અમરેલી

અમરેલી આઈ.ટી.આઈ ખાતે પ્રવેશ પ્રક્રિયા શરૂ: સંસ્થાના તાલીમાર્થીઓને વિવિધ સુવિધાઓનો લાભ મળશે

ઔદ્યોગિક તાલીમ સંસ્થા અમરેલી ખાતે નવા શૈક્ષણિક સત્ર માટે પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ પ્રવેશ પ્રક્રિયામાં ધોરણ-૮ પાસથી લઈને ગ્રેજ્યુએટ સુધીના તમામ ઈચ્છુક ઉમેદવારો ઓનલાઈન અરજી કરી શકશે. આઈ.ટી.આઈ. ખાતે પ્રવેશ મેળવતા તાલીમાર્થીઓની આર્થિક અને શૈક્ષણિક સુખાકારી માટે સરકાર દ્વારા અનેકવિધ પ્રોત્સાહક યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. જેમાં એસ.સી., એસ.ટી., મહિલા, દિવ્યાંગ અને એક્સ-આર્મીમેનના આશ્રિતોને તદ્દન વિનામૂલ્યે તાલીમ આપવામાં આવશે.

આ ઉપરાંત, કન્યા કેળવણીને વેગ આપવા માટે સરકારની મહત્વાકાંક્ષી ‘પી.એમ. નમો લક્ષ્મી યોજના’ હેઠળ આઈ.ટી.આઈ.માં અભ્યાસ કરતી દીકરીઓને ૧ વર્ષના કોર્સ માટે રૂ. ૧૫,૦૦૦ અને ૨ વર્ષના કોર્સ માટે રૂ. ૨૪,૦૦૦ ની માતબર આર્થિક સહાય મળવાપાત્ર રહેશે.

સંસ્થા દ્વારા વિદ્યાર્થીઓના હિતમાં લેવાયેલા શૈક્ષણિક નિર્ણયો અંતર્ગત, ધોરણ-૮ પાસ વિદ્યાર્થીઓ જો ૨ વર્ષનો આઈ.ટી.આઈ. કોર્સ પૂર્ણ કરશે તો તેમને ધોરણ-૧૦ સમકક્ષતા અને ધોરણ-૧૦ પાસ વિદ્યાર્થીઓને ધોરણ-૧૨ સમકક્ષતાનું પ્રમાણપત્ર એનાયત કરવામાં આવશે. એટલું જ નહીં, નિયત વ્યવસાયો પૂર્ણ કર્યા બાદ તાલીમાર્થીઓ ડિપ્લોમા એન્જિનિયરિંગના કોર્સમાં પણ સીધો પ્રવેશ મેળવી શકશે. સંસ્થામાંથી ઉત્તીર્ણ થતા વિદ્યાર્થીઓને દેશ-વિદેશમાં માન્યતા ધરાવતું NCVT પ્રમાણપત્ર અપાશે, જે વિદેશ જવા ઈચ્છતા યુવાનોને PR (Permanent Residency) મેળવવામાં ખૂબ જ ઉપયોગી સાબિત થશે.

અભ્યાસ દરમિયાન આર્થિક બોજ હળવો કરવાના હેતુથી દરેક તાલીમાર્થીને માસિક રૂ. ૫૦૦ ની શિષ્યવૃત્તિ, દિવ્યાંગોને મુસાફરી ભથ્થા પેટે માસિક રૂ. ૩,૦૦૦ની તેમજ દૂરથી આવતા તમામ વિદ્યાર્થીઓ માટે એસ.ટી. બસના મફત પાસની સુવિધા પુરી પાડવામાં આવશે.

રોજગારી અને સુરક્ષાના માધ્યમથી યુવાનોને આત્મનિર્ભર બનાવવા માટે આઈ.ટી.આઈ. અમરેલી કટિબદ્ધ છે. અભ્યાસ પૂર્ણ કર્યા બાદ વિદ્યાર્થીઓને નામાંકિત કંપનીઓમાં એપ્રેન્ટિસશીપ કરવાની ઉત્તમ તક અને નેશનલ એપ્રેન્ટિસશીપ પ્રમાણપત્ર આપવામાં આવશે, જે કેન્દ્ર-રાજ્ય સરકાર તેમજ ખાનગી ક્ષેત્રની નોકરીઓમાં પ્રથમ પસંદગી અપાવશે. જે યુવાનો પોતાનો સ્વતંત્ર વ્યવસાય શરૂ કરવા માંગે છે, તેમને બેંક લોન અને સબસિડીની સહાય પણ આપવામાં આવશે. આ સાથે જ, તમામ તાલીમાર્થીઓને સુરક્ષા પ્રદાન કરવાના આશયથી “ગુજરાત સામૂહિક જૂથ અકસ્માત વીમા યોજના” હેઠળ રૂ. ૪ લાખ સુધીનું વીમા કવચ પૂરું પાડવામાં આવશે.

વિવિધ કોર્ષમાં પ્રવેશ મેળવવા માટે ઉમેદવારોએ સત્તાવાર વેબસાઇટ https://itiadmission.gujarat.gov.in પર ઓનલાઇન રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. તા. ૨૩.૦૬.૨૦૨૬ સુધીમાં રજીસ્ટ્રેશન કરાવી શકાય છે. ઓલાઈન ફોર્મ ભરવામાં મુશ્કેલી ન પડે તે માટે આઈ.ટી.આઈ. અમરેલી કેમ્પસ ખાતે એક નિઃશુલ્ક ‘હેલ્પ સેન્ટર’ કાર્યરત કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓ ઘરે બેઠા જ પોતાના જરૂરી તમામ દસ્તાવેજો (Documents) સંસ્થાના સત્તાવાર વોટ્સએપ નંબર ૯૪૨૯૦ ૯૮૧૬૮ પર મોકલીને વિનામૂલ્યે પોતાનું ફોર્મ ભરાવી શકશે, તેમ આઈ.ટી.આઈ અમરેલીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Related Posts