાં તાજો છે. એક દિવસ મારા પિતાશ્રી બહારગામ ગયેલા. ઘરમાં સ્ટેન્ડ પર રહેલી સાયકલના પેડલ મારીને વ્હીલ (પૈડું) ગોળ-ગોળ ફેરવવામાં અમને અનેરો આનંદ આવતો હતો. એ જ રીતે પૈડું ફેરવતી વખતે મારા નાના ભાઈ મુકેશભાઈ પાંધીની આંગળી ટ્યુબ સાથે ચક્રના દાણા (સ્પૉક્સ)માં આવી ગઈ અને તેઓ ભારે લોહી-લુહાણ થયા હતા, એ પ્રસંગ આજે પણ ભુલાતો નથી.
તેમ છતાં, સાયકલ ચલાવવાની મજા કંઈ ઓર હતી! ખુલ્લા હાથે સાયકલ ચલાવવી, ધોધમાર વરસાદ વચ્ચે સડેડાટ કેટલેય દૂર સુધી નીકળી જવું, એનો કોઈ હિસાબ નહોતો. સાયકલના પૈડાના આરા (તાંતણા) સાથે ફુગ્ગો બાંધીને સાયકલ દોડાવવી અને એ ફુગ્ગાના કારણે જે ‘ફરરર’ અવાજ પેદા થતો, તે રસ્તા પર એક અનોખો રોમાંચ જગાડતો. સાયકલને નવો કલર કરાવીને એકદમ નવી નક્કોર બનાવવી અને રાત્રે સાયકલમાં ડાયનેમો લગાવીને વ્હીલના ઘર્ષણથી બત્તી (લાઈટ) ચાલુ કરવાનો આનંદ અદ્ભુત હતો.
નવી પેઢી અને લુપ્ત થતી સાયકલ સંસ્કૃતિ
’ગુજર ગયે વો દિન પુરાને…’ આજે વિશ્વ સાયકલ દિવસે માત્ર આ સંભારણા જ રહી ગયા છે. વર્ષોથી સાયકલ ચલાવતા અમારા એક પાડોશીએ પણ હવે સાયકલને તિલાંજલી આપીને મોટરસાયકલ અપનાવી લીધી છે. આ દ્રશ્યો જોઈને ડર લાગે છે કે ક્યાંક હવે પછીની પેઢી માટે ‘સાયકલ’ એ માત્ર શબ્દકોષમાં સીમિત રહેલો શબ્દ જ ન બની જાય!
જો કે, આજે પણ અમુક લોકો ત્રણ પૈડાવાળી સાયકલ (પેડલ રિક્ષા)નો માલવાહક તરીકે ઉપયોગ કરે છે, પણ તે ખૂબ જૂજ માત્રામાં છે. આ બધા વચ્ચે સાવરકુંડલા શહેરમાં જેસર રોડ પર આવેલી શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સંચાલિત શૈક્ષણિક સંસ્થામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા બાબુલાલ હજુ પણ પરિવહન માટે માત્ર ને માત્ર સાયકલનો જ ઉપયોગ કરે છે, જે ખરેખર પ્રેરણાદાયી છે. સાયકલ એ માત્ર સાધન નથી, પણ વીતેલા સુવર્ણ યુગની સવાર છે!











Recent Comments