ભાવનગર

શું અને ક્યાં ભણવું આ સવાલના જવાબ છે ક્યાં?

દર વર્ષે મે મહિનો આવે અને ‘વારા પછી વારો ને મેં પછી ગારો’ એ કહેવત મુજબ જૂનમાં નવું શૈક્ષણિક વર્ષ શરૂ થાય.વાલીઓની ધમાચકડી- દોડાદોડી પોતાના સંતાનોના પ્રવેશ માટે શરૂ થાય. તેના દિલો દિમાગમા બધી જગ્યાએ પોતાના આશ્રિતની એક ગર્ભિત ચિંતા સતત અજંપો બનીને સાથે ચાલતી હોય. કારણ દરેક પોતાના સંતાનોનું ઉજવળ ભવિષ્ય ઈચ્છે પછી તે કુબામાં હોય કે હવેલીમાં હોય. 

                 આપણે ત્યાં લગભગ તમામ વાલીઓને, વિશેષ કરીને જે શિક્ષિત એવા મા બાપોને એક ભૂત સવાર થઈને બેઠું છે કે મારો છોકરો દાક્તર અને ઇજનેર જ બને ! તો કોઈ વળી નવા સપનાઓ સજાવીને બેઠું છે કે આઈએએસ,આઈપીએસ કે ટેકનોક્રેટ કેમ ન બની શકાય! પણ આ બધાની વચ્ચે એક સવાલ એ આવે છે કે હવે શિક્ષણના સાર્વત્રિક ખાનગીકરણમાં તમારે નિર્ણય એ કરવાનો છે કે તમારી જીવનભરની બચત કોઈ હળવેકથી તમારાં ખિસ્સામાંથી સેરવી તો નથી લેતું ને ?! આ છેતરામણી પ્રક્રિયાનો ભાગ તમે બની જાવ જો બની જાવ છો તો કેવી રીતે બનો છો? આ સવાલો પણ દરેકને પોતાની જાત સાથે કરવા જોઈએ. 

           યાદ રાખીએ કે દરેક બાળકમાં કોઈને કોઈ પ્રકારનું કૌશલ્ય ઈશ્વર લઈને મોકલે છે. આ કૌશલ્યને તાલીમબદ્ધ કરવાનું શિક્ષણ જરૂર આપણે આપી શકીએ. પરંતુ આપણા સપનાઓ તેના પર લાદીને તેને દોજખમાં ન મૂકી શકીએ. એશો આરામ ભરી જિંદગીની કલ્પનાને છોડીને સંઘર્ષ અને મહેનતનો માર્ગ પસંદ કરવા માટે આપણે આપણી પેઢીને તૈયાર કરવી પડશે, તે આજે સમયની માંગ છે. તમારા બાળકની એબિલિટી કે ક્ષમતા નથી અને તમે 11- 12 સાયન્સ કે ઈજનેરી કે દાકતરી કોર્સમાં તમે તેને ધક્કો મારો છો એટલે તમે તમારી મૂડીને વેડફી રહ્યા છો. એટલું જ નહીં એ મૂડીમાંથી પરત કશું આવવાનું નથી.તમારી બચત એ ગુમાવવાનો વારો જરૂર આવવાનો છે આ વાત સૌ કોઈએ સમજવી જોઈએ. 

          આજે મેડિકલ, એન્જિનિયરિંગ અને બાકીના વ્યવસાયિક અભ્યાસક્રમોની ફી ખૂબ તોતિંગ છે. તમે મેડિકલમાં તમારા સંતાનને દાખલ કરો તો ખાનગી મેડિકલની ફી વાર્ષિક રૂપિયા 3 લાખથી 8 લાખ સુધીની છે. એટલે કે તમે ચાર વર્ષમાં ઓછામાં ઓછા 12 લાખ રૂપિયા ફી ભરો છો.અન્ય ખર્ચને તેમાં ઉમેરી દો તો તમે આટલા સમયમાં તમારા સંતાન પાછળ ઓછામાં ઓછું 15 લાખનું રોકાણ કરો છો. આ રોકાણમાંથી કોઈ આઉટ કમ થવાનું છે કે કેમ તેનો જરા વિચાર કરવાની બહુ જરૂર છે.કારણ કે ઈજનેર હોય કે ડોક્ટર આજે સાંપ્રત 2026ના વર્ષની વાત કરીએ તો ગુજરાતમાં મેડિકલની સીટ લગભગ 7500 છે અને તેની કોલેજોની સંખ્યા 43 છે બધી સીટો ભરાઈ જાય છે.આ સિલસિલો 10 વર્ષથી ચાલુ છે. તેનો અર્થ એ થયો કે આજે ગલી અને મહોલ્લાઓમાં ડોક્ટરો ઉપલબ્ધ છે.જનરલ પ્રેક્ટિસનરોની સંખ્યા એટલાં મોટાં પ્રમાણમાં વધી છે કે તેને પેટપૂજાના પણ ફાંફા છે. તો આવતા પાંચ વર્ષ પછી શું થશે ?! એ જ રીતે ઈજનેરી કોર્સમાં પણ ગુજરાતમાં 71,059 સીટો છે અને તેની ફી પણ એ જ રીતે લગભગ ત્રણ લાખની આસપાસ થાય છે ત્યાં પણ એટલો જ ખર્ચ છે. પણ સને 2024 માં આ 137 ઇજનેરી કોલેજોની બેઠકો પૈકીની માત્ર 40,176 બેઠકો માં વિદ્યાર્થીઓએ પ્રવેશ લીધેલો એનો અર્થ એવો થયો કે લોકોને હવે ઈજનેરીમાં રસ રહ્યો નથી.કારણ કે આટલાં મોટા પ્રમાણમાં પોતાના નાણા ખર્ચીને જો તેનું પરિણામ કશું મળવાનું ન હોય અને માત્ર પાયમલ જ થવાનું હોય તો શા માટે આ કરવું, એ દિશામાં જવું!!

           મારી સામે એક દાખલો છે કે એક વિદ્યાર્થી નિરમા યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે. લગભગ 20 -22 લાખ રૂપિયા તેમના વાલી ચાર વર્ષમાં ખર્ચે છે.તેમની કદાચ તેના માટે એટલી ત્રેવડ નહોતી તો પણ તે તાણીતુણીને એટલો ખર્ચ કરે છે પરિણામે એ આવે છે કે ઈજનેર થઈને જ્યારે બહાર આવે છે તો વિદ્યાર્થી 15- 20 હજારની નોકરી માટે ફાંફાં મારે છે.આખરે તે પોતાના પિતાજીના વ્યવસાયમાં જોડાઈ જાય છે.તમે 22 લાખ રૂપિયા ખર્ચીને પણ જો આ જ કરવાના હો તો તમારા રૂપિયાનું એક રીતે પાણી થયું કહેવાય તો શા માટે તમે વાણિજ્ય,વિજ્ઞાન કે કલાના સ્નાતક થઈને આ વ્યવસાયમાં ન જોડાયા !?

          એવો અભ્યાસક્રમ પસંદ કરો કે જે તમારો બાળક બહાર આવીને ખરા અર્થમાં કારકિર્દી બનાવી શકશે.એ વ્યવસાયની સ્થિતિ ત્યારે શું હશે તેનો જરા વિચાર કરવો.નંબર બે હવે યુગ એ વાઈટ કોલર જોબ માટેનો પૂરો થયો છે.તમારે સંઘર્ષ અને સામર્થ્ય બંને માટે તૈયાર રહેવું જોઈશે.આપણાં બાળકને નાનપણથી તે માટે તૈયાર કરવા પડશે. બ્લુ કલર એટલે કે મહેનતકશ કહી શકાય એવી નોકરીઓ કે વ્યવસાય પર તેમણે પસંદગી ઉતારવી પડશે. પશ્ચિમના દેશો આજે આ જ દિશામાં મહત્વનું કામ કરી રહ્યાં છે.આપણે ત્યાં મેકોલોની શૈક્ષણિક પદ્ધતિ જેને આપણે કારકુની કોલેજો તરીકે ઓળખીએ છીએ તેને હવે બંધ કરીને એક દિશા આપણે નક્કી કરવાની જરૂર છે. અહીં એ વાતનો પણ મારે ઉલ્લેખ કરવો જોઈએ કે સને 2009-10 માં ગુજરાતમાં 450 જેટલી પ્રાથમિક શિક્ષક તાલીમી કોલેજો હતી પણ સમય બદલાઈ ગયો એ બધા જ લોકો આટલા નાણાં ખર્ચીને રોડ પર આમથી આમ ભટકતા રહ્યાં.આજે હવે કોલેજની સંખ્યા માત્ર 95 બચી છે એટલે કે માંગ અને પુરવઠા પર પણ આપણે ધ્યાન આપવાની આવશ્યકતા રહે છે. 

 તમામ સાથીઓ, વિદ્યાર્થીઓ અને વાલીઓને તેમની કારકિર્દીની હાર્દિક શુભકામનાઓ.

Related Posts